કન્યા (પ.ઠ.ણ) : સરકારી નોકરીમાં લાભ જ લાભ, બઢતી-બદલીના ચાન્સ, ધંધામાં પણ પ્રગતિની તક
- સરકારી નોકરીમાં બઢતી-બદલીના યોગ ઉભા થાય. ઘણા સમયથી અટકી પડેલ બઢતી-બદલીના કાર્યમાં પ્રગતિ જણાય
- ધંધાકીય દ્રષ્ટિએ સંવત 2081નો પ્રારંભ સાનુકૂળતાવાળો રહે. ધંધામાં નવી વાતચીત આવે કે નવો કોઇ ઓર્ડર મળી રહે.
આપના માટે વિક્રમ સંવત-૨૦૮૧નું વર્ષ સારું રહે. માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહી તેનો ઉકેલ લાવી શકો. વર્ષના પ્રારંભમાં ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ રહેતાં આપને કાર્યમાં સરળતા મળી રહે. વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂ મધ્યમ ફળ આપશે. પરંતુ શનિનું પરિભ્રમણ આપના માટે લાભદાયી બની રહેશે.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે. જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં રાહત જણાય. વજનમાં વધારો જણાય. તા. ૧૮ મે સુધી માનસિક પરિતાપ-બેચેની-ઉચાટ-ઉદ્વેગ રહે. ત્યારબાદ આપે વાયરસ-સીઝનલ બીમારીથી સંભાળવું પડે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડે. અન્યની ભૂલના લીધે અકસ્માત ન થાય તેની તકેદારી આપે રાખવી પડે.
જો કે, ગુરુ-શનિનું પરિભ્રમણ આપને રાહત રખાવડાવે. અન્ય ગ્રહોના ગોચર પરિભ્રમણ અનુસાર સમયાંતરે ધ્યાન રાખવું પડે પરંતુ ચિંતાનું કોઇ કારણ નથી. વર્ષના પ્રારંભમાં ડાયાબીટીસની તકલીફ હોય તેમણે સુગર વધી ને ઘટી ના જાય તેની તકેદારી રાખવી પડે. પેશાબની તકલીફ, પેશાબમાં બળતરા, પથરીની તકલીફ, કીડનીની તકલીફથી સંભાળવું પડે. જો કે, ૨ ડીસેમ્બર પછી આપને રાહત રહે. તા. ૧૪/૪ થી ૧૪/૫ દરમ્યાન આંખોની કાળજી રાખવી. ઇન્ફેક્શનના લીધે કે અન્ય કારણસર આંખોમાં દર્દ-પીડા અનુભવાય. તે સિવાય ચર્મરોગમાં આપે સંભાળવું પડે. ગરમીમાં બહાર ફરવાને લીધે એલર્જી કે ચામડીની અન્ય સમસ્યા ઉભી થાય. લૂ લાગવાથી સંભાળવું પડે. તા. ૬/૬ થી તા. ૨૮/૭ દરમ્યાન સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-ઉચાટ રહે. ખર્ચ-દોડધામ જણાય. જો કે, ગુરૂનું પરિભ્રમણ આપના માટે સહાયરૂપ રહેશે.
આર્થિક સુખ-સંપત્તિ
આ વર્ષ આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ સારું રહે. આવકમાં વધારો જણાય. જૂની ઊઘરાણીના નાંણા છૂટા થવાથી આપને રાહત થતી જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. ધંધામાં નવો કોઇ ઓર્ડર મળી રહેતાં લાભ-ફાયદો જણાય. પરદેશના કામથી લાભ થાય.
પરંતુ ૧૮ મે થી આપને કોઇને કોઇ આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ જણાય. જાવકનું પ્રમાણ વધતું જાય અને આવક-જાવકનું પ્રમાણ સમાન થઇ રહે. બચત કરવામાં મુશ્કેલી અનુભવાય. ગુરૂનું પરિભ્રમણ પણ મધ્યમ રહેતાં આવકના પ્રમાણમાં ઘટાડો જણાય. જો કે, જમીન-મકાન-વાહનની ખરીદી થવાથી સ્થાવર મિલ્કતમાં વધારો થાય.
તા. ૩૧/૫ થી ૨૯/૬ દરમ્યાન કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને, પરદેશના પ્રશ્ને ખર્ચ જણાય. વર્ષારંભે તા. ૧૫ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી દરમ્યાન જમીન-મકાન-વાહનના પ્રશ્ને આકસ્મિક કોઇ ખર્ચો આવી જાય. રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં ખર્ચ વધી જતાં આપને મુશ્કેલી અનુભવાય. તે સિવાય તા. ૬ જૂનથી ૨૮ જુલાઈ દરમ્યાન ભાઈભાંડુવર્ગ-સગા-સંબંધીવર્ગ માટે ખર્ચ જણાય. આપના આરોગ્યની બાબતે આકસ્મિક ખર્ચ આવી જાય.
ટૂંકમાં વર્ષ દરમ્યાન આરોગ્ય સુખ-સંપત્તિની દ્રષ્ટિએ આવક-ખર્ચનું પ્રમાણ જળવાઈ રહેતાં આપના ખર્ચા-વ્યવહાર સાચવી શકો. વર્ષનો પ્રારંભ આપના માટે સારો રહે તો વર્ષના ઉત્તરાર્ધમાં ખર્ચાઓ આવ્યા કરે. તેમ છતાં બાંધી મુઠ્ઠી લાખની સચવાઈ રહે.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ સારો રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. પરંતુ ઉતાવળે નિર્ણય કરવા નહીં. પત્ની સાથે વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે. સંતાન પ્રાપ્તિમાં વિલંબ જણાય. તેમ છતાં પત્નીનો સાથ-સહકાર મળી રહે.
વર્ષના ઉત્તરાર્ધમાં મોસાળપક્ષ-સાસરીપક્ષની આપને ચિંતા રહે. દોડધામ-શ્રમ-ખર્ચનું આવરણ આવી જાય. જો કે, શનિનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપને સંતાનનો સાથ સહકાર મળી રહે. સંતાનના પ્રશ્નનો ઉકેલ આવે. અવિવાહીત સંતાનના વિવાહ-લગ્નની વાતમાં પ્રગતિ જણાય. સંતાન પ્રાપ્તિમાં સાનુકૂળતા રહે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જણાતા આપને રાહત અનુભવાય. જો કે, ૬/૬ થી ૨૮/૭ સુધી ભાઈભાંડુવર્ગની ચિંતા રહે. વાદ-વિવાદથી સંભાળવું પડે. ખર્ચ જણાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષનો પ્રારંભ નોકરીમાં સારો રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ગુરૂની સાનુકૂળતા આપના યશ-પદ-ધનમાં વધારો કરાવે. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશની કંપનીમાં કામ કરતાં હોવ તો લાભ-ફાયદો જણાય. સરકારી નોકરીમાં બઢતી-બદલીના યોગ ઉભા થાય. ઘણા સમયથી અટકી પડેલ બઢતી-બદલીના કાર્યમાં પ્રગતિ જણાય. જો કે, મહત્ત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. વિચાર-વિમર્શ કરી આગળ વધવું. કામનું ભારણ-દબાણ રહે. તેના લીધે ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. તેમ છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહીને તેનો ઉકેલ લાવી શકો. નવી કોઇ તક પ્રાપ્ત થાય. ભાઈભાંડુવર્ગ-સગા-સંબંધીવર્ગને ત્યાં કામ કરનારને તેમનો સાથ મળી રહે.
પરંતુ તા. ૧૪ મે થી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ ફળ આપનારું રહેશે. આપની કામની વ્યસ્તતા-દોડધામ-શ્રમમાં વધારો થતો જાય. તા. ૧૮ મે થી રાહુનું પરિભ્રમણ આપને ચિંતા રખાવશે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનારવર્ગ-હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસો કરે. આપના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે ચિંતા-ખર્ચ રહે. વારંવાર રજાઓ લેવાના લીધે મુશ્કેલી રહે. અન્ય કર્મચારીનું કામ આપની પાસે આવી જવાથી અથવા વધારાનું બીજું કોઇ કામ આવી જવાથી આપના કાર્યભરમાં વધારો જણાય. તેમ છતાં શનિનું પરિભ્રમણ આપને થોડી રાહત રખાવશે. તા.૬/૬ થી ૨૮/૭ દરમ્યાન સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ સાથે વાદ-વિવાદ-ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. સરકારી નોકરીમાં આંતરિક કાવાદાવાનો ભોગ ના બનો તેની તકેદારી આપે રાખવી પડે. નાંણાકીય જવાબદારીનું કામ સંભાળનારે વિશેષ સાવધાની રાખવી.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય?
ધંધાકીય દ્રષ્ટિએ સંવત ૨૦૮૧નો પ્રારંભ આપના માટે સાનુકૂળતાવાળો રહે. ધંધામાં નવી કોઇ વાતચીત આવે કે નવો કોઇ ઓર્ડર મળી રહે. નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ કે ધંધો વધારવાનું આયોજન કરી રહ્યા હોવ તો તેમાં પ્રગતિ જણાય. સાનુકૂળતા મળી રહે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના ધંધામાં સરળતા રહે. લાભ-ફાયદો મળી રહે. જો કે, ક્યારેક ક્યારેક વિચારોની દ્વિધા-અસમંજસતાના લીધે મહત્વના નિર્ણય લેવામાં તકલીફ જણાય.
તા. ૧૪/૫ થી ગુરૂ આપને મધ્યમ ફળ આપતાં ધંધામાં ધાર્યા કામ કરવા માટે દોડધામ-શ્રમ જણાય. આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ આવી જતાં તેમાં વ્યસ્ત રહેવું પડે. આપના કાર્યમાં વિલંબ જણાય.
માગશર સુદ-ત્રીજથી પોષ સુદ-ત્રીજ દરમ્યાન ધંધામાં કોઇને કોઇ રૂકાવટ જણાય. રાજકીય-સરકારી-ખાતાકીય કામમાં મુશ્કેલી પડે. કામ સમયસર ન થવાથી કામમાં વિલંબ જણાય. સરકારી ટેન્ડર ભરી કામ કરતાં હોવ તો આરોગ્ય કે ખોટી માહિતીના લીધે ટેન્ડર રદ થાય.
તા. ૩૧ મે થી ૨૯ જૂન દરમ્યાન ખાણી-પીણીના ધંધામાં, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં, રેડીમેડ ગારમેન્ટ્સના ધંધામાં, લેડીઝ ગારમેન્ટ્સ, કોસ્મેટિક્સ વસ્તુઓના ધંધામાં, મોજશોખને લગતી ચીજવસ્તુઓના ધંધામાં આપે સંભાળવું પડે. વધુ પડતો માલનો ભરાવો કરવો નહીં. આવેલા ગ્રાહક પાછા જવાથી ધંધાને ફટકો પડે. ટ્રાવેલ્સના ધંધામાં વાહનને અકસ્માત થવાથી આપની મુશ્કેલી વધે. ખર્ચમાં વધારો જણાય. તબીયતની અસ્વસ્થતાને લીધે પણ આપ ધંધામાં બરાબર ધ્યાન આપી શકો નહીં.
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગને માટે આ વર્ષ સારું રહે. પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહેતા કામમાં સરળતા રહે. કુટુંબ-પરિવાર સાથે યાત્રા-પ્રવાસનું આયોજન થતાં, જૂના સ્વજન-સ્નેહી કે મિત્રવર્ગની આકસ્મિક મુલાકાત થતાં આનંદ-ઉત્સાહ રહે. વ્યવસાયી-નોકરીયાત મહિલાઓને કામમાં સાનુકૂળતા રહે. કામમાં અન્યનો સહકાર મળી રહે. બઢતી-બદલી થઇ શકે. આવકમાં વધારો જણાય. પરંતુ તા. ૧૮ મે થી આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી. મોસાળપક્ષ-સાસરીપક્ષની ચિંતા રહે. ખર્ચ જણાય. આપના નામે જમીન-વાહન-મકાન લેવાનું વિચારતાં હોવ તો તેમાં પ્રગતિ જણાય. અવિવાહીતવર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે. પરંતુ ઉતાવળ કરીને કોઇ નિર્ણય કરવો નહીં. માતૃ-પિતૃપક્ષથી આનંદ રહે.
ખેડૂત વર્ગ
સંવત ૨૦૮૧ના વર્ષનો પ્રારંભ ખેડૂત વર્ગ માટે સારો રહે. યોગ્ય વરસાદ થવાથી, સમયસર બીજ-ખાતર-પાણી મળી રહેવાથી પાક સારો થાય. પાકની કિંમત પણ સારી મળે. ઉંમરલાયક સંતાનનો સહકાર મળી રહેતાં રાહત અનુભવો. વર્ષ પસાર થાય તેમ આપે ધ્યાન રાખવું પડે. નોકરી સાથે ખેતીકામ કરનારની દોડધામ-શ્રમમાં વધારો જણાય. આડોશ-પડોશમાં વાડને લઇને કે અન્ય બાબતોને લઇને વાદ-વિવાદ-ગેરસમજ ઉભી થાય. મનદુઃખ થાય. આપના ઉપજ ખર્ચમાં વધારો થાય અને પાકની તેટલી સારી રકમ ના મળતા નુકસાનીથી સંભાળવું પડે. આપના હરિફવર્ગ આપને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરે. આરોગ્યની અસ્વસ્થતાને લીધે પણ ખેતીકામમાં મુશ્કેલી અનુભવાય.
ઉપસંહાર
આમ સંવત ૨૦૮૧નો પ્રારંભ આપના માટે સાનુકૂળતાવાળો રહે. કામ ઉકેલાતા જાય. નવા કામ મળતાં જાય આવક થાય. કૌટુંબિક-પારિવારીક સુખ-સંપત્તિમાં વધારો થાય. નવો ધંધો મળે, બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને રાહત રહે. તેમનું કામ થાય. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ આપની વ્યસ્તતા-દોડધામ-શ્રમમાં વધારો થતો જાય. આપના કાર્યની સાથે અન્ય કામ આવી જતાં આપનો કાર્યભાર વધે પરંતુ મીઠા બોલા માણસોથી આપે સંભાળવું પડે. તેમજ શારીરિક-માનસિક કોઇ ને કોઇ સમસ્યાનો આપે સામનો કરવો પડે.
વિદ્યાર્થી વર્ગ
સંવત ૨૦૮૧નું આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે. વર્ષનો પ્રારંભ સાનુકૂળતાવાળો રહે. અભ્યાસમાં પ્રગતિ જણાય. અભ્યાસાર્થે પરદેશ જવાનું વિચારતાં હોવ તો તેમાં સાનુકૂળતા મળી રહે. આપની મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત કરી શકો. પરંતુ વર્ષની મધ્યથી આપના માટે સમય થોડો મધ્યમ રહે. સમયસર અભ્યાસનું આયોજન કરી આગળ વધવું પડે. પરીક્ષા સમયે વાદ-વિવાદ-ગેરસમજથી, બીમારી-અકસ્માતથી સંભાળવું પડે. અન્યની ભૂલના લીધે આપ તકલીફમાં ના મૂકાઈ જાવ તેની તકેદારી રાખવી પડે. જો કે, આ સમય દરમ્યાન શનિ સાનુકૂળ રહે છે તેથી તેનો લાભ આપને મળી રહે. કારકીર્દીના વર્ષમાં હોય તેમણે, મિત્રતા-લાગણીના ચક્કરમાં, મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં અભ્યાસ બગડે નહીં તેની કાળજી રાખવી પડે.