વૃષભ (બ.વ.ઉ.) .
- વર્ષારંભે દેવ દિવાળી સુધીનો સમય આનંદનો રહે, ધર્મકાર્ય શુભકાર્ય થાય
- સૌને નૂતન વર્ષાભિનંદન
૨૦૭૮ના વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. નવું વર્ષ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા. આજના મંગલદિને વાચક મિત્રો, પત્રકારો, વિજ્ઞાાપનકારો, લેખક સમુદાય અને વિતરકો સહિત સૌને શુભેચ્છા.
- શ્રેયાંશ શાહ,
મેનેજીંગ તંત્રી
લે.- પ્રિ. પદ્મનાભ અગ્નિહોત્રી
પ્રાધ્યાપક અગ્નિદત્ત અગ્નિહોત્રી
આપના માટે વર્ષારંભ અને વર્ષનો ઉત્તરાર્ધ યશ-સફળતાનો રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં ખર્ચ થાય પરંતુ તેમના ભાગ્યોદય-પ્રગતિથી આનંદ રહે. વર્ષ દરમ્યાન શનિની નાની કે મોટી પનોતી નથી. વર્ષની શરૂઆતમાં શનિ રૂપાના પાયે રહેવાના કારણે નોકરી ધંધામાં તમને ફાયદો લાભ થાય. યાત્રા પ્રવાસ થાય. પરદેશના કામમાં સાનુકુળતા રહે. રાહુનું પરિભ્રમણ માનસિક વ્યગ્રતા રખાવશે. ખર્ચમાં વધારો કરાવશે.
શારિરીક સુખાકારી
શારિરીક સુખાકારી સારી રહેવાથી આપના રોજીંદા કામ સાનુકુળતાથી કરી શકો. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ ચિંતા-ખર્ચવાળુ રહેશે. આપની રાશિમાંથી પસાર થઇ રહેલ રાહુ તા. ૧૨-૪-૨૦૨૨ સુધી મસ્તકમાં, ગળા-ગરદનમાં દર્દ પીડા રખાવે. પાન-મસાલા-ગુટકા ખાનારને ગળાની તકલીફ થાય. ચિંતાજનક કેન્સરના વ્યાધિથી બચવા વ્યસનમુક્ત થવુ પડે. તા. ૧૨-૪-૨૦૨૨થી રાહુનું રાશિ પરિવર્તન થવાથી આંખમાં તકલીફ મુશ્કેલી રખાવે. અન્ય બિમારીમાં ખર્ચ કરાવે.
તા. ૧૬-૧-૨૦૨૨થી તા. ૨૬-૨-૨૦૨૨ સુધીનો સમય શસ્ત્રક્રિયાથી, મચકોડ, ફેકચર અકસ્માતથી સંભાળવો પડે. લોહી વિકારના વ્યાધિથી પરેશાની રહે. મસા-ફીશરની-ભગંદરની તકલીફમાં બેદરકારી લાપરવાહી રાખવી નહીં.
પત્ની-સંતાન-પરિવાર
પત્ની-સંતાન-પરિવાર માટે ચૈત્રથી આસો વર્ષનો ઉત્તરાર્ધ તબક્કો સાનુકુળતાવાળો રહે. વર્ષની શરૂઆતથી વર્ષના મધ્યભાગ સુધી પારિવારિક પ્રતિકૂળતા, સગા સંબંધી-મિત્રવર્ગથી પ્રતિકૂળતા અનુભવાય. માતા-પિતા-વડીલવર્ગના આરોગ્યની અસ્વસ્થતાથી ચિંતા-ખર્ચ-દોડધામ અનુભવાય.
અવિવાહિતને તા. ૧૪-૪-૨૦૨૨થી વિવાહ લગ્નના સંજોગો પ્રબળ થતા જાય. પરિણિત હોય તેમને પત્ની-સંતાનના કામમાં સાનુકુળતા રહે. લગ્ન પછી સંતાન થવામાં વિલંબ થયો હોય તેને દવા દુવાથી સંતાન સુખની પ્રાપ્તિ થઇ શકે. પત્ની-સંતાનના ભાગ્યથી તેમજ તેમના કર્મક્ષેત્રની મહેનતથી તમારા પરિવારની સુખ સંપત્તિમાં વધારો થાય. સંતાનના વિદ્યાભ્યાસમાં ધ્યાન આપી શકો, ખર્ચ કરી શકો. પરદેશ મોકલવાની કાર્યવાહી થઇ શકે. પરદેશ ગયેલ સંતાનના કારણે આ વર્ષમાં તમને પરદેશ જવા માટેની તક પ્રાપ્ત થાય. નોકરી ધંધો કરનાર પત્ની-સંતાનને આ વર્ષ સાનુકુળ પ્રગતિવાળું રહે.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીમાં આ વર્ષ આરોહ-અવરોહનું રહેવા છતાં વર્ષનો ઉત્તરાર્ધ આનંદ-ઉત્સાહનો રહે. વર્ષ દરમ્યાન માનસિક તણાવ ચિંતા દોડધામ નોકરીની કામગીરી જવાબદારીના કારણે રહ્યા કરે. નહીં ઘરના, નહીં ઘાટના જેવી પરિસ્થિતિ રહે. પૈસા કમાવ, માન-સન્માન પ્રાપ્ત કરી શકો પરંતુ આરોગ્ય સુખાકારીના ભોગે તેમજ પત્ની સંતાન-માતા પિતા પરિવારના ભોગે મેળવ્યાનો અહેસાસ થાય. ખાનગી સંસ્થામાં કામ કરનારનું શોષણ એટલી હદે થાય કે તમે નોકરી છોડી દેવા મજબુર બનો. પરવશ બનો. પરંતુ તમારા જન્મના ગ્રહયોગની પ્રબળતાથી નોકરીમાં સ્થળ સ્થાનની ફેરફારી થતા હળવાશ-રાહત અનુભવતા જાવ. તમારી આવક-માન-સન્માન જળવાઈ રહે.
તા. ૧૬-૧૨-૨૦૨૧થી તા. ૨૬-૨-૨૦૨૨ સુધીનો સમય બંધનયુક્ત પરિસ્થિતિમાંથી પસાર કરવો પડે. સ્ત્રી કર્મચારીથી મિત્રથી અધિકારીથી જાતિ-જ્ઞાાતિગત સતામણી પરેશાનીથી નોકરીના કામમાં પ્રગતિમાં રૂકાવટ મુશ્કેલી અનુભવો. જીદ્દ મુમત અહમના ટકરાવમાં વિવાદ થઇ જાય કે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે. ઉપરોક્ત સમય દરમ્યાન બિમારીથી વાહનથી સંભાળવું પડે.
આ વર્ષમાં નોકરી છોડીને ધંધો કરવાના વિચારો આવે, સંજોગો પણ સર્જાય, મુડીરોકાણ કરનાર મળી આવે પરંતુ પોતાની નોકરી છોડીને ધંધો કરવો નહીં તેમજ પોતાની બચતનું રોકાણ ધંધા માટે કરવું નહીં. સગા સંબંધી-મિત્રવર્ગની લોભામણી લાલચમાં ફસાવું નહીં. નોકરી છોડવી નહીં. તે સિવાય તમારી મહેનતની કદર થાય, લાભ થાય તેવી તક તા. ૧૪-૪-૨૦૨૨થી શરૂ થાય અને વર્ષના અંત સુધીમાં તમને નોકરીમાં ફાયદો લાભ થાય. બઢતી મળે. પગાર વધે. માન સન્માન સત્તા પ્રાપ્ત થાય. સરકારી નોકરી હોય કે ખાનગી સંસ્થામાં નોકરી હોય તેને વર્ષનો ઉત્તરાર્ધ આનંદ ઉત્સાહનો પ્રગતિ સફળતાનો રહે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
આ વર્ષમાં ધંધો વધે, ધંધાનો વ્યાપ વિસ્તાર વધે. આવક વધે પરંતુ આપ સતત માનસિક તણાવ ચિંતા દોડધામમાં રહો અને નહીં સંતાન પત્ની પરિવારના રહો પૈસા કમાવ પરંતુ આરોગ્ય સુખાકારી જોખમાય.
ધંધામાં આવક આવતી રહે, ફરતી રહે તે પ્રમાણેનું આયોજન ગોઠવવું. લોભ-લાલચે વધારે કમાવવા ધંધાનો વ્યાપ વિસ્તાર બેંક લોનો લઇને કરતા જાવ તો તમારી ઊંઘ હરામ થતી જાય.તા. ૧૨-૪-૨૦૨૨થી રાહુની પ્રતિકૂળતા ધીમે ધીમે બંધન મુક્ત બનતી જાય અને દેવામાં ને દેવામાં તમે ડૂબતા જાવ. વર્ષારંભે તા. ૧૬-૧૨-૨૦૨૧થી તા. ૨૬-૨-૨૦૨૨ સુધી બાંધકામના વ્યવસાયમાં જમીન-મકાનની ખરીદી વેચાણમાં, ધાતુના વેપાર-ધંધામાં, રંગરસાયણ ઇલેક્ટ્રીકના પરચુરણ કે જથ્થાબંધ ધંધામાં, શેરોની લે-વેચમાં અવશ્ય સાવધાની સલામતી રાખવી. સરકારી કરારી ધંધામાં હરિફવર્ગના કારણે, ઉચ્ચ અધિકારીના કારણે તમારા ધંધામાં ઘટાડો થાય. ખોટા કામ, ખોટા હિસાબી બીલોથી બંધન થાય.
તા. ૧૪-૪-૨૦૨૨થી તા. ૧૦-૮-૨૦૨૨ દરમ્યાન કાનૂની કાર્યવાહી વિવાદમાં, ભાગીદારના વિવાદમાં, માલીક-ભાડુઆતના વિવાદમાં પારિવારિક ધંધાકીય વિવાદમાં બિમારીમાં આપને શાંતિ રાહત જણાય નહીં. એકલા હાથે ધંધો કરનારને મુશ્કેલીઓનો સામનો કરવામાં ધંધો થઇ શકે નહીં. ઉંમરના કારણે ધંધો સમેટવાનો નિર્ણય કરવો પડે. ધંધાની આરોહ-અવરોહની પરિસ્થિતિમાં ટકી રહેશો પરંતુ ઉધારી ધંધો કરવો નહીં.
સ્ત્રી વર્ગ
સ્ત્રી વર્ગને ધર્મકાર્યમાં, આધ્યાત્મિકતામાં વધારો થાય. પરિવારના કામની વ્યસ્તતા રહે, નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે પરંતુ માગશર, પોષ-મહા મહિના દરમ્યાન શાંસારિક જીવનમાં ચિંતા-અશાંતિ બિમારી વિવાદના લીધે રોજીંદા કામમાં એકાગ્રતા નિયમીતતા જળવાય નહીં. ગાયનેક દર્દપીડાથી તમને માનસિક તણાવ રહ્યા કરે. અવિવાહિતને ઉપરોક્ત સમય દરમ્યાન પસંદગીની મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં પીછેહઠ નિરાશા અનુભવવી પડે. તા. ૧૩-૪-૨૦૨૨ પછીનો સમય વિવાહ-લગ્ન માટે સાનુકુળ રહે. તા. ૧૭-૮-૨૦૨૨થી તા. ૧૭-૯-૨૦૨૨ સુધીનો સમય સગા-સંબંધી-મિત્રવર્ગથી ચિંતા-પ્રતિકૂળતાનો રહે. મિત્રતાના સંબંધ-વ્યવહારમાં તોડફોડ થાય. વિશ્વાસઘાત દગો થાય. પુત્રપૌત્રાદિક પરિવાર માટે વર્ષ પ્રગતિ-સફળતાનું રહે. આવકમાં, સુખ સંપત્તિમાં વધારો થાય. શ્રાવણ ભાદરવામાં માતૃપક્ષે બિમારી ચિંતાનું આવરણ આવી જાય. સંયુક્ત પરિવારની વડીલવર્ગની જવાબદારીમાં તમને તકલીફ પડે.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થીવર્ગને કારતક સુદ પૂનમ સુધી વિદ્યાભ્યાસમાં હળવાશ આનંદ રહે પરંતુ પછી જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ અભ્યાસમાં મિત્રવર્ગના કારણે શીથીલતા આવતી જાય. પારિવારિક પ્રતિકૂળ સંજોગોના કારણે વર્ષના મધ્યભાગમાં અભ્યાસમાં રૂકાવટ-મુશ્કેલી રહે. પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ તમારી મહેનતની સાર્થકતાનો રહે. તા. ૧૩-૪-૨૦૨૨ પછી મનન વાંચન-લેખનમાં એકાગ્રતા-સ્થિરતા આવતી જાય. આત્મબળમાં વધારો થાય. દ્રઢતાની તમે મહેનત કરી શકો અને પરીક્ષામાં ન ધારેલી સફળતા પ્રાપ્ત થવાથી તમારું ભણતર, ઘડતર યોગ્ય દિશા તરફ આગળ વધી શકે. અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક અન્ય પરીક્ષા આપવામાં, પરદેશ જવાની પરીક્ષા આપવામાં વર્ષના મધ્યભાગથી વર્ષના ઉત્તરાર્ધ સુધીનો સમય સાનુકુળ રહે.
ખેડૂત વર્ગ
ખેડૂત વર્ગને વર્ષ આરોહ-અવરોહનું રહે. ખેતીવાડી સાનુકુળ, આવક સાનુકુળ પરંતુ પારિવારિક પ્રતિકૂળતાના કારણે, આરોગ્યની શિથિલતાના કારણે ખર્ચ-ચિંતા રહે. ખેતી ભાગમાં કરવા માટે આપી હોય તો તેમાં તકલીફ થાય. તે સિવાય નવી જમીન ખરીદવામાં, પાણી માટેનો બોર બનાવવામાં ખર્ચા વધવાથી નાણાંભીડ મુશ્કેલી અનુભવવી પડે. ખેતીની સાથે સાથે નોકરી ધંધો કરનારને નહીં ઘરના કે નહીં ઘાટના જેવી પરિસ્થિતિ રહે. જેઠ ઉત્તરાર્ધથી ભાદરવાના ઉત્તરાર્ધ સુધીનો સમય ચિંતા ખર્ચ અશાંતિ ઉદ્વેગનો રહે. સીઝનલ બિમારી આવી જાય.
ઉપસંહાર
વર્ષારંભે દેવ દિવાળી સુધીનો સમય આનંદનો રહે. ધર્મકાર્ય શુભકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. નોકરી ધંધાના જુના નવા સંબંધ સંસ્મરણો તાજા થાય. પરંતુ માગશર-પોષ-માહ મહિના આધિ-વ્યાધિ ઉપાધિના રહે. એક ચિંતા ઉપાધિમાં અન્ય ચિંતા-ઉપાધિ શરૂ થાય. આરોગ્ય સાચવવું તેમજ વાહનથી પડવા વાગવાથી સંભાળવું. હનુમાન જયંતીથી દિપાવલી સુધીનો વર્ષનો ઉત્તરાર્ધ સમય કાર્યસફળતા પ્રગતિનો રહે. પત્ની સંતાન પરિવારથી, પૈસાથી, સંપત્તિથી આનંદ રહે. ખરીદી ખર્ચ થાય. નોકરી ધંધામાં સાનુકુળતા રહે. માન-સન્માન મળી શકે. સારી તક પ્રાપ્ત થાય. ભાગ્યોદય થાય. અષાડ શ્રાવણ ભાદરવામાં વડીલ વર્ગના આરોગ્યની અસ્વસ્થતા જણાય. તેમ છતાં આ વર્ષ કાર્યસફળતાથી સંતોષ-આનંદનું રહે.
આર્થિક સુખસંપત્તિ
આ વર્ષમાં આપની આવકમાં, સુખસંપત્તિમાં વધારો થાય. તમારી મહેનત દોડધામનું શુભ ફળ પ્રાપ્ત કરી શકો. પરંતુ આરોગ્ય સુખાકારીના ભોગે કરેલી દોડધામ તમારી પ્રગતિમાં અવરોધરૂપ બને.
વર્ષની શરૂઆતમાં ગુરૂ ગ્રહ તા. ૨૦-૧૧-૨૦૨૧ સુધી સાનુકુળ હોવાથી મુહરતના કામમાં સાનુકુળતા રહે. યશ-સફળતા મળે. જુના-નવા સંબંધો સંસ્મરણો તાજા થાય. તા. ૨૯ એપ્રીલ સુધી શનિનું પરિભ્રમણ મકાન-જમીન-વાહનની કામગીરીમા સાનુકુળતા રખાવે.
નવીન ખરીદી થાય કે વેચાણનો પ્રશ્ન ઉકેલાય. ફસાયેલા નાણાં મીલકત છુટા થાય. વારસાઇનો પ્રશ્ન ઉકેલાય. સંયુક્ત પરિવારમાં હોય તેમને પોતાના રહેઠાણનું સ્વતંત્ર આયોજન ગોઠવાય. તા. ૨૦-૧૧-૨૦૨૧થી તા. ૧૩-૪-૨૦૨૨ દરમ્યાન સંતાન પત્નીની આવકથી, તેમના ભાગ્યબળથી તમારી ચિંતા મુંઝવણ ઓછી થાય. જેમને આવક ન હોય તેમને આવક આવવાની શરૂઆત થતાં હતાશા નિરાશા દૂર થતી જાય. ચૈત્રથી આસોમાં પારિવારિક, કૌટુંબિક પ્રશ્ને, વડીલવર્ગના આરોગ્યના પ્રશ્ને ચિંતા રહે.
આ વર્ષમાં વાહનની ખરીદી-ફેરફારી થાય. પરંતુ જુના વાહનની ખરીદી કે વેચાણમાં આપે જાગૃતિ-ચોકસાઈ રાખવી. નાણાં ફસાઈ જાય અને ઉઘરાણી કરવામાં તકલીફ પડે. મકાન વેચીને નવુ મકાન લેવાનું હોય તો નહીં ઘરના કે નહીં ઘાટના જેવી પરિસ્થિતિમાં અટવાઈ પડો. જમીનના બાનાખતમાં, દસ્તાવેજમાં ખરાઈની વિગતો તપાસી પછી સહી સિક્કા કરવા. શેર સર્ટીફિકેટ માટે આળસ રાખવી નહીં.
વર્ષના ઉત્તરાર્ધમાં માન-સન્માન મળે. તમારા કાર્યક્ષેત્રમાં નાણાંકીય લાભ મળવાથી આનંદ રહે. અન્યને મદદરૂપ થઇ શકો. સાસરી પક્ષમાં ધર્મકાર્ય શુભકાર્ય થાય.
પોતાના અંગત જીવનમાં ભક્તિ પૂજા મંત્રજાપ આધ્યાત્મિકતા વધે. આત્મસ્ફૂરણા વધે. ગુપ્તદાન ગુપ્ત મદદ અન્યને કરી શકો. ટુંકમાં આ વર્ષ આવક વૃદ્ધિનું યશ સફળતાનું માન-સન્માનનું રહે.