મહા મહિનાની ગણેશ જયંતી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ
Image Source: Twitter
અમદાવાદ, તા. 09 ફેબ્રુઆરી 2024 શુક્રવાર
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતી મનાવવામાં આવે છે. આને મહા વિનાયક ચતુર્થી, ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ગણેશ જયંતી 13 ફેબ્રુઆરીએ મનાવવામાં આવી રહી છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની વિધિસર પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
ગણેશ જયંતી 2024 તિથિ
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 12 ફેબ્રુઆરી 2024 સાંજે 05.44 મિનિટથી શરૂ થઈ રહી છે. આ તિથિ આગલા દિવસે 13 ફેબ્રુઆરીએ બપોરે 02.41 મિનિટ પર પૂર્ણ થશે. ઉદયા તિથિ અનુસાર આ વખતે ગણેશ જયંતી 13 ફેબ્રુઆરીએ છે.
ગણેશ જયંતી 2024 શુભ મુહૂર્ત
13 ફેબ્રુઆરીએ સવારે 11.29 મિનિટથી બપોરે 01.42 મિનિટ સુધી
ગણેશ જયંતી 2024 શુભ યોગ
હિંદુ પંચાંગ અનુસાર આ વખતે ગણેશ જયંતી પર સર્વાર્થ સિદ્ધિની સાથે સાધ્ય અને સિદ્ધ યોગ બની રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07.04 મિનિટ બપોરે 12.35 મિનિટ સુધી છે.
ચંદ્ર દર્શન વર્જિત સમય
12 ફેબ્રુઆરીએ સાંજે 05.44 મિનિટથી રાત્રે 08.54 મિનિટ સુધી અને 13 ફેબ્રુઆરીએ સવારે 09.18 મિનિટથી રાત્રે 10.04 મિનિટ સુધી.
ગણેશ જયંતી 2024નું મહત્વ
ગણેશ જયંતીના દિવસે પ્રથમ પૂજ્ય ભગવાન ગણપતિની પૂજા કરવાનું વિધાન છે. માન્યતા છે કે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારના વિઘ્નોથી છુટકારો મળી શકે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
ગણેશ 2024 પૂજા વિધિ
મહા ગણેશ ચતુર્થીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને તમામ કાર્યોથી નિવૃત થઈને સ્નાન કરી લો. જે બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લો. પછી વ્રતનો સંકલ્પ લો. હવે ભગવાન ગણેશની પૂજા આરંભ કરો. સૌથી પહેલા એક લાકડીની ચોકીમાં લાલ કે પીળા રંગનું વસ્ત્ર વિસાવીને ભગવાન ગણેશની તસવીર કે મૂર્તિની સ્થાપના કરો. જે બાદ જળથી આચમન કરો અને ગણેશજીને વસ્ત્ર, માળા, ફૂલ, દુર્વા, ફૂલ માળા, સિંદૂર, હળદર, ભીના અક્ષત વગેરે ચઢાવો. જે બાદ ભોગમાં બૂંદીના લાડવા, મોદક કે પોતાની શ્રદ્ધા અનુસાર ભોગ લગાવો. જે બાદ જળ ચઢાવો અને ઘી નો દીવો અને ધૂપ પ્રગટાવીને ગણેશ મંત્ર, ગણેશ ચાલીસા, ગણેશ સ્તોત્ર, ગણેશ ચતુર્થી વ્રત કથાનો પાઠ કરાવી લો. અંતમાં વિધિસર આરતી કરીને ભૂલ ચૂક માટે માફી માંગી લો.