Vaman Jayanti 2023: ક્યારે છે વામન જયંતી? જાણો તારીખ, પૂજાનું મુહૂર્ત અને મહત્વ
Image Source: Twitter
અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર
ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની બારમી તિથિને વામન દ્વાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર તરીકે જન્મ લીધો હતો. હિંદુ ધર્મમાં વામન દ્વાદશીનું વિશેષ મહત્વ છે. આને વામન જયંતી તરીકે પણ મનાવવામાં આવે છે. વામન, ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન વામનની પૂજા કરવાથી સમસ્ત ખરાબ કર્મોમાંથી છુટકારો મળી જાય છે.
વામન જયંતી 2023 તારીખ
આ વર્ષે વામન જયંતી 26 સપ્ટેમ્બર 2023 મંગળવારે છે. ભગવાન વામનએ પ્રહલાદ પૌત્ર રાજા બલિનો ઘમંડ તોડવા માટે 3 પગલામાં 3 લોક માપી લીધા હતા. ભગવાન વિષ્ણુએ પહેલા ચાર અવતાર (મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર અને નરસિંઘ અવતાર) પશુ તરીકે લીધા હતા. તે બાદ પહેલો મનુષ્યરૂપ વામન અવતાર ધારણ કર્યો.
વામન જયંતી 2023 મુહૂર્ત
પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 26 સપ્ટેમ્બર 2023એ સવારે 05 વાગે શરૂ થશે અને 27 સપ્ટેમ્બર 2023એ બપોરે 01.45 મિનિટે તેનું સમાપન થશે. આ દિવસે શ્રવણ નક્ષત્રનું વિશેષ મહત્વ છે કેમ કે આ નક્ષત્રમાં વામન અવતારે જન્મ લીધો હતો.
શ્રવણ નક્ષત્ર - 25 સપ્ટેમ્બર 2023, સવારે 11.55 - 26 સપ્ટેમ્બર 2023 સવારે 09.42
પૂજા મુહૂર્ત- સવારે 09.12- બપોરે 01.43 (26 સપ્ટેમ્બર 2023)
વામન જયંતી મહત્વ
વામન જયંતીની પૂજા માટે સવારે વહેલા સ્નાન વગેરે ક્રિયા પૂર્ણ કરીને પૂજાની તૈયારી કરવી જોઈએ. પૂજા માટે પૂજા સ્થળે પીળુ વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુના વામન અવતારની તસવીર સ્થાપિત કરો. જો વામન અવતારની તસવીર ન હોય તો ભગવાન વિષ્ણુની તસવીરને સ્થાપિત કરી શકો છો. ભગવાનને કંકુ, નાડાછડી, પીળા ફૂલ, નૈવેદ્ય અર્પણ કરો. પૂજા બાદ વામન અવતારની કથાનો પાઠ કરો. આરતી બાદ પ્રસાદ વહેંચો અને કોઈક જરૂરિયાતમંદને ભોજન કરાવો.