9 જુલાઇએ વિનાયક ચોથ: બની રહ્યા છે ત્રણ દુર્લભ સંયોગ, જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
Ashadha Vinayak Chaturthi 2024: વિનાયક ચતુર્થી ભગવાન ગણપતિને સમર્પિત છે. ભગવાન ગણેશજીની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, ઐશ્વર્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે.
વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રની પૂજા કરવામાં નથી આવતી. એવી માન્યતા છે કે, જો વિનાયક ચતુર્થીએ પૂજા કરવામાં આવે તો વ્યક્તિ પર જૂઠું કલંક લાગે છે. આ વર્ષે અષાઢ મહિનાની વિનાયક ચતુર્થી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, આ દિવસે ત્રણ એવા શુભ સંયોગ બની રહ્યા છે, જેમાં પૂજા કરવાથી ઉપાસકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળશે. આવો અષાઢ વિનાયક ચતુર્થી 2024ની તારીખ, પૂજા, સમય અને તેના મહત્ત્વ વિશે જાણીએ.
અષાઢ વિનાયક ચતુર્થી 2024 તારીખ
અષાઢ મહિનાની વિનાયક ચતુર્થી 9મી જુલાઈ 2024ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે મહિલાઓ પોતાના બાળકોના સુખ, પ્રગતિ અને લાંબા આયુષ્યની કામના માટે વ્રત રાખે છે. એવુ કહેવાય છે કે, આ વ્રત કરવાથી પતિને સુખી જીવન મળે છે અને પરિવારમાં શાંતિ સ્થપાય છે તેમજ વંશ આગળ વધે છે.
અષાઢ વિનાયક ચતુર્થી 2024 મુહૂર્ત
અષાઢ માસના શુક્લ પક્ષની ચતુર્થી 9 જુલાઈ, મંગળવારે સવારે 6.08 કલાકથી શરૂ થશે. અને તારીખ 10, જુલાઈ બુધવારના રોજ સવારે 7:51 કલાકે સમાપ્ત થશે.
પૂજા મુહૂર્ત - સવારે 11.03 થી બપોરના 01.50 સુધી
અષાઢ વિનાયક ચતુર્થી પર 3 શુભ સંયોગો
સિદ્ધિ યોગ :- 9 જુલાઈ 2024, સવારે 02.06થી 10 જુલાઈ, સવારે 2.27 સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ : - 9 જુલાઈ 2024, સવારે 05:30 થી સવારે 07:52 સુધી
રવિ યોગ : - 9 જુલાઈ 2024, સવારે 07:52થી 10 જુલાઈ, સવારે 05:31 સુધી
વિનાયક ચતુર્થી પૂજા વિધિ
આ દિવસે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરીને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લેવો. પૂજા સમયે તમારી શ્રદ્ધા- ભક્તિ પ્રમાણે સોના, ચાંદી, પિત્તળ, તાંબા અથવા માટીથી બનેલી ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર બાદ સુગંધિત વસ્તુઓથી ભગવાનની પૂજા કરો. પૂજા કરતી વખતે 'ઓમ ગં ગણપતયે નમઃ ' મંત્રનો જાપ કરો. ત્યારબાદ ગણેશજીની મૂર્તિ પર કંકુ - ચોખા લગાવો. ભગવાન ગણેશને 21 દુર્વા અર્પણ કરો. પછી લાડુનો ભોગ ચઢાવો અને આરતી ઉતારો.
વિનાયક ચતુર્થી પૂજા મંત્ર
ઓમ સુમુખાય નમઃ
ઓમ એકદંતાય નમઃ
ઓમ ગણાધ્યક્ષાય નમઃ
આ મંત્રોનો જાપ કરવો.