ક્યારે છે અનંત ચતુર્દશી? જાણો ભગવાન વિષ્ણુની પૂજા વિધિ અને ગણેશ વિસર્જનના મુહૂર્ત વિશે
Image Source: Twitter
અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર 2023 બુધવાર
હિન્દુ ધર્મમાં અનંત ચતુર્દશીનું વિશેષ મહત્વ છે. આ વર્ષે અનંત ચતુર્દશી 28 સપ્ટેમ્બર 2023 એ છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આને અનંત ચૌદસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગણેશ ઉત્સવનું સમાપન થાય છે. બાપ્પાને ધામધૂમથી વિદાય આપવામાં આવે છે અને મૂર્તિનું નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.
અનંત ચતુર્દશી 2023 મુહૂર્ત
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 27 સપ્ટેમ્બર 2023એ રાત્રે 10:18 મિનિટે શરૂ થશે અને આગલા દિવસે 28 સપ્ટેમ્બર 2023એ સાંજે 6:49 મિનિટે તેનું સમાપન થશે.
વિષ્ણુ પૂજાનું મૂહુર્ત
સવારે - 06:12, સાંજે - 06:49
અનંત ચતુર્દશી 2023 ગણેશ વિસર્જનનું મુહૂર્ત
સવારે - 10.42, બપોરે - 03.10
સાંજે - 4.41, રાત્રે - 09.10
અનંત ચતુર્દશીનું મહત્વ
અનંત ચતુર્દશીએ શ્રીહરિ વિષ્ણુએ 14 લોકોની રક્ષા કરવા માટે ચૌદ રૂપ ધારણ કર્યા હતા, તેથી આ પર્વ ખૂબ ખાસ માનવામાં આવે છે. આ દિવસે શ્રીહરિ વિષ્ણુના અનંત રૂપોની વિધિસર પૂજા કરવામાં આવે છે. 14 ગાંઠ વાળુ સૂત્ર કાંડા પર બાંધવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી ખરાબ શક્તિ નજીક આવતી નથી, વ્યક્તિ પર આવતા સંકટ ટળી જાય છે.
અનંત ચતુર્દશી પર શા માટે 14 ગાંઠવાળુ રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે
ધાર્મિક માન્યતા છે કે અનંત ચતુર્દશી તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા કરીને રક્ષા સૂત્ર બાંધવાથી વ્યક્તિના તમામ બગડેલા કામ બનવા લાગે છે. આ 14 ગાંઠ ભગવાન વિષ્ણુના 14 રૂપોનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે કાંડા પર આને બાંધવાથી તમામ પ્રકારની શારીરિક અને માનસિક તકલીફોથી મુક્તિ મળે છે. માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે.
અનંત ચતુર્દશી પર રક્ષા સૂત્ર બાંધવાનો મંત્ર
अनंन्तसागर महासमुद्रे मग्नान्समभ्युद्धर वासुदेव।
अनंतरूपे विनियोजितात्माह्यनन्तरूपाय नमो नमस्ते॥