પદ્મપુરાણ: સાવિત્રી કરતા પણ મોટી પતિવ્રતા હતી શૈવ્યા, પતિને બચાવવા અટકાવ્યો સૂર્યોદય
અમદાવાદ, 20 નવેમ્બર 2018, મંગળવાર
પદ્મપુરાણમાં પતિવ્રતા શૈવ્યાની કથાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુ પૌરાણિક ગ્રંથની આ કથા અનુસાર વર્ષો પહેલા એક પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં કૌશિક નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે કોઢથી પીડિત હતો તેના કારણે તેના સંબંધીઓ પણ તેને છોડીને જતા રહ્યા હતા પરંતુ તેની પત્ની શૈવ્યા તેને દેવતા સમાન પૂજતી હતી.
કૌશિક ખૂબ જ ક્રોધી સ્વભાવનો હતો. તે શૈવ્યાનું અપમાન કરતો પણ તે બધું જ સાંભળી લેતી. એક દિવસ કૌશિકે શૈવ્યાને કહ્યું કે, કેટલાક દિવસો પહેલા તેણે એક સુંદર વૈશ્યાને જોઈ હતી અને તેને તેની પાસે જવું છે. આ સાંભળી શૈવ્યાએ ક્રોધ કરવાને બદલે તે વૈશ્યાના ઘરે ગઈ અને બધી જ વાત કરી. આ સાંભળી વૈશ્યાએ કહ્યું કે અડધી રાત થાય એટલે તે તેના પતિને તેની પાસે લઈ આવે. આ સાંભળી શૈવ્યા પોતાના ઘરે પરત ફરી. રાત થઈ એટલે શૈવ્યા તેના પતિને પોતાની સાથે લઈ વૈશ્યાના ઘરે જવા રવાના થઈ.
રસ્તામાં એક સૂલી આવે જેના પર ચોરીની શંકામાં માંડવ ઋષિને ચઢાવી દેવામાં આવ્યા હતા. જો કે ઋષિ પોતાની મંત્રશક્તિથી બચી શકે તેમ હતા પરંતુ તે જાણતા હતા કે તેમણે નાનપણમાં કીડીઓને કાંટા માર્યા હતા. તેની સજાના ભાગરુપે આ ઘટના તેમની સાથે બની રહી છે. સૂલી પાસેથી પસાર થતી વખતે શૈવ્યાના પતિનો પગ સૂલી સાથે અથડાયો અને તેના કારણે ઋષિની તકલીફ વધી. તકલીફના કારણે ઋષિએ શૈવ્યાના પતિને શ્રાપ આપ્યો કે સૂર્યોદય પહેલા તેનું મૃત્યુ થઈ જશે.
શૈવ્યાએ ઋષિને કહ્યું કે તેના પતિથી અજાણતા પગ લાગી ગયો હતો તેથી શ્રાપ પરત લઈ લે. પરંતુ ઋષિએ ક્રોધમાં આવી ના કહી દીધી. તે સમયે શૈવ્યા બોલી કે, તેઓ શ્રાપ પરત લઈ લે નહીં તો સૂર્યોદય જ નહીં થાય. આટલું કહી શૈવ્યા પોતાના પતિને લઈ વૈશ્યાના ઘરે જવા લાગી. પતિવ્રતા શૈવ્યાના બોલેલા વચન સાચા થયા અને સૂર્યોદય થયો નહીં. આવું કેટલાક દિવસ સુધી ચાલ્યું અને સૂર્ય ન ઉગવાના કારણે પૃથ્વી પર અફરાતફરી મચી ગઈ.
શૈવ્યા સમક્ષ બ્રહ્માજી પ્રગટ થયા અને શૈવ્યાને કહ્યું કે તેના પતિને તે પુન:જીવિત કરી દેશે અને સ્વસ્થ પણ કરી દેશે. આ સાંભળી શૈવ્યાએ બોલેલું વચન પરત લીધું અને તેના પતિના પ્રાણ બચાવી લીધા.