આજે વસંત પંચમી: વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનું પર્વ, જાણો માતાની કૃપા મેળવવાની વિધિ
Vasant Panchami 2025 : વસંત પંચમીનો તહેવાર હિન્દુ ધર્મના મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. વસંત પંચમીનો તહેવાર વસંત ઋતુના આગમનનું પણ પ્રતીક છે. એવી ધાર્મિક માન્યતા છે કે વિદ્યાની દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે પ્રગટ થયા હતા. આ કારણોસર દર વર્ષે માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. જેથી આજે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. તો આવો જાણીએ વસંત પંચમીની પૂજા વિધિ, શુભ મુહૂર્ત વગેરે સહિતની વિગતો.
દેવી સરસ્વતીની પૂજા કરવાનો સમય અને વિધિ
હિંદુ પંચાગ અનુસાર દેવી સરસ્વતીની પૂજા 2 ફેબ્રુઆરીએ સવારે 9:14 વાગ્યાથી લઈને 3 ફેબ્રુઆરીની સવારે 6:52 વાગ્યા સુધીમાં કરી શકાશે. વસંત પંચમીના દિવસે સવારે વહેલું ઉઠીને સ્નાન કરીને પીળું વસ્ત્ર પહેરવું. પછી પૂજા સ્થાન પર એક ચોકી મૂકો અને તેના પર પીળો કપડું પાથરો અને તેના પર દેવી સરસ્વતીનો ફોટો અથવા મૂર્તિ મૂકો. આ પછી મંદિરમાં કળશ, ભગવાન ગણેશ અને નવગ્રહની પૂજા કરીને દેવી સરસ્વતીની વિધિપૂર્વક પૂજા શરૂ કરો. પછી માતાના મંત્રો અને શ્લોકોનો જાપ કરો.
આ પણ વાંચો : વસંત પંચમીએ કષ્ટભંજનદેવને સેવંતીના ફુલોનો શણગાર, મથુરામાં બનેલા વાઘા દાદાને પહેરાવાયા
વસંત પંચમીના દિવસે આ વસ્તુઓનું દાન કરવાનું અનેરું મહત્ત્વ
વસંત પંચમીના દિવસે અનાજના દાન કરવાને શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, વસંત પંચમીમાં અનાજનું દાન કરવાથી ઘરમાં કયારેય અનાજની અછત રેહેતી નથી. આ સિવાય આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. જેથી પીળી મીઠાઈ કે પીળા કપડાંનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો : વાંચો તમારું 02 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય
વિદ્યાર્થીઓ માટે વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ
વિદ્યાર્થીઓ માટે પણ વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે આજનો દિવસ વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો પર્વ પણ છે. આ દિવસે જો વિદ્યાર્થી પૂરી શ્રદ્ધાથી દેવી સરસ્વતીની પૂજા કરે છે તો તેમને ઇચ્છિત પરિણામ જરૂર મળે છે. આ વસંત પંચમી પર વિદ્યાર્થીઓએ દેવી સરસ્વતીની પૂજા અલગ રીતે કરવી જોઈએ. તેમણે દેવી સરસ્વતીને મોદક, ફૂલો, મીઠા ભાત અને પીળા ફૂલો અર્પણ કરવા જોઈએ. આ રીતે પૂજા કરવાથી અભ્યાસમાં આવતી સમસ્યાઓમાંથી જલ્દી રાહત મળી શકે છે.