ઘરમાં ગંદકીના કારણે વધે છે નકારાત્મકતા, વાસ્તુ અનુસાર રાખો આ જગ્યાઓને સાફ, મળશે સુખ-શાંતિ!
Vastu Tips : જે રીતે શરીરને સ્વસ્થ રાખવું જરુરી છે, તેજ પ્રકારે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધ જીવન માટે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની સ્વચ્છતા પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરમાં ગંદકી અને અવ્યવસ્થા નકારાત્મક ઉર્જાને જન્મ આપે છે, અને જીવનના વિવિધ પાસાઓ જેમ કે સ્વાસ્થ્ય, સંપત્તિ, સમૃદ્ધિ અને સંબંધો પર તેની અસર પડે છે, તેથી ઘરને સ્વચ્છ રાખવું ખૂબ જ જરુરી છે. ઘર વાસ્તુ પ્રમાણે હોવા છતાં પણ જો તે હંમેશા ગંદુ અને વસ્તુઓ વેરવિખેર રહે છે, તો ઘરની સકારાત્મકતા પણ નકારાત્મકતામાં બદલાઈ જાય છે. એટલા માટે ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ. આજે આપણે જાણીએ કે, ઘરના કયા ભાગોને નિયમિત રીતે સાફ કરવા જોઈએ.
ખૂણાનું હોય છે ખૂબ જ મહત્ત્વ
ઘરના ખૂણાઓ પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે, ખૂણા હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખવા જોઈએ. કોઈપણ વસ્તુને ખૂણાની અડીને ન રાખો. ખૂણાને હંમેશા સ્વચ્છ અને પ્રકાશિત રાખવા જોઈએ, જો ખૂણામાં અંધારું કે ગંદકી હોય તો ઘરમાં રહેતા લોકોની શક્તિ અને પ્રભાવ ઓછો થઈ જાય છે.
વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખો
દરેક વસ્તુનું એક ચોક્કસ સ્થાન નક્કી કરો, અને તેને તેની જગ્યાએ રાખો. બિનજરૂરી વસ્તુઓ ભેગી ન કરો, તેના બદલે તેને કોઈ જરૂરિયાતમંદને આપો. દરરોજ થોડો સમય બારી-બારણા ખોલો, આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ધૂળ, કચરો અને બિનજરૂરી વસ્તુઓ નિયમિત રીતે દૂર કરતાં રહો.
ઘરના મંદિરની વ્યવસ્થા
ઘરમાં રાખેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ફોટાને નિયમિત સફાઈ કરો. ચડાવેલા ફૂલોને નિયમિતપણે હટાવી દો. પૂજા સ્થળને સાફ કરવા માટે એક અલગ સાવરણી અને પોતું અલગ રાખો. એ પણ ખાસ મહત્ત્વનું છે કે, દેવી -દેવતાના ભોગ ધરાવવાના વાસણ અને કપડાં પણ અલગ રાખો અને તેને દરરોજ સાફ કરો. ખાસ કરીને ઘરમાં રોજ સાંજે અગરબત્તી પ્રગટાવો અને તેને આખા ઘરમાં ફેરવો, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
છોડ અને પાણીની વ્યવસ્થા
ઘરમાં લીલા છોડ ઉગાડો, આમ કરવાથી ઓક્સિજનની માત્રા તો વધે જ છે, સાથે સાથે ઘરના વ્યક્તિઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં એક એવી જગ્યા બનાવવી જોઈએ, જ્યાં પક્ષીઓ દરરોજ ચણ ખાવા માટે આવે.
ફ્લોર અને આંગણુ સાફ રાખો
ઘર અને આંગણાની હંમેશા સાફ સુધરુ રાખો, ફ્લોર પર કોઈ ચીકણાપણ ન રહેવું જોઈએ. ગટરને સાફ અને સુઘડ રાખો. જો તેની જાળી ક્ષતિગ્રસ્ત અથવા ગંદી થઈ ગઈ હોય, તો તેને તરત જ બદલી નાખવી જોઈએ. પાણીનો નળ ક્યારેય લીક ન રાખવો જોઈએ. તેનાથી પૈસાનો વ્યય થાય છે.