દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે? આ પર્વે દીપ દાનનું છે અનેરું મહત્ત્વ, જાણો શુભ મુહૂર્ત
Dev Diwali 2024: આમ તો દિવાળી પર્વ ધનતેરસથી શરુ થાય છે અને ભાઈબીજે પૂરું થયું માનવામાં આવે છે, પરંતુ દિવાળીના થોડા દિવસ બાદ દેવ દિવાળી ઉજવવામાં આવે છે અને ત્યારબાદ જ દિવાળીનો તહેવાર પૂરો થયો માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવદિવાળીનું વિશેષ મહત્ત્વ છે. કારતક સુદ પૂર્ણિમાએ દેવદિવાળીનો આ પર્વ ઉજવવામાં આવે છે. એવામાં જાણીએ કે દેવ દિવાળી અને તેમાં દીપ દાનના મહત્ત્વ વિષે...
દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે?
પૌરાણિક માન્યતા અનુસાર, ત્રિપુરાસુર નામના શક્તિશાળી દાનવે પોતાનામાં રહેલી શક્તિઓને વધારવા તેમજ તેને કોઈ દેવ, દાનવ, ઋષિ કે માનવ પરાજિત ન કરી શકે તે માટે બ્રહ્માજીની આરાધના કરી. તેની તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યું. વરદાન મળતા દેવતાઓને હેરાન કરવા ત્રિપુરાસુર નામના રાક્ષસે સ્વર્ગ પર કબજો જમાવ્યો. આથી તેના આતંકથી પરેશાન થઈને દેવો મદદ માંગવા મહાદેવ પાસે ગયા.
શિવજીએ દેવોની પ્રાર્થના સાંભળી ત્રિપુરાસુર સાથે યુધ્ધ કર્યું અને કારતક સુદ પૂનમના દિવસે ત્રિપુરાસુર નામના અસુરનો વધ કર્યો. ત્રિપુરાસુરના વધથી બધા દેવી-દેવતાઓ ખુશ થયા અને કાશીમાં આવીને દીવા પ્રગટાવીને ઉજવણી કરી. શિવજીના વિજયનો જયઘોષ પણ થયો.
તેથી, કાશીમાં દર વર્ષે, કારતક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, દિવાળીના દિવસે ગંગા સ્નાન કર્યા પછી એક દીવો દાન કરવાથી વ્યક્તિની મનોકામના પૂરી થાય છે. આથી આ દિવસે દીપ દાનનું વિશેષ મહત્ત્વ છે.
દેવ દિવાળીનું શુભ મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર દેવ દિવાળીના દિવસે પ્રદોષ કાળ સાંજે 05.08 મિનિટથી 07.47 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન દીપ દાન કરવુ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: દેવદિવાળી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ: મિથુન-વૃષભ રાશિના જાતકોને થશે ધનલાભ
દેવ દિવાળીએ આ રીતે કરો દીપ દાન
દેવ દિવાળીની સાંજે પ્રદોષ કાળમાં 5, 11, 21, 51 કે પછી 108 દીવામાં ઘી કે પછી સરસવનું તેલ ભરો. જે બાદ નદીના ઘાટમાં જઈને દેવી-દેવતાઓનું સ્મરણ કરો. પછી દીવામાં કંકુ, ચોખા, હળદર, ફૂલ, મિઠાઈ વગેરે અર્પણ કરીને દીવો પ્રગટાવીને તેને નદીમાં પ્રવાહિત કરી દો.
દેવ દિવાળીની પૂજા વિધિ
દેવ દિવાળીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને ગંગા સ્નાન કરો. જો તમે ગંગા સ્નાન માટે જઈ રહ્યા નથી તો સ્નાનના પાણીમાં થોડુ ગંગાજળ નાખો. આવુ કરવાથી ગંગા સ્નાન કર્યા બરાબર ફળની પ્રાપ્તિ થશે. જે બાદ સૂર્ય દેવને તાંબાના લોટામાં જળ, સિંદૂર, ચોખા, લાલ ફૂલ નાખીને અર્ધ્ય આપો. આ પછી ભગવાન શિવની સાથે અન્ય દેવી દેવતાની પૂજા કરો. ભગવાન શિવને ફૂલ, માળા, સફેદ ચંદન, ધતૂરો, આંકડાના ફૂલ, બિલિપત્ર ચઢાવવાની સાથે ભોગ લગાવો. અંતમાં ઘી નો દીવો અને ધૂપ કરીને સ્તુતિ અને વિધિસર આરતી કરી લો.
- ડૉ. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય