Get The App

'જાગ્યા ત્યારથી સવાર' અને 'ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું'

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
'જાગ્યા ત્યારથી સવાર' અને 'ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું' 1 - image


- નવા વર્ષે ઉત્સવના ઉલ્લાસની વચ્ચે પણ માનવ જીવનના ગાંભીર્યને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ

કાર્તિક સુદ એકમના દિવસે વિક્રમનું નવું વર્ષ શરૂ થાય છે. તેથી તે દિવસ એ આખા વર્ષનું પ્રભાત ગણાય. 'જેનો વર્ષનો પ્રથમ દિવસ માંગલિક તેનું આખું વર્ષ માંગલિક !' માનસસશાસ્ત્રીય દ્રષ્ટિએ પણ ‘First impression is the lest impression' નવો માણસ, નવો દિવસ કે નવું વર્ષ; એની પહેલી અસર જે આપણા પર પડે તેનું સ્મરણ ચિરગામી બની રહે છે.

આ દિવસને બલિપ્રતિપદા પણ કહેવામાં આવે છે; ત્રિપદા ભૂમિ માગીને વામને બલિને પાતાળમાં મોકલી આપ્યો, એવી કથા એની પાછળ રહેલી છે. બલિ એ વિરોચનનો પુત્ર. પ્રહલાદનો પુત્ર વિરોચન નાસ્તિક નીકળ્યો. તેની અસર તેના દીકરા બલિ પર પડી. બલિએ સારામાં સારું રાજ્ય કર્યું : પણ તેણે લોકોમાં રહેલી ઇશ્વરનિષ્ઠા અને વેદનિષ્ઠા શિથિલ કરી નાખી. વિભિન્ન વર્ણના લોકોને તેમનાં કાર્યોની યોગ્ય નિષ્ઠામાંથી ચલિત કર્યા બ્રાહ્મણોને સાંસ્કૃતિક કાર્યમાંથી દૂર કરીને કેવળ કર્મકાંડીય યજ્ઞાયાગોમાં રોકી રાખ્યા. આસુરી વૃત્તિના જડવાદી ક્ષત્રિયોને રાજ્યમાં મહત્ત્વનાં સ્થાનો આપ્યાં. વેપાર પણ ભોગવાદી વૈશ્યોના હાથમાં ચાલ્યો ગયો. આ રીતે બલિએ ત્રિવર્ણોને ખલાસ કર્યા. શિક્ષણતંત્ર બ્રાહ્મણોના હાથમાંથી ખેંચી લઇને રાજસત્તાને સોંપ્યું : તેથી શિક્ષણ ક્ષુદ્ર, હલકું અને દુર્બળ થયું. સમાજમાંથી ભગવદનિષ્ઠા અને પ્રભુપ્રેમ ચાલ્યા ગયા. પૈસો જ પ્રમુખ બન્યો.

સમાજમાં ચાલતી રહેલી આવી ભોગોપાસના અને જડત્વની પૂજાથી ચિડાયેલી અદિતિએ ભગવાન પાસે તેજસ્વી સંતાનની માગણી કરી. અદિતિની નિષ્ઠા અને કશ્યપની તપશ્ચર્યાને લીધે ભગવાને અદિતિના પેટે જન્મ લીધો અને તે જ વામન !

વામને લોકજાગૃતિ નિર્માણ કરી. સાંસ્કૃતિક વિચારો લઇને તે ઘર ઘરમાં ઘૂસ્યો; વિષ્ણુ બન્યો; વ્યાપક થયો એટલે કે વામનનો વિરાટ થયો. બલિને તેની સાથે સુલેહ કરવી પડી. વામને ત્રણ શરોત મૂકી. (૧) શિક્ષણતંત્ર બ્રાહ્મણોના હાથમાં સોંપવું, (૨) રાજ્યકારભાર ઇશ્વરવાદી ક્ષત્રિયોના હાથમાં સોંપવો, (૩) ધંધો રોજગાર ઇશ્વરને માનનર સાત્ત્વિક વૈશ્યોના હાથમાં સોંપવો. આ જ ત્રિપદા ભૂમિ. આ માગણીથી બલિ ખલાસ થયો. તેણે પોતાના અસ્તિત્વ વિશે શંકા પ્રગટ કરતાં ભગવાને તેને પુષ્કળ ધનસંપત્તિ આપીને દક્ષિણમાં સુતલમાં મોકલી આપ્યો અને પોતે એના દ્વાર-રક્ષક થઇને રહ્યા. અર્થાત્ બલિને રાજકેદી (State prisoner)તરીકે નજર-કેદ (Protective custody) માં રાખ્યો.

ભોગ અને સ્વાર્થને છોડીને બીજો કોઈ વિચાર જ માણસ ન કરતો હોય તો તેનું નવું વર્ષ શરૂ થયું એમ કેમ કહી શકાય ? જીવનમાં જો કંઇ નવીનતા ન હોય તો નવું અને જૂનું વર્ષ એ નિરર્થક શબ્દો છે. પોતાની સગવડતાને માટે માનવે પાડેલા કાળના એ શુષ્ક વિભાગો છે.

વળી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પ્રીતિ માટે ગોવર્ધનોત્સવ તેમજ અન્નકૂટ કરવાનું વિધાન છે. ભાગવતમાં કથા છે કે એક વખતે કાર્તિક માસના શુક્લ પક્ષના પડવાને દિવસે ભગવાન શ્રીકૃષ્ણ ગાયો લઇ ગોવાળિયાઓની સાથે વનમાં ગયા હતા. ત્યાં વનમાં ગોવાળિયાઓને આનંદોલ્લાસથી નાચતા જોઇને તેમણે પૂછ્યું : 'આ કોનો ઉત્સવ કરો છો ? અને તેમાં કયા દેવનું પૂજન કરો છો ?' ગોવાળિયાઓએ કહ્યું કે, 'અનાવૃષ્ટિ અને દુષ્કાળથી બચવા અમે વર્ષોવર્ષ વૃત્રહંતા ઇંદ્રનો મહોત્સવ કરીએ છીએ.' કૃષ્ણને સમાજમાં ચાલતી રહેલી આવી સત્તાધીશોની પૂજા ગમી નહિ. તેમણે લોકોને ઇંદ્રપૂજા છોડીને ગોવર્ધનપૂજા કરવાનો આદેશ આપ્યો.

તે દિવસથી ગોવાળિયાઓએ ઇંદ્રપૂજા છોડીને કૃષ્ણના આદેશ પ્રમાણે ગોવર્ધન પૂજા શરૂ કરી. આપણે પણ નવા વર્ષે જૂની ઘરેડમાંથી બહાર નીકળીને ભગવાન કે ભગવદ્રૃપ કોઈ મહાપુરુષના આદેશને ઝીલી લઇ જીવનમાં નવો રાહ સ્વીકારીએ તો આપણું નવું વર્ષ સાર્થક બને. નવું વર્ષ એટલે નવા સંકલ્પ કરવાનો દિવસ, નવા નિર્ણયો લેવાનો દિવસ, ધ્યેયને માર્ગે પુન: કટિબદ્ધ થઇને આગળ વધવાનો દિવસ !

જૂના રાગદ્વેષો ભૂલી જઇને નવા વર્ષથી માણસે નવો વ્યવહાર શરૂ કરવો જોઇએ. 'જાગ્યા ત્યારથી સવાર' અને 'ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું' આ નવા વર્ષનાં સૂત્રો હોવાં જોઇએ. નવા વર્ષે કરેલા શુભ સંકલ્પો એ માત્ર સંકલ્પો જ ન રહેતાં જીવનમાં સાકારિત બને તો ગમે તેવી બગડેલી બાજી સુધરી જાય અને સામાન્ય માનવ મહાનતાના ઉત્તુંગ શિખરોને આંબી શકે. આપણા સંકલ્પોમાં પ્રાણ પૂરવાની જવાબદારી આપણી છે. દિલની સાચી લગનથી જીવનને યોગ્ય દિશામાં ગતિ આપવાનો આપણો પ્રયત્ન જ નવું વર્ષ યશસ્વી બનાવી શકે.

નવા વર્ષે ઉત્સવના ઉલ્લાસની વચ્ચે પણ માનવ જીવનના ગાંભીર્યને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. જીવનને હળવાશથી જોવું એ એક વાત છે અને બાલિશ બનવું બીજી વાત છે. એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. જીવનમાં ગાંભીર્ય રાખવું એ એક વાત છે અને નિરાશા વાદળોથી આવૃત્ત બની જીવન જીવવાની હિંમત ખોઈ નાખવી એ બીજી વાત છે. નિશ્ચિંત (Carefree) બનવું એ એક વાત છે અને નિષ્કાળજી (Careless)બનવું એ જુદી વાત છે.

ભોગ અને સ્વાર્થથી ગ્રસ્ત જીવનમાંથી માનવને ઉંચો ઉઠાવનાર, જડવાદ તરફ અભિમુખ માનવને ઇશ્વરાભિમુખ બનાવનાર, જૂના રાગદ્વેષને ભૂલાવી નવજીવનની નવતર પ્રેરણા આપનાર, લોહીના કણેકણમાં આશા અને ઉત્સાહનો સંચાર કરી આપણને નિત્ય યુવાન રહેવાનો સંદેશ આપનાર નવું વર્ષ આપણને નવજીવનની દીક્ષા આપનારું બની રહે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના !


Google NewsGoogle News