આજે તુલસી વિવાહઃ જાણો શા માટે ભગવાન વિષ્ણુના તુલસી સાથે થયા હતા લગ્ન?
- શાલીગ્રામનું વિધિપૂર્વક પૂજન કરવાથી કોઈ પણ પ્રકારની વ્યાધિ અને ગ્રહબાધા હેરાન નથી કરતા
નવી દિલ્હી, તા. 15 નવેમ્બર, 2021, સોમવાર
કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ દેવઉઠી એકાદશી તરીકે પણ ઓળખાય છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુ અષાઢ શુક્લ એકાદશીના રોજ 4 મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે અને દેવઉઠી એકાદશીના રોજ જાગે છે. ત્યાર બાદ ભગવાન વિષ્ણુ સૌથી પહેલા તુલસી સાથે વિવાહ કરે છે. આ કારણે દર વર્ષે કારતક માસની દ્વાદશીએ મહિલાઓ તુલસી અને શાલીગ્રામના વિવાહ કરાવે છે. આ વર્ષે 15 નવેમ્બર અને સોમવારના રોજ તુલસી-શાલીગ્રામ વિવાહનો યોગ છે તો ચાલો જાણીએ આના પાછળનો ઈતિહાસ અને માન્યતાઓ.
શંખચૂડ નામના દૈત્યની પત્ની વૃંદા અત્યંત સતી હતી. તેના સતીત્વનો ભંગ કર્યા વગર શંખચૂડને પરાસ્ત કરી શકવો અશક્ય હતું. શ્રી હરિએ છલપૂર્વક રૂપ બદલીને વૃંદાના સતીત્વનો ભંગ કર્યો અને ત્યારે છેક શિવે શંખચૂડનો વધ કર્યો. વૃંદાએ આ છળ માટે શ્રી હરિને શિલાના રૂપમાં પરિવર્તિત થઈ જવાનો શ્રાપ આપ્યો. ત્યારથી શ્રી હરિ શિલારૂપમાં પણ રહે છે અને તે શાલીગ્રામ તરીકે ઓળખાય છે.
આગલા જન્મમાં વૃંદાએ તુલસી સ્વરૂપે જન્મ લીધો હતો. શ્રી હરિએ વૃંદાને આશીર્વાદ આપ્યો હતો કે, તુલસી વગર તેમની પૂજા કદી પણ સંપૂર્ણ નહીં થાય. જે રીતે ભગવાન શિવના વિગ્રહના રૂપમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે તે જ રીતે ભગવાન વિષ્ણુના વિગ્રહના રૂપમાં શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે. શાલીગ્રામ એક ગોળ કાળા રંગનો પથ્થર છે જે નેપાળની ગંડકી નદીના તળમાંથી મળી આવે છે. તેમાં એક છીદ્ર હોય છે અને પથ્થરની અંદર શંખ, ચક્ર, ગદા કે પદ્મ હોય છે.
શાલીગ્રામની પૂજાનું મહત્વ
કારતક મહિનામાં ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાથી ભાગ્યોદય થાય છે. આ મહિને શાલીગ્રામનું પૂજન ભાગ્ય અને જીવન બંને બદલી શકે છે. શાલીગ્રામનું વિધિપૂર્વક પૂજન કરવાથી કોઈ પણ પ્રકારની વ્યાધિ અને ગ્રહબાધા હેરાન નથી કરતા. જે ઘરમાં શાલીગ્રામ તુલસીના છોડ, શંખ અને શિવલિંગ સાથે રહે છે ત્યાં હંમેશા સંપન્નતા જળવાઈ રહે છે.