શિયાળામાં કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા બાદ ભગવાન શિવ ક્યાં જતાં રહે છે?
Lord Shiva : દર વર્ષે દિવાળી બાદ ભાઈબીજના દિવસે કેદારનાથ મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે. આ વર્ષે ભાઈબીજ 3જી નવેમ્બરે છે, અને આ દિવસે કેદારનાથ મંદિરના કપાટ શિયાળા માટે બંધ રહેશે. કપાટ બંધ થયા બાદ કેદારેશ્વર મહાદેવને પાલખીમાં બેસાડીને ઉખીમઠ લઈ જવામાં આવે છે. શિયાળામાં ત્યાં કેદારનાથ મહાદેવની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ આવું કેમ કરવામાં આવે છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા આ ત્રણ રાશિના જાતકોના ખિસ્સા થશે ખાલી! શનિના ગોચરના કારણે થશે ધનનું નુકસાન
ઉખીમઠની પૌરાણિક કથા
શ્રીમદ ભાગવતમાં વર્ણવામાં આવેલી કથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઉષા એકબીજાને પ્રેમ કરતા હતા. જ્યારે બાણાસુરને આ વાતની ખબર પડી તો તેઓ ગુસ્સે થયા અને એક દિવસ ગુસ્સામાં તેમણે શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને પકડી લીધો. તે પછી શ્રી કૃષ્ણ પોતાના પૌત્રને કેદમાંથી મુક્ત કરવા બાણાસુર સાથે યુદ્ધ કરવા ગયા. બાણાસુર અને શ્રીકૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યા બાદ બાણાસુર ભગવાન કૃષ્ણને હરાવી શક્યો ન હતો, ત્યારે તેણે ભગવાન શિવને યુદ્ધમાં મદદ માંગી. ભગવાન શિવે બાણાસુરને વચન આપ્યું હતું, કે તે તેની રક્ષા કરશે.
શ્રીકૃષ્ણ અને શિવ વચ્ચે યુદ્ધ
બાણાસુરે ભગવાન શિવનું સ્મરણ કર્યુ તેની સાથે જ શિવજી યુદ્ધના મેદાનમાં આવી પહોંચ્યા હતા. તે પછી શ્રી કૃષ્ણ અને ભગવાન શિવ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. પછી થોડા સમય પછી શ્રી કૃષ્ણએ ભગવાન શિવને યુદ્ધ છોડીને જતા રહેવા કહ્યું. શ્રીકૃષ્ણે ભગવાન શિવને કહ્યું કે પ્રભુ તમે બાણાસુરને વરદાન આપ્યું હતું કે, તે મારા હાથે જ પરાજિત થશે. પરંતુ જો તમે યુદ્ધમાંથી દૂર નહીં થાવ તો આ કેવી રીતે શક્ય બનશે? આ પછી ભગવાન શિવ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ શ્રી કૃષ્ણે બાણાસુરને યુદ્ધમાં હરાવ્યો.
પરંતુ જ્યારે શ્રી કૃષ્ણએ બાણાસુરનો વધ કરવાનું શરૂ કર્યું, ત્યારે ભગવાન શિવે તેમને રોક્યા અને બાણાસુરને જીવતદાન આપવા કહ્યું. ભગવાન શિવના કહેવાથી શ્રી કૃષ્ણએ બાણાસુરને જીવતો છોડી દીધો. યુદ્ધમાં હાર્યા બાદ બાણાસુરે પોતાની પુત્રીના લગ્ન શ્રીકૃષ્ણના પૌત્ર સાથે કરાવ્યા. પૌરાણિક સમયમાં તે જગ્યાને ઉષામઠ તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ આજે તે ઉખીમઠ તરીકે ઓળખાય છે.
કેદારનાથ ઉખીમઠમાં રહે છે
ઉખીમઠને પંચકેદારમાં મુખ્ય માનવામાં આવે છે. તેથી શિયાળામાં કેદારનાથ મહાદેવ ઉખીમઠમાં નિવાસ કરે છે. કેદારનાથના દરવાજા બંધ થયા બાદ કેદારનાથ મહાદેવને પાલખીમાં ઉખીમઠ લાવવામાં આવે છે. કેદારનાથ મંદિર હિમાલય પર્વતમાળાના ક્ષેત્રમાં આવેલું છે. ભાઈબીજ પછી શિયાળો શરૂ થાય છે અને હિમાલયના પ્રદેશમાં બરફ પડે છે. જેના કારણે તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે. હિમવર્ષાના કારણે હિમાલયના વિસ્તારમાં રહેવું મુશ્કેલ થાય છે. એટલે ભાઈબીજ પછી કેદારનાથ મંદિરના દરવાજા બનાવવામાં આવે છે.