વૃષભ (બ.વ.ઉ.) : રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ પુરું થયે તેના બંધનમાંથી છૂટકારો થાય...
ધર્મકાર્ય- શુભકાર્ય થઈ શકે. પુત્ર-પૌત્રાદિકના અભ્યાસ-કારકીર્દિની ચિંતા ઓછી થતી જાય.
વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ ગત વર્ષની સરખામણીએ આપના માટે થોડું સારું રહેશે. રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ પુરું થઈ ગયું હોવાથી તેના બંધનમાંથી આપનો છૂટકારો થાય. પરંતુ વર્ષની મધ્ય સુધી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે. જેના લીધે આપને તકલીફ રહે. ત્યાર પછીનો સમય આપના માટે સાનુકૂળ થતો જાય અને આપને રાહત થતી જાય.
શારીરિક-માનસિક સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ ચૈત્ર માસ સુધીનો સમય મધ્યમ રહેશે. ત્યાર પછીનો સમય સારો રહે. વર્ષારંભે ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ છે તેથી આપને શારીરિક-માનસિક કોઈને કોઈ તકલીફ અનુભવાય. આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. તે સિવાય આંખોની તકલીફ, પગની, ગુપ્ત ભાગની તકલીફ અનુભવાય.
૧૬/૧૨/૨૩ થી ૫/૨/૨૪ સુધીના સમય દરમ્યાન આપે આરોગ્યની વિશેષ કાળજી રાખવી પડે. છાતીમાં દર્દ-પીડા અનુભવાય. લોહીના દબાણની તકલીફ, પેટની તકલીફ, આંખોની તકલીફ જણાય. તે સિવાય આપે પડવા-વાગવાથી, ફેકચર-મચકોડથી સંભાળવું પડે. વાહન ચલાવવામાં આપે સાવધાની રાખવી. અકસ્માતથી સંભાળવું પડે.
વાહન ચલાવતી વખતે વિચારે ના ચડી જાઓ તેની તકેદારી આપે રાખવી. તે સિવાય તા. ૧૩/૪/૨૪ થી ૧૨/૭/૨૪ સુધીના સમય દરમ્યાન આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. સતત ઉચાટ-ઉદ્વેગમાં રહો. આવેશ-ઉશ્કેરાટમાં આવી જાવ. માનસિક તાણ, વિચારોની દ્વિધા-અસમંજસતા અનુભવાય. કિંકર્તવ્યમૂઢની સ્થિતિનો અહેસાસ થાય.
તે સિવાય પારિવારીક ચિંતા-ઉચાટ-દોડધામના લીધે પણ આપને શાંતિ-રાહત જણાય નહીં. આકસ્મિક ખર્ચા-ખરીદીને લીધે નાંણાકીય ચિંતા પણ અનુભવાય. આ સમય દરમ્યાન આંખોની વિશેષ કાળજી રાખવી. આંખોમાં કચરો પડવાથી, વાગવાથી, ઈન્ફેકશનથી સંભાળવું પડે.
આર્થિક સુખ-સંપત્તિ
આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ-તેમ આપને રાહત થતી જાય. પરંતુ વર્ષની મધ્ય સુધીનો સમય આપે નાંણાકીય બાબતોમાં સંભાળવું પડે. આકસ્મિક ખર્ચા, ખોટા ખર્ચાઓ જણાય. ઉઘરાણીના નાંણા છૂટા ન થવાના લીધે આપની મુશ્કેલીમાં વધારો જણાય. જમીન-મકાન વાહન બાબતે આકસ્મિક ખર્ચ આવી જાય. નવી જગ્યા લેવાનું કે ઘર લેવાનું વિચારતા હોય તો તે અંગે ખર્ચ જણાય. વર્ષાન્તે આપને આવકમાં વધારો જણાય. આકસ્મિક લાભ-ફાયદો મળી રહે. વર્ષ દરમ્યાન ધર્મકાર્યમાં- શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. જોકે તેનો આપને આનંદ-ઉત્સાહ રહે. આમ વર્ષનો પ્રારંભ થોડી સાવધાની રાખી પસાર કરી લેતાં આખું વર્ષ સારું જાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીમાં વર્ષના પ્રારંભથી જ આપને કોઈને કોઈ તકલીફ જણાય. આપ કામ કરો પરંતુ આપને સતત કોઈ રોકી રહ્યું છે તેવું લાગ્યા કરે. કામના ભારણમાં, તણાવમાં વધારો થાય. આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતનો લાભ આપના કરતાં બીજાને વધુ મળી રહ્યો છે તેવું લાગ્યા કરે. અન્ય કોઈની ભૂલના લીધે આપે ઠપકો સાંભળવો પડે કે આપે ભોગવવું પડે. ખાતાકીય તપાસમાં ફસાઈ જવાના લીધે આપના ચિંતા-ઉચાટમાં વધારો થાય. કોર્ટ કેસ થયો હોય કે સસ્પેન્ડ થયેલા હોય અને તે અંગેની કાર્યવાહી ચાલતી હોય તો તેમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપને ધીરે-ધીરે રાહત-શાંતિ થતા જાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય. રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા આપના કામનો ઉકેલ આવતો જાય.
તા. ૧૬/૨/૨૩ થી ૫/૨/૨૪ સુધીના સમયમાં આપને તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં કે કામ કરવાની મઝા આવે નહીં. આ સમય દરમ્યાન વારંવાર રજાઓ પડવાના લીધે કામનું ભારણ વધે. કાર્યક્ષેત્રની જગ્યાએ આપે સાંભળવું પડે. પરંતુ આપે આરોગ્યના ભોગે કામ કરવું નહીં.
ચૈત્ર સુદ પાંચમથી જેઠ સુદ છઠ સુધીના સમય દરમ્યાન આપે અગત્યના નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું પડે. આ સમય દરમ્યાન આપને માનસિક તણાવ રહ્યા કરે. નાંણાકીય જવાબદારી સંભાળનારે વિશેષ સાવધાની રાખવી પડે. નાંણાની લેવડ-દેવડમાં આપે ધ્યાન રાખવું. આપે નાંણા ભરવાના ના આવે તેની તકેદારી રાખવી. સરકારી-ખાતાકીય તપાસમાં અટવાઈ-ફસાઈ જાવ. આપના દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો થાય.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય
ધંધાકીય દ્રષ્ટિએ આપનું આ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભથી જ ગુરૂની પ્રતિકૂળતાના લીધે આપને મુશ્કેલી રહ્યા કરે. ધંધામાં ધાર્યા પ્રમાણે કામ થાય નહીં. નવા કામ મળે નહીં. આવક અટકી પડે અને જાવકનું પ્રમાણ ચાલુ રહેતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. બચતનાં નાંણા વાપરવાનો સમય આવે. નાંણાકીય જોખમો વધારવા નહીં. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો. ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત ધંધામાં વાદ-વિવાદમાં વાત બગડી જાય અને કોર્ટ-કચેરી સુધી પહોંચી જાય. જોકે ચૈત્ર માસ પછી આપને ધીમે ધીમે રાહત થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જાય. નવી વાતચીત આવે કે નવા ઓર્ડર મળી રહેતાં કામ કરવાનો ઉત્સાવ વધે. આયાત-નિકાસના ધંધામાં પ્રગતિ જણાય.૧૫ ડીસેમ્બરથી ફેબુ્રઆરીના પ્રારંભ સુધી શારીરિક-માનસિક કોઈને કોઈ તકલીફના લીધે આપને ધંધામાં તકલીફ રહે. સ્વાસ્થ્યની અસ્વસ્થતાને કારણે ધંધામાં બરાબર ધ્યાન આપી શકો નહીં. અકસ્માતને લીધે મચકોડ-ફેકચરના લીધે ફરજિયાત આરામ કરવો પડે. તે સિવાય તા. ૧૩/૪/૨૪ થી તા. ૧૨/૭/૨૦૨૪ ના સમય દરમ્યાન આપે નાંણાકીય નુકસાનીથી સંભાળવું પડે. કારીગર વર્ગ- નોકરચાકરવર્ગની મુશ્કેલીના લીધે, ભૂલના લીધે આપના ખર્ચમાં વધારો થાય. નફામાં નુકસાની ભોગવવી પડે. ધંધાની જગ્યાએ, દુકાને, ઓફીસે, ગોદામની જગ્યાએ કોઈને કોઈ અણધારી ઘટના-અકસ્માતના લીધે આપને નુકસાની આવે નહીં તેની આપે તકેદારી રાખવી પડે. સરકારી-ખાતાકીય કામનો ઉકેલ લાવવા માટે નાંણાકીય વ્યવહાર કરવામાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. કોર્ટ-કચેરીના પ્રશ્ને આ સમય દરમ્યાન તકલીફ રહે.
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગને વર્ષના પ્રારંભથી વર્ષની મધ્ય સુધી પતિની કોઈને કોઈ ચિંતા રહ્યા કરે. વ્યવસાયી મહિલાઓને ઘર-પરિવાર અને વ્યવસાયની જવાબદારી એકસાથે સંભાળવામાં મુશ્કેલી રહે. કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓને લીધે નાંણાભીડનો સામનો કરવો પડે. સાસરીપક્ષ- મોસાળપક્ષની ચિંતા રહ્યા કરે. નોકરીમાં આપના કામ થાય નહીં. કામના પ્રમાણમાં સફળતા મળે નહીં. ધંધામાં ઘરાકી અટકી ગઈ છે તેવું લાગ્યા કરે. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. પરંતુ તા.૧/૫/૨૦૨૪ પછી આપને ધીમે ધીમે રાહત-સાનુકૂળતા થતી જાય. આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલાં કામનો ઉકેલ આવતો જાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પતિ-સંતાનની ચિંતામાં ઘટાડો થતો જાય. તેમનો સાથ-સહકાર આપને પ્રાપ્ત થાય. ઘર-પરિવારની- વ્યવસાયની જવાબદારી સાથે સંભાળી શકો.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગ માટે વર્ષના પ્રારંભથી જ પ્રતિકૂળતા જણાય. અભ્યાસમાં મુશ્કેલી રહે. આયોજન મુજબ અભ્યાસ થઈ શકે નહીં. વધુ પડતાં આત્મવિશ્વાસમાં રહેવું નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે. થોડાક ગુણ માટે લાઈન બદલવી પડે કે વર્ષ બગડે નહીં તેની તકેદારી આપે રાખવી પડે. આંખોમાં દર્દ-પીડાને લીધે વાંચવામાં તકલીફ પડે કે ધાર્યા પ્રમાણે અભ્યાસ થઈ શકે નહીં. જોકે પરદેશ ભણવા જવામાં આપને સાનુકૂળતા રહે. એપ્રિલ માસ પછી આપને સાનુકૂળતા થતી જાય. અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકો. આપના આયોજન મુજબ આગળ વધી શકો. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશની કાર્યવાહીમાં પ્રગતિ જણાય. કારકીર્દીનું વર્ષ હોય તેમણે બેદરકારી રાખ્યા વગર વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી.
ખેડૂતવર્ગ
ખેડૂતવર્ગ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષનો પ્રારંભ ચિંતા-ઉચાટનો રહે તો વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે રાહતનો રહે. વર્ષારંભે વરસાદી ખેતીમાં આપની મુશ્કેલી વધે તેમજ શિયાળુ ખેતીમાં આપની ધારણા અવળી પડતાં ખર્ચમાં વધારો થાય. નુકસાની થાય. પાકનો યોગ્ય ભાવ ન મળતાં પડતર કિંમતે કે નુકસાનીમાં પાક વેચી દેવો પડે. સરકાર તરફથી મળતી નાંણાકીય મદદ કેળવાય, વીમાની રકમ સમયસર ન મળવાથી આપની મુશ્કેલી વધે. ઘરના નાંણાથી કે ઉધારે નાંણા લાવીને કામ ચલાવવું પડે. જોકે વર્ષની મધ્ય પછી આપના માટે સમય સાનુકૂળ થતો જાય. આપને રાહત થતી જાય. આપની ચિંતા-પરેશાનીમાં ઘટાડો થતો જાય. નાંણાકીય જોગવાઈ થતાં નવી જમીન-ખેતર લેવાના યોગ ઉભા થાય. ઘર-પરિવારમાં પ્રસંગ આવતાં આનંદ-ઉત્સાહ અનુભવાય.
ઉપસંહાર
ટૂંકમાં સંવત ૨૦૮૦ ના વર્ષનો પ્રારંભ આપના માટે પ્રતિકૂળ રહે. કૌટુંબિક પારિવારીક-આરોગ્ય વિષયક ચિંતા આપને જણાય. તે સિવાય નાંણાકીય બાબતોમાં આપે વિશેષ સાવધાની રાખવી પડે. પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થતુ જાય તેમ તેમ આપને રાહત-શાંતિ થતાં જાય. વર્ષના ઉત્તરાર્ધમાં આપને સાનુકૂળતા થતી જાય. આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. કૌટુંબિક-પારિવારીક પ્રસંગથી આનંદ-ઉત્સાહ રહે. ધર્મકાર્ય- શુભકાર્ય થઈ શકે. પુત્ર-પૌત્રાદિકના અભ્યાસ-કારકીર્દિની ચિંતા ઓછી થતી જાય.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ ચિંતા-દોડધામ-ખર્ચવાળો રહે. વર્ષારંભે આપને મોસાળ પક્ષે- સાસરી પક્ષે ચિંતા-બિમારીનું આવરણ જણાય. કુટુંબ-પરિવારમાં અંદરોઅંદર કોર્ટ-કચેરી થઈ હોય તો આપને મુશ્કેલી જણાય. તે સિવાય આપે વાદ-વિવાદ-ગેરસમજ, મનદુ:ખથી સંભાળવું પડે. તા. ૧/૫/૨૦૨૪ સુધી આપને તકલીફ જણાય. ત્યાર પછીનો સમય રાહતવાળો રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે. પ્રથમ સંતાનના વિવાહ-લગ્નનો પ્રસંગ ઉકેલાતા આનંદ-ઉત્સાહ રહે. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પત્ની સાથે વાદ-વિવાદ- ગેરસમજ થઈ હોય તો તે દૂર થાય. પત્ની રીસાઈને કે ઝઘડો કરીને પિયર જતી રહી હોય તો સમાધાનની તક ઉભી થાય. સંતાનના અભ્યાસ-કારકીર્દીના પ્રશ્નમાં આપને રાહત થતી જાય. પુખ્ત સંતાનનો સાથ-સહકાર પ્રાપ્ત થાય.