કન્યા (પ.ઠ.ણ.) : આપના કામ ઉકેલાતા જાય, તેમ છતાં આપને માનસિક પરિતાપ જણાય...

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
કન્યા (પ.ઠ.ણ.) : આપના કામ ઉકેલાતા જાય, તેમ છતાં  આપને માનસિક પરિતાપ જણાય... 1 - image


- નોકરી-ધંધામાં આપના યશ-પદ-ધનમાં વધારો થાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.

વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ ગત વર્ષની સરખામણીએ આપના માટે થોડું સારું રહેશે. જોકે વર્ષના પ્રારંભથી વર્ષની મધ્ય સુધી ગુરૂનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને તકલીફ આપે. પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થતું જાય તેમ-તેમ આપને રાહત-શાંતિ થતાં જાય. વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે સારો રહે. છેલ્લા ઘણા સમયથી આપ જે તકલીફો-દર્દ-પીડામાંથી પસાર થઈ રહ્યા હતાં તેમાંથી આપને ધીરે-ધીરે મુક્તિ મળી જાય. આપના કામ ઉકેલાતા જાય. તેમ છતાં ક્યારેક-ક્યારેક આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે આઠમો ગુરૂ છે તેથી સ્વાસ્થ્ય સંબંધી તકલીફો આપને રહે. ચૈત્ર વદ આઠમ સુધી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે તેથી ત્યાં સુધી આપને આરોગ્યલક્ષી કોઈને કોઈ સમસ્યા અનુભવાય. વિશેષ કરીને છાતીમાં-પીઠમાં દર્દ-પીડા, શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ જેવી તકલીફ જણાય. તે સિવાય પેટ-પેઢુની, ગુદા ભાગની, ગુપ્ત રોગની, પગની તકલીફમાં આપે ધ્યાન રાખવું પડે. બહારનું ખાવા-પીવામાં આપે સંભાળવું પડે. વધતું વજન આપના માટે સમસ્યા ઉભી કરે તેથી વજનને કાબુમાં રાખવા પ્રયાસ કરવા. આઠમા ગુરૂ દરમ્યાન આપની બેદરકારી આપના માટે વધુ સમસ્યા ઉભી કરી શકે છે તેથી આરોગ્યની બાબતમાં બેકાળજી રાખવી નહીં.

તા. ૧૬ ડીસેમ્બરથી ૧૩ જાન્યુઆરીનો સમય વ્યગ્રતા-બેચેનીનો રહે. આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. છાતીમાં દર્દ-પીડા, ગભરામણ અનુભવાય. શ્વાસ લેવાની તકલીફ થાય. વૈશાખ વદ- નોમથી અષાઢ સુદ- છઠ દરમ્યાન આપે પડવા-વાગવાથી, ફેકચર-મચકોડથી, અકસ્માતથી સંભાળવું પડે. અગ્નિ-ઈલેકટ્રીક સાથે કામ કરવામાં ઉતાવળ કરવી નહીં. તે સિવાય મોં, દાંત, ગળાની, જડબાની તકલીફ અનુભવાય. પાન-મસાલા, ગુટકા ખાનાર, સીગારેટ પીનાર વ્યક્તિઓને આ સમય દરમ્યાન મોંની, ગળાની કોઈને કોઈ તકલીફનો સામનો કરવો પડે.

૧૬ ઓગસ્ટથી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન આપે આંખોની કાળજી રાખવી પડે. આંખોમાં દર્દ-પીડા જણાય.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભમાં આપને નાંણાકીય તકલીફ જણાય. બીમારી કે અન્ય કોઈ કારણોસર આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે. આપના નાંણાકીય આયોજનમાં ફેરફાર કરવા પડે. ઉઘરાણીના નાંણા ફસાઈ જવાથી આપની મુશ્કેલીમાં વધારો જણાય. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ રહે. પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થતું જાય તેમ-તેમ ધીરે-ધીરે આપને રાહત થતી જાય. આપના કામ થવાથી નાંણા છૂટા થતાં જાય. ખોટા અને આકસ્મિક ખર્ચાઓ ઘટવાથી, બંધ થવાથી નાંણાની બચત થઈ શકે. ફસાઈ ગયેલી ઉઘરાણીના નાંણા પણ ધીરે-ધીરે છૂટા થતાં જાય.

વર્ષારંભે આપને આકસ્મિક ખર્ચ ખરીદી જણાય. ડીસેમ્બર-જાન્યુઆરી માસ દરમ્યાન આપે નાંણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. રોકડ રકમ, પૈસા ભરેલું પાકીટ, અગત્યના કાગળો કે ફાઈલો ખોવાઈ કે ચોરાઈ જવાથી આપને નુકસાની થાય. રાજકીય-સરકારી-ખાતાકીય દંડ થાય કે દંડાત્મક કાર્યવાહીમાંથી પસાર થવું પડે.

માગશર વદ બીજથી પોષ વદ- દસમ દરમ્યાન આવક બંધ થઈ ગઈ છે તેવું લાગ્યા કરે.  પગારદાર વ્યક્તિને પગાર આવે અને ક્યાં વપરાઈ જાય તેની ખબર ના પડે.  તેમ છતાં એકંદરે વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે સારો રહે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વર્ષારંભથી જ ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ ચાલે છે તેથી આપને નોકરીમાં રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. સુસ્તી-બેચેની, તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. અનિચ્છાએ આપ કામ કરી રહ્યા છો, તેવું લાગ્યા કરે. બહારનું ખાવા-પીવાના લીધે આરોગ્ય કથળતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. કામનું દબાણ, વધારે પડતાં કામના લીધે આપની જીવનક્રિયા ખોરવાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. વર્ષ પસાર થતું જાય તેમ આપને ધીમે-ધીમે રાહત થતી જાય. વર્ષના ઉત્તરાર્ધમાં આપને સાનુકૂળતા-સરળતા મળી રહે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થાય કે જ્યાં છો ત્યાં જ આપને બઢતીના યોગ ઉભા થાય. બદલીના પ્રશ્નમાં આપને પ્રગતિ જણાય. મનગમતી જગ્યાએ બદલી થતાં આપને આનંદ-ઉત્સાહ રહે.

નોકરીમાંથી પરદેશ જવાના યોગ ઉભા થાય. કુટુંબ-પરિવાર સાથે પરદેશ જવાનું આયોજન કરતા હોય, વિચારી રહ્યાં હોય તો તેમાં આપને સાનુકૂળતા મળી રહે.

વર્ષારંભે તા. ૧૬ ડીસેમ્બરથી તા. ૫ ફેબુ્રઆરીના સમયગાળા દરમ્યાન નોકરીમાં આપને કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. સરકારી નોકરીમાં આપે વિશેષ ધ્યાન રાખવું પડે. આપના પર ગુપ્ત રીતે નજર રાખવામાં આવી રહી હોય. આપ સમયસર હાજર ન થતાં હોય, કામ ન કરતાં હોય તો આપની સામે કાર્યવાહી થાય. કોર્પોરેટ ક્ષેત્રમાં આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર આપના કાર્યમાં મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસો કરે. અન્યની ભૂલના લીધે આપે ઠપકો સાંભળવો પડે તેવું બને. નાંણાકીય જવાબદારી સંભાળનારે અન્ય કોઈ પર વિશ્વાસ રાખીને નાંણા, ટેબલ ખુલ્લા મૂકીને જવું નહીં.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

સંવત ૨૦૮૦ નો પ્રારંભ આપના માટે નબળો રહે. યોગ્ય સમયે કામ ન થવાના લીધે નુકસાની ભોગવવી પડે. ગ્રાહક આપની પાસેથી બીજે જતો રહે. વધુ કમાવવાની, બીજા કરતાં આગળ વધવાની, પ્રગતિની હોડમાં આપ દિવસ-રાત દોડયા કરો અને તેની વિપરીત અસર આપના સ્વાસ્થ્ય પર થાય. ન છૂટકે આપે આરામ કરવો પડે, પથારીવશ રહેવું પડે. તેથી આપે વધુની લ્હાય છોડી આરોગ્યને પ્રાધાન્ય આપીને કામ કરવું. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં ભાઈભાંડુ સાથે, ભાગીદારવર્ગ સાથે વાદ-વિવાદ- ગેરસમજ, મનદુ:ખ થઈ જાય. પરંતુ ૧ મે પછી આપને ધીમે-ધીમે રાહત થતી જાય. ગ્રાહક આવતાં થાય. ધંધો ચાલતો થાય. આવક થતી જાય. નવું કોઈ આયોજન વિચારતાં હોય તો તે થઈ શકે.

માગશર સુદ- ચોથથી પોષ વદ દસમ દરમ્યાન ધંધામાં હરિફાઈનો સામનો કરવો પડે. હરિફવર્ગ આપના ગ્રાહકોને તોડવાના પ્રયાસો કરે અને તેમાં સફળ પણ થાય. ઉતાવળમાં, કારીગરવર્ગની ભૂલના કારણે કામમાં ભૂલ થવાથી કે બગડવાથી આપે નુકસાની સહન કરવી પડે. સરકારી-ખાતાકીય કોઈને કોઈ કાર્યવાહીમાં આપ અટવાયા કરો. કારણ વગરની હેરાનગતિ, દંડાત્મક કાર્યવાહીના લીધે આર્થિક નુકસાની તો ભોગવવી પડે પરંતુ શારીરિક-માનસિક રીતે પણ આપને પીડા રહે. આપની યશ-પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. તેના લીધે ધંધામાં ધ્યાન આપી શકો નહીં. ઘરાકી તૂટતી જાય તેવું બને. ૧ જૂન થી ૧૨ જુલાઈ દરમ્યાન આપને શારીરિક-માનસિક અસ્વસ્થતાને લીધે ધંધામાં મુશ્કેલી જણાય. મહત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે વર્ષનો પ્રારંભ મુશ્કેલ રહે. શારીરિક-માનસિક, આર્થિક, સામાજિક-વ્યવહારિક, કૌટુંબિક-પારિવારીક કોઈને કોઈ મુશ્કેલીમાંથી પસાર થવું પડે. એક મુશ્કેલીમાંથી બહાર આવો, ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી ચઢે. પતિના આરોગ્યની ચિંતા રહ્યા કરે. નાંણાકીય આયોજન વારંવાર ખોરવાઈ જતાં નાંણાભીડનો અનુભવ થાય. સંયુકત માલ-મિલ્કતના પ્રશ્ને આપને અન્યાય થઈ રહ્યો છે તેવું લાગે કે વાદ-વિવાદ થઈ જાય. પરંતુ આપે મૌન રહેવું વધુ હિતાવહ રહેશે. વર્ષની મધ્યથી ગુરૂ ગ્રહની સાનુકૂળતા આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આપતી જાય. ધીમે ધીમે એક પછી એક મુશ્કેલીમાંથી બહાર આવતા જાવ. વ્યવસાયી મહિલાઓને વર્ષની ઉત્તરાર્ધમાં લાભ-ફાયદો મળી રહે. બઢતી-બદલીના યોગ ઉભા થાય. આપના કામની કદર-પ્રશંસા થાય.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે વર્ષ મધ્યમ રહે. તા. ૧/૫/૨૦૨૪ સુધી ગુરૂ ગ્રહનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને અભ્યાસમાં કોઈને કોઈ અડચણ રખાવે. આયોજન મુજબ અભ્યાસ કરી શકો નહીં. મહેનતના પ્રમાણમાં સફળતા મળી નહીં. સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને લીધે ધાર્યા પ્રમાણે મહેનત થઈ શકે નહીં, પરિણામ પ્રાપ્ત થાય નહીં. પરીક્ષા સમયે બીમારી-અકસ્માતથી સંભાળવું પડે. પરંતુ ત્યાર પછીનો સમય આપના માટે સાનુકૂળ થતો જાય. આપની મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકો. ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ જવાનંા વિચારી રહ્યા હોય તો તેમાં પ્રગતિ જણાય. કારકિર્દીના વર્ષમાં હોય તેમને લાઈન પસંદ કરવાની હોય તો મનગમતી લાઈનમાં પ્રવેશ મળી રહે.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વર્ષનો પ્રારંભ પ્રતિકૂળ રહે. રવિપાકમાં મુશ્કેલી જણાય. પાકમાં જીવાત પડી જવાના લીધે, માવઠાના લીધે, સમયસર પાણી ન મળવાના લીધે પાક બગડી જાય અને આપની મહેનત એળે જાય. આર્થિક નુકસાની ભોગવવી પડે. ભાગમાં ખેતી કરતાં હોય તો વાદ-વિવાદ થઈ જાય. છૂટા પડવાનું થાય અને આપને કશું મળે નહીં. આરોગ્ય વિષયક તકલીફોના લીધે પણ આપને મુશ્કેલી જણાય. પરંતુ વર્ષની મધ્યથી આપને રાહત-શાંતિ થતાં જાય. આપને ઉનાળુ પાક, ચોમાસુ પાકમાં સાનુકૂળતા મળી રહે. નવી જમીન, ખેતર, મકાન ખરીદીના યોગ ઉભા થાય. ખેતી સાથે નોકરી-ધંધો કરનારને બે બાજુની આવક ચાલુ થતાં આર્થિક લાભ-ફાયદો થતો જાય. આરોગ્યમાં સુધારો જણાય.

ઉપસંહાર

ટૂંકમાં સંવત ૨૦૮૦ નું વર્ષ આરોહ-અવરોહવાળું રહે. વર્ષનો પ્રારંભ પ્રતિકૂળતાવાળો રહે તો વર્ષનો ઉત્તરાર્ધ સાનુકૂળતાવાળો રહે. વર્ષારંભે આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. આર્થિક નુકસાનીથી સંભાળવું પડે. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ રહે. નોકરી-ધંધામાં ધાર્યા પ્રમાણે કામ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપની બધી પરેશાનીઓમાંથી આપ બહાર આવતા જાવ. નોકરી-ધંધામાં આપના યશ-પદ-ધનમાં વધારો થાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ પ્રતિકૂળતાવાળો રહે. કૌટુંબિક-પારિવારીક કોઈને કોઈ પ્રશ્ન આવ્યા કરે. આપની ચિંતા-દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો જણાય. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ આપને રાહત થતી જાય.

 સંયુકત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં રાહત થતી જાય. પરંતુ પત્ની સાથે વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે. તેમાં પણ વર્ષની મધ્ય સુધી સાંસારિક જીવનમાં, આપની સેક્સ લાઈફમાં વધુ તકલીફ રહે. વર્ષાન્તે આપને થોડી રાહત થતી જાય. શક્ય હોય ત્યાં સુધી પત્ની સાથે દલીલમાં ઉતરવું નહીં. વાદ-વિવાદથી દૂર રહેવું. અવિવાહીત વર્ગ માટે વર્ષનો ઉત્તરાર્ધ મહત્વનો રહે. પરંતુ ઉતાવળમાં અયોગ્ય પાત્રમાં ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું.

Virgo

Google NewsGoogle News