Get The App

વાઘ બારસ કે વાક્ બારસ? જાણો કેવી રીતે થયું નામનું અપભ્રંશ, રોચક છે તેનો ઇતિહાસ

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
વાઘ બારસ કે વાક્ બારસ? જાણો કેવી રીતે થયું નામનું અપભ્રંશ, રોચક છે તેનો ઇતિહાસ 1 - image


Wagh Baras : ગુજરાતી પંચાગ મુજબ આસો વદ બારસ એટલે વાક્ બારસ. હકીકતમાં વાક્ નું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યું છે. ખરેખર તો વાક્ શબ્દનો અર્થ વાણી, વાચા કે ભાષા એવો થાય છે. પરંતુ વાઘના સંદર્ભે આખો તહેવાર આજે વાઘ બારસ તરીકે ઓળખાવા માંડ્યો છે. હિન્દુઓના તહેવાર દિવાળીની શરુઆત વાઘ બારસથી જ થઈ જાય છે. પરંતુ બારસને વાઘ બારસ કેમ કહેવાય છે, તે અંગેની કથા ઓછા લોકો જાણે છે. 

વાક્ દેવી માતા સરસ્વતીની પૂજાનું મહત્ત્વ

એક માન્યતા પ્રમાણે, તે શબ્દ વાઘ નહીં પણ "વાક્" છે. જે સમય સાથે અપભ્રંશ થઈને "વાઘ" તરીકે પ્રચલિત થયો. વાક એટલે વાણી અને વાણી એટલે કે માતા સરસ્વતી. એટલે આ દિવસે માતા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દિવસે માતા સરસ્વતીનું પૂજન કરીને ચોપડા લખવામાં આવે તો તેમના મનની શુદ્ધિ થાય છે. આ ઉપરાંત વાઘ બારસના દિવસે જો વિદ્યાર્થીઓ તેમના ચોપડાની પૂજા કરે તો તેમના પર પણ માતા સરસ્વતીની વિશેષ કૃપા વરસે છે.

વાઘ બારસની પૌરાણિક કથા

એક પૌરાણિક કથા પ્રમાણે વાઘ નામનો એક રાક્ષસ હતો. જેનો વધ આસો વદ બારસના દિવસે કરવામાં આવ્યો હતો. અને તેને બજારમાં ઘસેડીને ફેરવવામાં આવ્યો હતો. આ દિવસે કોઈએ વ્યાપાર ધંધો નહોતો કર્યો. અને બીજા દિવસથી નવા વર્ષથી કામ શરુ કર્યું હતું.

આ પણ વાંચો : Dhanteras 2024: મંગળવારે કે બુધવારે, ક્યારે છે ધનતેરસ? આ 24 મિનિટ સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય

ગાયની પૂજા કરવાનો મહિમા

અન્ય એક કથા પ્રમાણે વાઘ બારસે ગાય માતાની પૂજા કરવાનો મહિમા રહેલો છે. જે ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખાય છે. કથા અનુસાર, આ દિવસે દેવો અને દાનવોએ ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું અને ત્યારે કામધેનુનું પ્રાગટ્ય થયું હતું, આ દિવસ આસો વદ બારસનો હતો. જે મહિલાને સંતાન ન હોય તે મહિલા આ દિવસે ગાયની પૂજા કરે છે તો તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. 

હિંદુ ધર્મમાં વાઘ બારસનું વિશેષ મહત્ત્વ

વાઘ બારસના દિવસને નંદની વ્રત તરીકે પણ ઉજવવામાં આવે છે, જેને ગૌવત્સ દ્વાદશી કહેવાય છે. આ દિવસે મહિલાઓ ઉપવાસ રાખીને વ્રત કરે છે અને ગોધૂલીવેલીમાં ગાયના વાછરડાંની પૂજા કરે છે. મહિલાઓ વાછરડાંને ખૂબ સરસ રીતે શણગારે છે. આ ઉત્સવ વિશેષ કરીને સંતાન સુખની પ્રાપ્તી માટે શ્રદ્ધાભાવથી ઉજવવામાં આવે છે. આ ઉપરાંત વાઘ બરસ(Vagh Baras)નો ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ વેપારી પરંપરાઓ અને કુટુંબની ખુશીઓના સ્તંભ તરીકે પણ મહત્ત્વ ધરાવે છે.

આ દિવસ વેપાર- ધંધા સાથે જોડાયેલો છે

વાઘ બારસનો દિવસ વેપાર- ધંધા સાથે પણ જોડાયેલો છે. માન્યતા પ્રમાણે વાઘનો અર્થ દેવું થાય છે. એટલે વેપારી લોકો માટે વાઘ બારસે ચોપડાનું દેવું પૂરું કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. આ દિવસે ચોપડાનું દેવું પૂરું કરવામાં આવે છે. અને નવા વર્ષથી નવા ચોપડા લખવાની શરુઆત કરવામાં આવે છે.

આ પણ વાંચો : સોનું-ચાંદી જ નહીં ધનતેરસે આ વસ્તુઓની ખરીદી પણ મનાય છે શુભ, મળશે મા લક્ષ્મીના આશીર્વાદ

આદિવાસીઓ વાઘની પૂજા કરે છે

ગુજરાતમાં વસતા આદિવાસીઓ પોતાના જાનમાલના રક્ષણ માાટે આ દિવસે વાઘદેવની પૂજા કરે છે. જેમાં ખીરનો પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે. પહેલાના સમયમાં જંગલમાં વાઘનું પ્રમાણ વધારે હોવાથી તેના આદરભાવ અને ડરના કારણે આદિવાસીઓ દ્વારા તેનું પૂજન કરવામાં આવતું. જેમાં પાલતુ પ્રાણીઓના રક્ષણ માટે પૂજા કરવામાં આવતી હતી. તેમજ આ દિવસે લોકો ધનતેરસની પૂજા માટેની સામગ્રી પણ ખરીદતા હોય છે.

ગુજરાતીઓ માટે વાઘ બારસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. વાઘ બારસે ગુજરાતી લોકોમાં ઉંબરાને પૂજવાનું મહત્ત્વ છે. 


Google NewsGoogle News