Get The App

શ્રી રામે મોરને આપેલું વચન કૃષ્ણ અવતારમાં નિભાવ્યું, ઋણ અને ઉપકારનું મહત્ત્વ સમજાવતી એક અદ્ભુત કથા

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
શ્રી રામે મોરને આપેલું વચન કૃષ્ણ અવતારમાં નિભાવ્યું, ઋણ અને ઉપકારનું મહત્ત્વ સમજાવતી એક અદ્ભુત કથા 1 - image
AI Image

Shri Ram and Peacock Story : કોઈએ આપણી પર કરેલું ઋણ અને ઉપકારનું મહત્ત્વ આજના સમયમાં ઘટી રહ્યું છે. પરંતુ જો માણસ ખરેખર તેનું મહત્ત્વ સમજે તો ન માત્ર આ જન્મ પરંતુ આગામી જન્મ પણ સફળ થઈ શકે છે. ભગવાન રામે પણ માનવ તરીકે પૃથ્વી પર જન્મ લીધો હતો અને તેઓ ઋણ અને ઉપકારનું મહત્ત્વ સારી રીતે સમજતા હતા. ત્યારે આવી રામયણ સાથે એક અજાણી કથા વિશે જાણીએ કે, જેમાં શ્રી રામ એક પક્ષીના ઋણી બને છે અને તેના ઉપકારનું મહત્ત્વ સમજીને તે પક્ષીને આપેલા વચનનું કૃષ્ણ અવતારમાં પાલન કરે છે.



ભગવાને પાણી માટે કરી કુદરતને પ્રાર્થના

ભગવાન રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ પર હતા, એક દિવસ વનવાસ દરમિયાન માતા સીતાને પાણીની તરસ લાગે છે, પરંતુ દૂર દૂર સુધી ક્યાંય પાણી જોવા મળતું નથી. તેથી ભગવાન રામ કુદરતને કહે છે કે, 'આસપાસમાં ક્યાંય પાણી હોય તો ત્યાં સુધી જવાનો રસ્તો દર્શાવો.' એટલામાં એક મોર શ્રી રામ પાસે આવે છે અને કહે છે કે, 'અહીંથી થોડેક દૂર એક જળાશય છે. હું તમને ત્યાં સુધી લઈ જાઉં, પરંતુ તેમાં ભૂલા પડી જવાની સંભાવના રહેલી છે.' જેમાં રામજી કહે છે કે કેમ? જેના જવાબમાં મોર કહે છે કે, 'હું ઊડીને જાવ છું અને તમે મારી પાછળ ચાલતાં-ચાલતાં આવો. આ દરમિયાન હું ઉડતાં-ઉડતાં મારું એક-એક કરીને પીછું ફેંકીશ તમે એ પીંછાના સથવારે જળાશય સુધી પહોંચી જશો.'

શ્રી રામે મોરને આપેલું વચન કૃષ્ણ અવતારમાં નિભાવ્યું, ઋણ અને ઉપકારનું મહત્ત્વ સમજાવતી એક અદ્ભુત કથા 2 - image
AI Image

મોરે જીવ આપીને જળાશયનો રસ્તો બતાવ્યો

કહેવાય છે કે, મોરના પીછાં ખરવાની પણ એક ઋતુ હોય છે. પણ જો મોર ઋતુ સિવાય પીછાં ખેરવે તો તેનું મૃત્યું થાય છે. જ્યારે રામજી અને મોરની કથામાં રામજીને જળાશય સુધી પહોંચાડવા મોર તેના પીંછા વેરે છે અને અંતિમ શ્વાસ લેતાં સમયે રામજીને એટલું કહે છે કે, 'જે આખા જગતની તરસ છીપાવે છે તેની તરસ છીપાવવાનું સદ્ભાગ્ય મને મળ્યું, એનાથી વિશેષ તો મારે શું જોઈએ?'

શ્રી રામે મોરને આપ્યું વચન

આ પછી ભગવાને શ્રી રામ મોરને કહે છે કે, 'તે જે પીંછાં વેરેલા તે પીંછાંનું ઋણ હું આવતા જન્મમાં ચૂકવીશ અને મારા માથા ઉપર ચડાવીશ.' આ પછી જ્યારે ભગવાન રામ બીજા જન્મમાં કૃષ્ણ ભગવાનનો અવતાર લે છે, ત્યારે પોતાના માથા ઉપર મોરપીંછ ધારણ કરીને મોરનું ઋણ ઉતારે છે. 

શ્રી રામે મોરને આપેલું વચન કૃષ્ણ અવતારમાં નિભાવ્યું, ઋણ અને ઉપકારનું મહત્ત્વ સમજાવતી એક અદ્ભુત કથા 3 - image
AI Image

આપણે કેટલા જન્મો સુઘી ઋણી રહીશું?

જો ખુદ ભગવાનને પણ કોઈના નાના સરખા ઉપકારનું ઋણ ઉતારવા માટે બીજો જન્મ લેવો પડતો હોય, તો આપણે સામાન્ય મનુષ્યો તો કેટલાય જન્મો સુધી એકબીજાના ઋણી રહીશું. આપણે ક્યારે કોના ઋણ પૂરા કરી શકીશું તેની પણ ખબર નથી. 

નિઃસ્વાર્થ ભાવે કરેલો ઉપકાર ક્યારેય વ્યર્થ જતો નથી

આ કથા આપણને એ પણ શીખવે છે કે નિઃસ્વાર્થ ભાવે કરેલો ઉપકાર ક્યારેય વ્યર્થ જતો નથી. ભલે તે ઉપકાર કરનાર વ્યક્તિને તત્કાળ તેનું ફળ ન મળે, પરંતુ કોઈક રીતે, કોઈક સમયે, તેનું ઋણ જરૂર ચૂકવાય છે. ભગવાન રામે મોરને આપેલું વચન એ વાતનો પુરાવો છે કે સૃષ્ટિમાં દરેક કર્મનું મૂલ્ય છે અને ઉપકાર ક્યારેય ભૂલાતો નથી.

આ પણ વાંચો: દરેક આશીર્વાદ ફળે કે દરેક શ્રાપ લાગે એવું કળિયુગમાં કેમ નથી બનતું? આવો સમજીએ

આપણે પણ સંકલ્પ કરીએ

તો ચાલો, આ રામ નવમીના પાવન દિવસે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણે હંમેશા એકબીજાના ઉપકારને યાદ રાખીશું અને શક્ય હોય ત્યાં સુધી કોઈના ઋણી નહીં રહીએ. અને જો કોઈ આપણી મદદ કરે તો તેનો આભાર માનવાનું ક્યારેય નહીં ભૂલીએ. કારણ કે ઋણ અને ઉપકાર એ જીવનના બે એવા તાંતણા છે જે આપણને એકબીજા સાથે જોડી રાખે છે અને માનવતાને જીવંત રાખે છે.

Tags :