હનુમાન જન્મોત્સવ: ભારતનું એકમાત્ર એવું મંદિર જ્યાં પત્ની સાથે વિરાજે છે બજરંગબલી, જાણો રોચક કથા
Image: Facebook
Hanuman Janmotsav: રામાયણ અનુસાર બજરંગબલી જાનકીના ખૂબ પ્રિય છે. આ પૃથ્વી પર જે સાત મનીષિયોને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે, તેમાં બજરંગબલી પણ છે. હનુમાનજીને સમગ્ર સૃષ્ટિ એક બાલ બ્રહ્મચારી માને છે પરંતુ એક એવું મંદિર છે જેનાથી એ સિદ્ધ થાય છે કે હનુમાનજીએ પણ વિવાહ કર્યાં હતાં. ભારતમાં કેટલાક ભાગોમાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે.
આ મંદિરમાં પત્ની સાથે વિરાજમાન છે બજરંગબલી
તેલંગાણામાં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે. હૈદરાબાદથી 220 કિમી દૂર ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાનું મંદિર છે. આ એક પ્રાચીન મંદિર છે. અહીં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાની પ્રતિમા વિરાજમાન છે. માન્યતા છે કે જે પણ હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરે છે, તે ભક્તોના લગ્ન જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને પતિ-પત્નીની વચ્ચે હંમેશા પ્રેમ રહે છે.
જાણો કોણ છે હનુમાનજીની પત્ની
આ વિસ્તારમાં પ્રચલિત માન્યતા અનુસાર હનુમાનજીની પત્નીનું નામ સુવર્ચલા છે અને તે સૂર્ય દેવની પુત્રી છે. ત્યાં હનુમાનજી અને સુવર્ચલાનું એક પ્રાચીન મંદિર સ્થિત છે. આ સિવાય પારાશર સંહિતામાં પણ હનુમાનજી અને સુવર્ચલાના વિવાહની કથા છે.
હનુમાનજીના લગ્ન આ રીતે થયા હતાં
પૌરાણિક કથા અનુસાર હનુમાનજી સૂર્ય દેવથી વિદ્યા પ્રાપ્ત કરી રહ્યાં હતાં. સૂર્ય દેવ પાસે 9 વિદ્યા હતી. સૂર્યએ તેમને 9માંથી 5 વિદ્યાઓ શીખવાડી હતી પરંતુ બાકી વિદ્યાઓને પ્રાપ્ત કરવા માટે વિવાહિત હોવું જરૂરી હતું. તેના વિના તેઓ આ વિદ્યાઓ પ્રાપ્ત કરી શકતા નહોતાં. ત્યારે હનુમાનજીની સામે મુશ્કેલી ઊભી થઈ ગઈ. તેઓ બાલ-બ્રહ્મચારી હતાં. આ સમસ્યાનો સૂર્ય દેવે ઉકેલ મેળવ્યો. તેમણે પોતાની શક્તિથી એક કન્યાને જન્મ આપ્યો. જેનું નામ સુવર્ચલા હતું. સૂર્ય દેવે બજરંગબલીને કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન કરી લો. સૂર્ય દેવે કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન બાદ પણ હનુમાન બ્રહ્મચારી રહેશે કેમ કે લગ્ન બાદ સુવર્ચલા તપસ્યામાં લીન થઈ જશે. પવન પુત્ર સાથે લગ્ન બાદ સુવર્ચલા તપસ્યામાં જતા રહ્યાં. આ રીતે શ્રી રામ ભક્તના બ્રહ્મચર્યમાં કોઈ અવરોધ આવ્યો નહીં.