Get The App

ભગવાન શ્રી કૃષ્ણે હનુમાનની મદદથી સુદર્શન ચક્ર અને ગરુડનો ઘમંડ તોડ્યો

- બાદમા તેઓ શ્રી કૃષ્ણની લીલા સમજી ભગવાનના ચરણોમાં ઝૂકી ગયા

Updated: Jul 19th, 2018


Google NewsGoogle News
ભગવાન શ્રી કૃષ્ણે હનુમાનની મદદથી સુદર્શન ચક્ર અને ગરુડનો ઘમંડ તોડ્યો 1 - image

અમદાવાદ, તા. 19 જુલાઈ 2018 ગુરુવાર

એક સમયની વાત છે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં રાણી સત્યભામાની સાથે સિંહાસન પર બિરાજમાન હતા. તેમની પાસે ગરુડ અને સુદર્શન ચક્ર પણ હતુ.

વાતમાં ને વાતમાં રાણી સત્યભામાએ શ્રીકૃષ્ણને પૂછ્યુ કે 'હૈ પ્રભુ તમે ત્રેતા યુગમાં રામના રૂપમાં અવતાર લીધો હતો, ત્યારે સીતા તમારી પત્ની હતી. શું તે મારા કરતા સુંદર હતી?'

કૃષ્ણ સમજી ગયા કે સત્યભામાને પોતાના રૂપનું અભિમાન છે. ત્યારે ગરુડે કહ્યું કે ભગવાન શું દુનિયામાં મારાથી વધારે ઝડપથી કોઈ ઉડી શકે છે? સુદર્શન ચક્રથી પણ ન રહેવાયું અને તેણે પણ પૂછી લીધું કે ભગવાન મે મોટા મોટા યુદ્ધમાં તમને વિજય અપાયો છે. શું સંસારમાં મારાથી કોઈ શક્તિશાળી છે?

ભગવાન મંદ મંદ હસી રહ્યા હતા. તે જાણી ગયા હતા કે તેમના ત્રણેય ભક્તોને અહંકાર આવી ગયો છે અને તેમનો આ અહંકાર નષ્ટ કરવાનો સમય આવી ગયો છે. એવુ વિચારીને તેમણે ગરુડને કહ્યુ કે ગરુડ તુ હનુમાનની પાસે જા અને કહેવાનુ કે ભગવાન રામ, માતા સીતાની સાથે તેમની પ્રતીક્ષા કરી રહ્યા છે.

ગરુડ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા તેઓ હનુમાનને લેવા ગયા. અહીં શ્રીકૃષ્ણએ સત્યભામાને કહ્યું કે દેવી સીતાના રૂપમાં તૈયાર થઈ જાવ અને સ્વયં કૃષ્ણએ રામનું રૂપ ધારણ કરી દીધું.

મધૂસૂદને સુદર્શન ચક્રને આદેશ આપતા કહ્યું કે તુ મહેલના પ્રવેશદ્વાર પર ધ્યાન રાખ. ધ્યાન રાખજે કે મારા આદેશ વગર કોઈ મહેલમાં પ્રવેશ ન કરે. ભગવાનના આદેશનું પાલન કરતા ચક્ર મહેલના પ્રવેશદ્વાર પર તૈનાત થઈ ગયુ.

ગરુડે હનુમાનની પાસે પહોંચીને કહ્યું કે હે વાનરશ્રેષ્ઠ! ભગવાન રામ માતા સીતાની સાથે દ્વારકામાં તમને મળવા માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. તમે મારી સાથે ચલો. હું તમને મારી પીઠ પર બેસાડીની જલ્દી ત્યાં લઈ જઈશ.

હનુમાને વિનયપૂર્વક કહ્યું કે, તમે જાવ હું આવું છું. ગરુડે વિચાર્યુ, ખબર નહીં આ વૃદ્ધ વાનર ક્યારે પહોંચશે. સારું હું ભગવાનની પાસે પાછો જાવ છું. આવું વિચારીને ગરુડ ઝડપથી દ્વારકા તરફ ઉડ્યો પણ આ શું મહેલમાં પહોંચીને ગરુડે જોયું તો હનુમાન તો તેમના પહેલા મહેલમાં પ્રભુની સામે બેઠા છે.

ગરુડનું માથું શરમના કારણે ઝૂકી ગયુ ત્યારે શ્રીરામે હનુમાનને કહ્યું કે પવનપુત્ર તે આદેશ વગર કેવી રીતે મહેલમાં પ્રવેશ કર્યો? શું તમને કોઈએ પ્રવેશ દ્વાર પર રોક્યા નહીં?

હનુમાને હાથ જોડીને માથુ ઝૂકાવીને પોતાના મોઢામાંથી સુદર્શન ચક્ર નીકાળીને પ્રભુની સામે રાખી દીધું હનુમાને કહ્યું કે પ્રભુ તમને મળવાથી આ ચક્ર મને રોકી રહ્યું હતું એટલા માટે મોઢામાં રાખ્યું જેથી કરીને હું તમને મળવા આવી શકુ. મને ક્ષમા કરો.

ભગવાન મંદ મંદ હસી રહ્યા હતા. હનુમાનજી હાથ જોડતા શ્રીરામને પ્રશ્ન કર્યો હે પ્રભુ! આજે તમે માતા સીતાના સ્થાન પર કઈ દાસીને આટલું સન્માન આપી રહ્યા છો કે તે તમારી સાથે સિંહાસન પર બિરાજમાન છે.

હવે રાણી સત્યભામાનો અહંકાર ભંગ થવાનો વારો આવ્યો. તેમને સુંદરતાનો અહંકાર હતો, જે એક જ સેકન્ડમાં તૂટી ગયો. રાણી સત્યભામા, સુદર્શન ચક્ર અને ગરુડ ત્રણેયનો અહંકાર ચૂર ચૂર થઈ ગયો હતો. ત્રણેય ભગવાનની લીલા સમજી રહ્યા હતા. ત્રણેયની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ ભગવાનના ચરણોમાં ઝૂકી ગયા.


Google NewsGoogle News