શનિદેવના પ્રકોપથી બચવા માટે આ કામ ન કરવા જોઈએ
નવી મુંબઇ,તા. 2 ડિસેમ્બર 2023,શનિવાર
જ્યોતિષમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. કેટલાક એવા કાર્યો છે જેનાથી શનિ ક્રોધિત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને ઘણીવાર અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે.
આવો જાણીએ શનિદેવના પ્રકોપથી બચવા માટે ક્યા કામ ન કરવા જોઈએ.
વૃદ્ધો, અસહાય અને વડીલોનો અનાદર કરનારાઓ પર શનિદેવ હંમેશા નારાજ રહે છે. આમાંના કોઈપણ લોકોનું અપમાન કરવુ નહીં.
જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા છે અને જાણી જોઈને પરત નથી કરી રહ્યા તો આવા લોકોને પણ શનિની નારાજગીનો સામનો કરવો પડે છે. આવા લોકોના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે.
કેટલાક લોકોને પગ ઘસડાઇને ચાલવાની આદત હોય છે. આ રીતે ચાલનારાઓ પર શનિ ક્રોધિત રહે છે. શનિની નારાજગીના કારણે આ લોકોનું કોઈપણ કામ સરળતાથી નથી થતું. આ લોકોને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે.
જે લોકોને બેસતી વખતે પગ હલાવવાની આદત હોય છે તેમને પણ શનિદેવની નારાજગીનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં પગને બિનજરૂરી રીતે હલાવવાની આદતને ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના જીવનમાં તણાવ વધે છે.
જો તમને રસોડામાં ન વપરાયેલ વાસણો રાખવાની આદત હોય તો તેને જ્યોતિષમાં તેને અશુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. રસોડામાં રાખેલા ખોટા વાસણોથી શનિદેવ નારાજ થાય છે.
જે લોકોના બાથરૂમ હંમેશા ગંદા રહે છે તેમને પણ શનિદેવની સજા ભોગવવી પડે છે. ઉપયોગ કર્યા પછી બાથરૂમને બિલકુલ ગંદુ ન રાખવું જોઈએ. આ કારણે શનિદેવ જીવનની મુશ્કેલીઓમાં વધારો કરે છે.