મીન (દ.ચ.ઝ.થ.) : નાણાકીય કામકાજ કરનારા એલર્ટ રહે, સરકારી નોકરિયાતો માટે ખાસ એલર્ટ
- સરકારી નોકરીમાં હોય તેમણે વિશેષ સાવધાની રાખવી. નાંણાકીય જવાબદારીનું કાર્ય સંભાળનારે કોઈના ભરોસે રહેવું નહીં
- આકસ્મિક- મોટા ખર્ચાઓને લીધે નાંણાભીડનો સામનો કરવો પડે. કુટુંબ-પરિવારના પ્રશ્ને આપના ચિંતા-ઉચાટ-દોડધામ-શ્રમમાં વધારો થાય.
વિક્રમ સંવત ૨૦૮૧ નો પ્રારંભ આપના માટે સારો રહે. આપના કામનો ઉકેલ આવતો જાય. અન્યનો સાથ-સહકાર મળી રહે. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ ગુરૂની પ્રતિકૂળતા, રાહુની પ્રતિકૂળતા, શનિની સાડાસાતીનો બીજો તબક્કો સોનાના પાયે શરૂ થઈ રહ્યો છે તે આપની મુશ્કેલીમાં વધારો કરે.
આરોગ્ય સુખાકારી
સંવત-૨૦૮૧ના વર્ષમાં આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ આપના માટે સારો રહે. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. જૂની બીમારીમાં- વારસાગત બીમારીમાં આપને રાહત જણાય. વજનમાં વધારો જણાય. પરંતુ માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે. તેમ છતાં એકંદરે વર્ષનો પ્રારંભ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપના માટે સારો રહે.
પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ ગ્રહોની પ્રતિકૂળતાને લીધે આપે સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ કાળજી રાખવી પડે. ફાગણ વદ અમાસ તા. ૨૯ માર્ચથી શનિની સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થઈ રહ્યો છે. તા. ૧૪ મે ૨૦૨૫ થી આપ ચોથા ગુરૂના બંધનમાં આવશો અને તા. ૧૮-૫-૨૦૨૫ થી આપ બારમા રાહુના બંધનમાં આવશો. આમ આ ત્રણેય ગ્રહોનું પરિભ્રમણ પ્રતિકૂળ થતાં આપે સ્વાસ્થ્યની બાબતમાં સંભાળવું પડે. આપની બેદરકારી-લાપરવાહીના લીધે રોગ વકરી જાય અને સારવાર કરવામાં મુશ્કેલી પડે. છાતીમાં દુઃખાવો, ગભરામણ, મૂંઝારો, શ્વાસ લેવામાં તકલીફ જેવું જણાય તો તુરંત જ દાકતરી સલાહ લઈ લેવી. વર્ષના ઉત્તરાર્ધમાં આપે આંખો, માથુ, લમણું, ગરદન, છાતી-પીઠ-કમરની કાળજી રાખવી પડે. વાહન ધીરે ચલાવવું, અકસ્માતથી સંભાળવું, છાતીમાં કફ ભરાઈ જવાને લીધે, ન્યૂમોનિયાની અસરના લીધે, આપની તકલીફ વધે. શ્વાસની તકલીફ, દમની તકલીફ હોય તેમણે ખૂબ જ સાવધાની રાખવી. સમયસર દવા લેવી.
આર્થિક સુખ-સંપત્તિ
આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ સંવત-૨૦૮૧ના વર્ષનો પ્રારંભ આપના માટે સારો રહે. આવકમાં વધારો જણાતા બચતનો વધારો જણાય. સ્થાવર-જંગમ મિલ્કતમાં વધારો થાય. જમીન-મકાન-વાહનની ખરીદી થઈ શકે. કૌટુંબિક-પારિવારીક આવકમાં વધારો થતાં બચતમાં વધારો થાય. આનંદ રહે.
પરંતુ વર્ષની મધ્યથી શનિ-ગુરૂ-રાહુની પ્રતિકૂળતા શરૂ થતાં આપને ચિંતા ઉચાટ રહે. કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે. કેટલીકવાર કારણ વગરના ખોટા ખર્ચાઓ જણાય. જેના લીધે આપને નાંણાકીય મુશ્કેલી અનુભવાય. તેમાં પણ આવકમાં ઘટાડો થતાં, બંધ થતાં આપે નાંણાભીડનો સામનો કરવો પડે. મોટા અને જોખમી રોકાણોથી દૂર રહેવું. કોઈના દોરવાયા દોરવાઈ જઈને ક્યાંય રોકાણ કરવું નહીં.
ખર્ચાઓને લીધે આપે નાંણાકીય આયોજનમાં ફેરફાર કરવા પડે. બેંકમાંથી લોન લીધી હોય, બહારથી વ્યાજે પૈસા લીધા હોય તો હપ્તા ન ભરાવાને લીધે જપ્તીનો સામનો કરવો પડે. ઉધારીમાં માલ આવ્યો હોય તો નાંણા સમયસર ન આવવાથી, ભાગીદારીવાળા ધંધામાં ભાગીદાર દ્વારા વધુ ઉપાડ લેવાથી કે નાંણાકીય વિશ્વાસઘાતથી આપની મુશ્કેલીમાં વધારો થાય. ધંધામાં, સામાજિક-વ્યવહારિક કામકાજ- વ્યવહારો સાચવવામાં આપને મુશ્કેલી જણાય. માતૃ-પિતૃ પક્ષે ખર્ચ જણાય. શેર બજારમાં આપની ગણત્રી-ધારણા અવળી પડતાં નુકસાની ભોગ વધી પડે. તા. ૧૫/૬ થી તા. ૧૬/૭ ના સમય દરમ્યાન આરોગ્ય વિષયક તેમજ સાસરી પક્ષે-મોસાળ પક્ષે ચિંતા-ખર્ચ જણાય. તા. ૧૩ સપ્ટેમ્બરથી વર્ષાન્ત સુધી આપે પડવા-વાગવાથી, મચકોડ-ફ્રેકચરથી, અકસ્માતથી સંભાળવું પડે. અન્યની ભૂલના લીધે અકસ્માત ન થાય તેની તકેદારી રાખવી પડે. આંખોમાં દર્દ-પીડા જણાય.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક-પારિવારિક દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ સારો રહે. પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે, નક્કી થાય. નવદંપતિને, સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થાય. વર્ષ પસાર થતું જાય તેમ કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે. માતા-પિતાના આરોગ્ય-આયુષ્યની ચિંતા રહે. મોસાળ પક્ષે- સાસરી પક્ષે બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. વડીલ પક્ષના આરોગ્યની ચિંતા રહે. સંયુક્ત જમીન-મકાન-ધંધાની વહેંચણીના પ્રશ્ને આપે સાવધાની રાખવી. ભાઈભાંડુ સાથે વાદ-વિવાદ- ગેરસમજ- મનદુઃખથી સંભાળવું પડે. દિવાળીના સમયમાં સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ધીરે ધીરે ઓછા થતા જાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય?
સંવત-૨૦૮૧ના વર્ષનો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. નોકરીમાં આપના કામની કદર-પ્રશંસા થાય. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થાય. ઉપરીવર્ગ આપના કામથી ખુશ રહે. સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરંતુ જેમ વર્ષ પસાર થતું જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા અનુભવાતી જાય. આપના કાર્ય સમયસર પુર્ણ થઈ શકે. ઘર-પરિવારની જવાબદારી- ચિંતાના લીધે નોકરીમાં ધ્યાન આપી શકો નહીં. જે લોકો આપની સાથે હોય તે જ આપની વિરૂદ્ધમાં થતાં જાય. આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ- હરિફ વર્ગ આપની મુશ્કેલીમાં વધારો કરે. આપના કામનો લાભ બીજાને મળે અને આપ કશું કરી શકો નહીં. મહત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. સરકારી નોકરીમાં અનિચ્છનીય જગ્યાએ બદલી થવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય.
તા. ૧૫ જૂનથી ૧૬ જુલાઈ દરમ્યાન આરોગ્ય વિષયક તકલીફ, કૌટુંબિક-પારિવારીક તકલીફના લીધે વારંવાર રજા લેવી પડે. આપના કામમાં વિલંબ થયા કરે. સમયસર કામ પુર્ણ કરવાનું દબાણ અનુભવો. તા. ૨૬/૭ થી ૨૦/૮ દરમ્યાન ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ- નોકર-ચાકરવર્ગની તકલીફ અનુભવાય. આપની સાથે રહેનારા માણસો દ્વારા જ આપના કામમાં રૂકાવટ-મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસો થાય. ઓફિસના રાજકારણના લીધે આપને એકલા પાડી દેવામાં આવે.
તા. ૧૩ સપ્ટેમ્બરથી વર્ષાન્ત સુધી આપને રાજકીય-સરકારી- ખાતાકીય કામમાં મુશ્કેલી જણાય. સરકારી નોકરીમાં હોય તેમણે વિશેષ સાવધાની રાખવી. નાંણાકીય જવાબદારીનું કાર્ય સંભાળનારે કોઈના ભરોસે રહેવું નહીં. ઘરના નાંણા જોડવાનો સમય ના આવે તેની તકેદારી રાખવી પડે. બીમારી-અકસ્માતના લીધે મહત્વનું કામ આપની પાસેથી અન્ય પાસે જતું રહે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
ધંધાકીય દ્રષ્ટિએ સંવત-૨૦૮૧નો વર્ષ પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા મળી રહે. આપના યશ- પ્રતિષ્ઠામાં વધારો થાય. નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. મહત્વના ઓર્ડર, સરકારી ટેન્ડર પ્રાપ્ત કરી શકો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સાથ-સહકાર આપને મળી રહે. પરદેશની કંપનીનો ઓર્ડર મળતાં આપને લાભ-ફાયદો થાય. ધંધાકીય કામકાજ અર્થે પરદેશ જવાનું થાય.
પરંતુ વર્ષના મધ્યથી આપને પ્રતિકૂળતા થતી જાય. આપના ગણત્રી-ધારણા અવળા પડતાં કામમાં મુશ્કેલી અનુભવાય. આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. હાથમાં આવેલા ઓર્ડર કોઈને કોઈ કારણસર પાછા જતાં રહે કે મુલતવી થતાં આપને ઉચાટ-ઉદ્વેગ રહે.
ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ- ગેરસમજ- મનદુઃખ થતાં કામમાં મુશ્કેલી પડે. એકથી વધુ ભાગીદારો હોય તો બાકીના ભાગીદારો એક થઈ જાય અને આપને એકલા પાડી દે, આપના જાતનું કોઈ મુલ્ય રહે નહીં. તેના લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. છૂટા થવાના વિચારો આવ્યા કરે કે આપને સામેથી છૂટા કરી દેવામાં આવે.
ધંધામાં આપના જે ઘરાકો છે તે સચવાઈ રહે તેવા પ્રયત્નો કરવા. આપના ગ્રાહકો તુટીને બીજે વળતાં આપની કાયમી આવકમાં પણ ગાબડું પડે. વધુ નફાની લાલચમાં ગ્રાહકને જવા દેવો નહીં. સમય આવે નુકસાની કરીને પણ ગ્રાહકને સાચવી લેવા. ઉધારમાં ધંધો કરનારે ઉઘરાણીના નાંણા ફસાઈ ન જાય તેની તકેદારી રાખવી. આપના કાર્યમાં સરકારી-ખાતાકીય રૂકાવટ-કાર્યવાહીથી સંભાળવું પડે. અન્યની ભૂલના લીધે નાંણાભીડ દંડ- કોર્ટ- કાર્યવાહીથી આપે સંભાળવું પડે. ટૂંકમાં વર્ષનો પ્રારંભ જેટલો સારો રહેશે વર્ષનો ઉત્તરાર્ધ તેટલો જ કપરો બની રહેશે.
સ્ત્રી વર્ગ
સંવત-૨૦૮૧માં સ્ત્રીવર્ગ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષનો પ્રારંભ સાનુકૂળતાવાળો રહેે. નોકરીયાત મહિલાઓને સફળતા મળી રહે. કામની કદર-પ્રશંસા થાય. નવી તક પ્રાપ્ત થાય. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે, નક્કી થાય. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપને કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે. એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. કુટુંબ-પરિવારની જવાબદારી અને નોકરી-વ્યવસાયની જવાબદારી એકસાથે સંભાળવામાં મુશ્કેલી જણાય. ઘરમાં, નોકરી-ધંધાના સ્થળે શારીરિક-માનસિક-આર્થિક શોષણ થઈ રહ્યું છે તેવું લાગ્યા કરે. ઘર-પરિવાર, જમીન-મકાન-વાહનની ચિંતા રહ્યા કરે. કામ કરવા છતાં જશ મળે નહીં. આપના કામનો લાભ બીજા લઈ જાય. તેમાં પણ શારીરિક-માનસિક સ્વાસ્થ્યની અસ્વસ્થતા આપની મુશ્કેલીમાં વધારો કરે.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગ માટે સંવત-૨૦૮૧ નો પ્રારંભ સાનુકૂળ રહે. નવી ઓળખાણ-મિત્રતા થાય. અભ્યાસમાં સફળતા હાંસલ કરી શકો. અભ્યાસાર્થે પરદેશ જવાનું આયોજન કરતા હોય તો તેમાં સરળતા-સાનુકૂળતા રહે. મનગમતી લાઈનમાં પ્રવેશ મેળવી શકો. પરંતુ વર્ષની મધ્યથી ગ્રહોની પ્રતિકૂળતા આપને મુશ્કેલીનો અનુભવ કરાવડાવે. શારીરિક-માનસિક અસ્વસ્થતાને લીધે અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. આપ મહેનત કરો પરંતુ તેના પ્રમાણમાં સફળતા મળે નહીં. પરીક્ષા સમયે બીમારી-અકસ્માત, હતાશા-નિરાશાથી સંભાળવું પડે. કારકીર્દિનું વર્ષ હોય તેમણે સહેજ પણ બેદરકારી રાખવી નહીં. વર્ષ બગડે નહીં તેજ ધ્યાન રાખવું. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદ- ગેરસમજ-મનદુઃખ ઉભા થવાના લીધે ઉચાટ-ઉદ્વેગ રહે. પરદેશના કાર્યમાં રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. ધીરજ અને શાંતિ રાખીને વર્ષ પસાર કરી લેવું.
ઉપસંહાર
સંવત-૨૦૮૧નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષનો પ્રારંભ આપના માટે બધી રીતે સાનુકૂળ રહે તો વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે પ્રતિકૂળ રહે. વર્ષના પ્રારંભમાં નોકરી ધંધામાં સાનુકૂળતા-સફળતા મળી રહે. આપની કામની ગણના થાય. અન્ય લોકો આપને સાથ આપવા તત્પર રહે. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ પરિસ્થિતિ બદલાતી જાય. આપની સાથે રહેનારા જ આપની વિરુદ્ધ થતા જાય. આકસ્મિક- મોટા ખર્ચાઓને લીધે નાંણાભીડનો સામનો કરવો પડે. કુટુંબ-પરિવારના પ્રશ્ને આપના ચિંતા-ઉચાટ-દોડધામ-શ્રમમાં વધારો થાય. આપના સ્વાસ્થ્યની બાબતમાં પણ આપે કાળજી રાખવી પડે. ટૂંકમાં વર્ષના પ્રારંભમાં સાનુકૂળતા-સફળતા જણાય તો વર્ષના ઉત્તરાર્ધમાં આપને શારીરિક- માનસિક- આર્થિક- કૌટુંબિક- પારિવારીક- સામાજિક- વ્યવહારિક કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે.
ખેડૂતવર્ગ
ખેડૂતવર્ગ માટે વર્ષ-૨૦૮૧ના વર્ષનો પ્રારંભ સારો રહે. ખેતીનો પાક સારો થતાં આવક સારી થતાં આનંદ રહે. સંયુક્ત ખેતીમાં ભાઈભાંડુ આપને સહાયરૂપ બને. પત્ની-સંતાન મદદરૂપ થવાથી કામમાં રાહત રહે. નવી જમીન-મકાનની ખરીદી થઈ શકે. આપના કાર્યની સમગ્ર ગામ, પંથકમાં ચર્ચા થાય. પરંતુ સમય પસાર થતો જાય તેમ આપને કોઈને કોઈ મુશ્કેલી રહ્યા કરે. ભાગમાં ખેતી કરનારે, માણસને રાખીને ખેતી કરનારે ધ્યાન રાખવું પડે. અન્ય દ્વારા આપની જમીન-ખેતી પચાવી પાડવામાં ન આવે તેની તકેદારી રાખવી પડે. ઉભો પાક બગડી જવાથી, બળી જવાથી આપને નુકસાની જાય. સરકાર તરફથી મળનારું વળતર યોગ્ય ન હોય કે સમયસર ન મળવાને લીધે આપની નાંણાકીય મુશ્કેલીમાં વધારો થાય. ખેતીકામ દરમ્યાન જીવજંતુ, સર્પ વગેરે કરડી ન જાય તેની તકેદારી રાખવી પડે. આપના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી પડે.