Get The App

સિંહ (મ.ટ.) : શનિ-રાહુ ભારે પડશે એટલે ચેતીને રહેજો, નોકરી-ધંધામાં અડચણો આવશે, સ્વાસ્થ્ય સાચવવું

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
સિંહ (મ.ટ.)  : શનિ-રાહુ ભારે પડશે એટલે ચેતીને રહેજો, નોકરી-ધંધામાં અડચણો આવશે, સ્વાસ્થ્ય સાચવવું 1 - image


- સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગ મદદરૂપ થવા પ્રયાસ કરે. મીઠા બોલા માણસોથી, આપના કામની, પ્રગતિની ઈર્ષ્યા કરનાર લોકોથી આપે સાવધાન રહેવું પડે

- તા. 14-5-25થી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપને થોડી રાહત થાય. આકસ્મિક સરળતા-સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ આપના માટે પ્રતિકૂળ રહે. વર્ષની મધ્ય સુધી રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે. તેમજ તા. ૨૯-૩-૨૦૨૫થી શનિની અઢી વર્ષની નાની પનોતી લોખંડના પાયે શરૂ થઈ રહી છે જે આપના માટે કષ્ટદાયક રહે. તા. ૧૪-૫-૨૫ સુધી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ છે ત્યારબાદ તેમાં થોડો સુધારો થતાં આપને થોડી રાહત જણાય.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ નબળું રહે. વર્ષના પ્રારંભે આપ આઠમા રાહુના બંધનમાં છો જે વૈશાખ વદ છઠ તા. ૧૮-૫-૨૦૨૫ સુધી રહેશે. તા. ૨૯-૩-૨૦૨૫થી શનિનું અષ્ટમ સ્થાનમાં પરિભ્રમણ શરૂ થતાં આપ અઢી વર્ષની નાની પનોતીના સકંજામાં આવશો જે લોખંડના પાયે રહેશે. આમ, શનિ-રાહુ બન્નેનું અષ્ટમ સ્થાનમાંથી પ્રતિકૂળ પરિભ્રમણ આપના આરોગ્ય સુખાકારી માટે પડકારરૂપ બની રહેશે.

વર્ષ દરમ્યાન આપને શારીરિક-માનસિક કોઈને કોઈ તકલીફ રહ્યા કરે. પેટ-પેઢુ, ગુદા ભાગ, ગુપ્ત ભાગના રોગ, પગની તકલીફ જણાય. જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આપની બેદરકારી વધુ પડતી હોંશીયારીના લીધે આરોગ્યને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી. સમયસર દાકતરી નિદાન-સલાહ લેતાં રહેવું. વર્ષારંભે ૧૬-૧૧-૨૪ થી ૧૫-૧૨-૨૪ સુધી આપના હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવો. મુંઝારો અનુભવો. માનસિક પરિતાપ રહ્યા કરે. તા. ૧૪-૩-૨૦૨૫ થી તા. ૧૮-૫-૨૦૨૫ દરમ્યાન આપે ગંભીર બીમારીથી સંભાળવું પડે. અકસ્માતથી, પડવા-વાગવાથી, મચકોડ-ફ્રેકચરથી ધ્યાન રાખવું પડે. માથામાં, પગમાં ગંભીર ઈજા ન થાય તેની તકેદારી રાખવી પડે. પથારીવશ થઈ જાવ, શસ્ત્રક્રિયા કરાવવી પડે તેવું બને. માથામાં ગંભીર ઈજા, નસ દબાવવાના લીધે કે અન્ય તકલીફના લીધે અર્ધ કે સંપૂર્ણ લકવાગ્રસ્ત પરિસ્થિતિ ઉભી ન થાય તેનું આપે ધ્યાન રાખવું પડે. શારીરિક-માનસિક કોઈપણ ફેરફાર, જીવનશૈલીમાં ફેરફાર જણાય તો તુરંત દાકતરી સલાહ લેવી.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ નબળું રહે. શનિ-રાહુની પ્રતિકૂળતા આપને મુશ્કેલીમાં મૂકે. વર્ષની મધ્યથી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપને થોડી રાહત રખાવે. તેમ છતાં આપે નાણાંકીય સુખાકારીની દ્રષ્ટિએ સંભાળવું પડે. વર્ષ દરમ્યાન કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ, મોટા ખર્ચા-ખોટા ખર્ચાઓ આવ્યા કરે. આવકનું પ્રમાણ ઘટે અને જાવકનું પ્રમાણ વધતાં આપનું નાણાંકીય આયોજન ખોરવાતું જાય. બચત તો ના થઈ શકે પરંતુ બચતના પૈસા વાપરવાનો સમય આવે. ઉધારીના નાણાં અટવાઈ જવાથી, શેરોમાં નાણાં ફસાઈ જવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય. બેંકમાંથી લોન લીધી હોય, બહારથી વ્યાજે રૂપિયા લીધા હોય તો સમયસર હપ્તા ના ચૂકવી શકવાને લીધે વ્યાજ વધતું જાય, દેવું વધતું જાય. આપના અંગત માલ-સામાન, જમીન-મકાન-વાહન પર જપ્તીનો ભય રહે. જોકે તા. ૧૪-૫-૨૦૨૫થી ગુરૂનું પરિભ્રમણ સારું થતાં આપને થોડી રાહત જણાય. આકસ્મિક કોઈ લાભ-ફાયદો મળી જાય. તેમ છતાં શનિની પનોતીના લીધે આપે સંભાળવું તો પડશે જ.

વર્ષારંભે માતૃપક્ષની ચિંતા રહે. તેમના આરોગ્ય-આયુષ્યની ચિંતા રહે. જમીન-મકાન-વાહન અંગે ખર્ચ જણાય. ફાગણ સુદ પૂનમથી વૈશાખ વદ છઠના સમય દરમ્યાન આપને સ્વાસ્થ્ય સંબંધી ખર્ચ જણાય. તે સિવાય ૨૭-૨-૨૫થી આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ રહે. સામાજિક વ્યવહારિક કામમાં ખર્ચ જણાય.

તા. ૨-૪-૨૫ થી તા. ૬-૬-૨૫ દરમ્યાન પરદેશના કાર્યમાં આપની ગણત્રી ઉંધી થતાં ખર્ચ વધી જાય. જમીન-મકાન-વાહન અંગે આકસ્મિક ખર્ચ આવી જાય. જેઠ-વદ બારસથી ભાદરવા સુદ સાતમ સુધી પુનઃ પારિવારીક-કૌટુંબિક ખર્ચના લીધે આપનું નાણાંકીય આયોજન ખોરવાઈ જાય. સંતાન માટે આકસ્મિક ખર્ચ-ખરીદી આવી જાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

સંવત ૨૦૮૧નું આ વર્ષ નોકરીમાં આપના માટે મધ્યમ રહે. વર્ષની મધ્ય સુધી ગુરૂનું મધ્યમ તેમજ રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો કરે. રાહુની પ્રતિકૂળતાને લીધે કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. કામ થતાં-થતાં અટકી જાય. કામની સમયમર્યાદામાં વધારો થાય. વધુ પડતાં દોડધામ-શ્રમ, કામના દબાણ-તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર થાય. શારીરિક-માનસિક અસ્વસ્થતાના લીધે આપ પોતાની જાતને કામ કરવા માટે સક્ષમ અનુભવો નહીં. મહત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે. આપના લીધેલા નિર્ણયો અવળા પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આપની કાર્યક્ષમતા પર સવાલો ઉભા થાય. તેમાં પણ આકસ્મિક બદલી, અયોગ્ય બદલીના લીધે આપની પરેશાનીમાં વધારો થાય અને કામ કરવા પરથી આપનું મન ઉઠી જાય. નોકરી છોડવાના વિચારો આવે.

ફાગણ વદ અમાસ તા. ૨૯ માર્ચથી આપને અઢી વર્ષની નાની શનિની પનોતી લોખંડના પાયે શરૂ થાય છે જે આપના કષ્ટ-પીડામાં વધારો કરશે. ફાગણ વદ અમાસથી વૈશાખ વદ છઠ સુધીના સમયમાં આરોગ્ય વિષયક તકલીફના લીધે કામમાં બરોબર ધ્યાન આપી શકો નહીં. વારંવાર રજાઓ લેવી પડે. જેના લીધે સરકારી કે ખાનગી બન્ને પ્રકારની નોકરીમાં આપની મુશ્કેલી વધે. સહકાર્યકર વર્ગ - નોકર-ચાકરવર્ગની કનડગતમાં મુશ્કેલીમાં વધારો થાય. અન્યની ભૂલના લીધે આપે ઉપરીવર્ગનો ઠપકો સાંભળવો પડે. જોકે તા. ૧૪-૫-૨૫ થી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપને થોડી રાહત થાય.

કોઈક કામમાં આકસ્મિક સરળતા-સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. અગત્યના નિર્ણય પણ લઈ શકો. સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થવા પ્રયાસ કરે. તેમ છતાં શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને મુશ્કેલી રખાવશે. મીઠા બોલા માણસોથી, આપના કામની, પ્રગતિની ઈર્ષ્યા કરનાર લોકોથી આપે સાવધાન રહેવું પડે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય !

ધંધાકીય દ્રષ્ટિએ વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે. વર્ષારંભે રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપના કાર્યમાં વિલંબ કરાવે. ગુરૂનું પરિભ્રમણ પણ મધ્યમ રહે. વર્ષની મધ્ય સુધી બન્નેનું ભ્રમણ સાનુકૂળ નથી. મહત્વના કે અગત્યના ઓર્ડરમાં સમયસર ઓર્ડર પૂરો ન કરી શકતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. નફામાં નુકસાન ભોગવવું પડે કે સંપૂર્ણ ઓર્ડર કેન્સલ થતાં કે બગડતાં આપે નુકસાની ભોગવવી પડે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં ભાઈભાંડુ વર્ગ, ભાગીદારવર્ગ આરોગ્ય વિષયક ચિંતા કે કૌટુંબિક-પારિવારીક ચિંતાના લીધે ધંધામાં બરાબર ધ્યાન આપી શકે નહીં. તેમના ભાગનું કાર્ય પણ આપના પર આવતાં આપના દોડધામ-શ્રમ-કાર્યભારમાં વધારો જણાય. વધુ પડતાં દબાણ-તણાવને લીધે શારીરિક-માનસિક-સ્વાસ્થ્ય પર અસર જણાય.

ફાગણ વદ અમાસ તા. ૨૯ માર્ચથી આપ શનિની નાની અઢી વર્ષની પનોતીના બંધનમાં આવશો. પનોતી લોખંડના પાયે છે જે આપના માટે કષ્ટદાયી રહેશે. હરિફવર્ગ-દુશ્મનવર્ગ આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ કરે અને તે સફળ થતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. તા. ૨૯ માર્ચથી તા. ૧૮ મે સુધીનો સમય આપના માટે વધુ મુશ્કેલીવાળો રહે. જોકે તા. ૧૪-૫-૨૦૨૫થી ગુરૂ સાનુકૂળ થતાં આપને થોડી રાહત રખાવે. આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામમાં સરળતા થતી જાય. પુખ્ત ઉંમરના સંતાનનો સાથ સહકાર આપને મળી રહે. આપના બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી આગળ વધી શકો. કેટલાંક મહત્વનાં કાર્યોનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વનાં નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. તેમ છતાં શનિની પ્રતિકૂળતા છે તે બાબત ધ્યાનમાં રાખી ધીરજ રાખીને આગળ વધવું. એકદમ ઉતાવળ કરવી નહીં.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. સૌ પ્રથમ પોતાના આરોગ્ય સુખાકારીનું ધ્યાન રાખવું પડે. પડવા-વાગવાથી-મચકોડ, ફ્રેકચરથી, શસ્ત્રક્રિયાથી સંભાળવું પડે. પતિ-સંતાનની ચિંતા આપને રહે. કૌટુંબિક - પારિવારીક પ્રશ્ને આપની મુશ્કેલીમાં વધારો થાય. વ્યવસાયી-નોકરીયાતવર્ગ મહિલાઓને કૌટુંબિક-પારિવારીક, સામાજિક-વ્યવહારિક જવાબદારીઓ આવી જતાં કાર્યભાર-દોડધામ-શ્રમ વધે. કામમાં વિલંબ થતાં ઠપકાનાં ભોગ બનવું પડે. ધંધામાં નુકસાની ભોગવવી પડે. ફાગણવદ અમાસથી શરૂ થઈ રહેલી શનીની પનોતી આપની મુશ્કેલીમાં વધારો કરે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ ઠીક રહે. વર્ષની મધ્ય સુધી રાહુની પ્રતિકૂળતા અભ્યાસમાં રૂકાવટ રખાવે. આયોજન મુજબ અભ્યાસ કરી શકો નહીં. પરીક્ષા સમયે બીમારી-અકસ્માતથી સંભાળવું પડે. મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. વર્ષ બગડે નહીં તેની તકેદારી આપે રાખવી પડે. તા. ૧૪-૫-૨૦૨૫ થી ગુરૂની સાનુકૂળતા થતાં અભ્યાસમાં રાહત થતી જાય. સરળતા મળી રહે. અભ્યાસાર્થે પરદેશ જવાનો વિચાર કરતાં હોય તો તેમાં પ્રગતિ જણાય. પરંતુ તા. ૨૯ માર્ચથી શનિની નાની પનોતી લોખંડના પાયે શરૂ થાય છે જે આપને રૂકાવટ-વિલંબ રખાવે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટના લીધે અભ્યાસમાં મન લાગે નહીં. કારકીર્દીનું વર્ષ હોય તેમણે પહેલેથી જ આયોજન કરી તૈયારી શરૂ કરી દેવી. ટેકનિકલ લાઇન, એન્જીનિયરીંગ લાઈનમાં હોય તેમને વધુ તકેદારી રાખવી પડે.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ ઠીક રહે. આપના ગણત્રી-ધારણા પ્રમાણે કામ થાય નહીં. મહેનતના પ્રમાણમાં પાક ઓછો ઉતરે. ખેતરમાં કામ કરતાં ઝેરી જીવજંતુ, સાપના કરડવાથી સંભાળવું પડે. ખેતીના ઓજારો સાથે કામ કરતી વખતે વાગી ન જાય તેની તકેદારી રાખવી. કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોને લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. સંયુક્ત જમીન હોય કે ભાગમાં જમીન હોય તો વાદ-વિવાદ-ગેરસમજ-મનદુઃખ થઈ જાય. છૂટા પડવાનો, જમીનના ભાગ પાડવાનો પ્રશ્ન ઉભો થાય. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. વધુ પડતાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના લીધે પાક બગડી ન જાય તેની આપે તકેદારી રાખવી પડે. તે ઉપરાંત આપના કાર્ય માટે કોઈના ભરોસે રહેવું નહીં. તા. ૧૪-૫-૨૫થી ગુરૂનું સાનુકૂળ પરિભ્રમણ આપને થોડી રાહત રખાવશે. આકસ્મિક લાભ-ફાયદો જણાય.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૧ દરમ્યાન વિશેષતઃ આપે શારીરિક-માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંભાળવું પડે. આપના કાર્યમાં રૂકાવટ-મુશ્કેલીઓ આવ્યા કરે. ધાર્યા મુજબના કામ થઈ શકે નહીં. નાણાંકીય આયોજન ખૂબ જ સંભાળીને કરવું પડે. આકસ્મિક ખર્ચાઓ, નુકસાનીના લીધે નાણાભીડનો સામનો કરવો પડે. બહારથી વ્યાજે નાણાં લીધા હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય. સાંસારિક જીવનમાં મુશ્કેલી જણાય. પત્નીના આરોગ્ય-આયુષ્યની બાબતમાં આપને ચિંતા-ઉચાટ-ખર્ચ રહે. સંતાનોના પ્રશ્ને દોડધામ-શ્રમ રહે. જોકે વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂનું સાનુકૂળ પરિભ્રમણ આપને થોડી રાહત રખાવશે. સંતાનોનો સાથ-સહકાર મળી રહેતાં આપના કામમાં વ્યસ્ત રહી તેના ઉકેલ લાવવાના પ્રયત્નો કરી શકો.

પત્ની-સંતાન-પરિવાર

વર્ષ દરમ્યાન આપને કોઈને કોઈ કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-દોડધામ-ખર્ચ જણાય. સંયુક્ત માલ-મિલ્કત, ધંધાના પ્રશ્ને પરિવાર સાથે, ભાઈભાંડુ સાથે વાદ-વિવાદ-મનદુઃખ, ગેરસમજ થાય. વર્ષ દરમ્યાન આપે ખૂબ જ ધીરજ અને શાંતિ રાખવા પડે અને કુનેહપૂર્વક પ્રશ્નોનું સમાધાન શોધવું પડે. 

ફાગણ વદ અમાસ તા. ૨૯-૩-૨૦૨૫થી શનિની નાની અઢી વર્ષની પનોતી લોખંડના પાયે શરૂ થતાં પત્ની-સંતાનના આયુષ્ય-આરોગ્યની ચિંતા રહે. તેમને લગતા કોઈને કોઈ પ્રશ્ને આપની દોડધામ-ચિંતા-ખર્ચમાં વધારો જણાય. પુખ્ત ઉંમરના સંતાનો સાથે વિચારોમાં મતભેદના લીધે વાદ-વિવાદ-મનદુઃખ ઉભા થાય. સાંસારિક જીવનમાં પ્રેમ-લાગણી, હૂંફ-ઉષ્માની કમી વર્તાય. ક્યાંકને ક્યાંક એકલતાનો અનુભવ થાય. જોકે વૈશાખ વદ-બીજથી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં થોડી રાહત જણાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. પરંતુ ઉતાવળમાં ખોટા પાત્રમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે.


Google NewsGoogle News