Shravan Special: ભગવાન રામે સ્વયં શિવલિંગ સ્થાપી, 12 જ્યોતિર્લિંગમાં દુશ્મનો પર વિજય અપાવતું રામેશ્વર જ્યોતિર્લિંગ
પ્રથમ પૂજા હનુમાનજીના શિવલિંગની કરવાનો ભગવાન શ્રી રામનો આદેશ
રામાયણકાળથી અસ્તિત્વ ધરાવતું તથા શિવ અને વૈષ્ણવ એમ બંને સંપ્રદાયોમાં આસ્થાન પ્રતીક એટલે સમુદ્રકિનારે આવેલું રામેશ્વરમ્, હિન્દુ શ્રદ્ધાળુઓ કાશીથી ગંગાજળ ભરીને રામેશ્વરમમાં અર્પણ કરે ત્યારે યાત્રા પૂર્ણ કર્યાનો સંતોષ મેળવે છે. રામેશ્વરમ્ એટલે રામના ઈશ્વરનું સ્થળ કે જ્યાં ભગવાન વિષ્ણુનો અવતાર એવા ભગવાન રામે સ્વયં શિવલિંગ સ્થાપીને શિવજીની ઉપાસના કરી હતી. અને બ્રહ્માજીના પૌત્ર એવા લંકાના રાજા રાવણના સંહારની બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું. રામેશ્વરમ્ મંદિર સાથે જોડાયેલી આ કથા ઘણી રસપ્રદ છે.
પ્રથમ પૂજા હનુમાનજીના શિવલિંગની થાય છે
રામેશ્વરમ્ જયોતિર્લિંગ અંગેની કથા ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલી છે. સીતાજીનું અપહરણ કરીને લંકા લઈ ગયેલા રાવણ સાથે યુદ્ધ કરવા ભગવાન શ્રીરામ પોતાની સાથે વાનરોની મોટી સેના લઈને રામેશ્વરમ્ પાસેના ધનુષ્યકોડીથી પથ્થરોનો પુલ બનાવીને લંકા ગયા હતા. લંકામાં શ્રીરામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયુ. યુદ્ધમાં વિજયી થઈને સીતાજીને લઈને ભગવાન શ્રીરામ અયોધ્યા જવા માટે નીકળ્યા અને રામેશ્વરમાં રોકાયા. રાવણ બ્રાહ્મણ હતો અને આથી બ્રહ્મહત્યાનું પાપ પોતાને લાગ્યું છે તેમ વિચારીને ભગવાન શ્રીરામે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા શિવજીની ઉપાસના કરવાનો સંકલ્પ કર્યો. શિવજીની ઉપાસના માટે શ્રીરામે શિવલિંગની નિશ્ચિત સમયે સ્થાપના કરવાનું નક્કી કર્યું. શ્રીરામે પવનપુત્ર હનુમાનને શિવજીના નિવાસસ્થાન કૈલાસપર્વત પર શિવલિંગ લેવા મોકલ્યા. સ્થાપનાના નિર્ધારિત સમય સુધી હનુમાનજી પહોંચી શક્યા નહિ. આથી સીતાજીએ સમુદ્રની રેતીમાંથી શિવલિંગ બનાવ્યું અને નિશ્ચિત સમયે શિવપૂજાનો આરંભ કરવામાં આવ્યો. બીજી તરફ પૂજાવિધિની સમાપ્તિના સમયે હનુમાનજી શિવલિંગ સાથે આવી પહોંચ્યા અને રેતીના શિવલિંગને જોઈને નિરાશ થઈ ગયા. પોતાના પરમ ભક્ત હનુમાનજીના ગુસ્સાને શાંત કરવા ભગવાન શ્રીરામે હનુમાનજીએ લાવેલા શિવલિંગને રેતીના શિવલિંગની બાજુમાં પ્રસ્થાપિત કરવાનો અને પ્રથમ પૂજા હનુમાનજીના શિવલિંગની જ કરવાનો આદેશ આપ્યો.
હનુમાનજી દ્વારા લાવવામાં આવેલું શિવલિંગ વિશ્વલિંગમ તરીકે ઓળખાયું
આમ, હનુમાનજી દ્વારા લાવવામાં આવેલું શિવલિંગ વિશ્વલિંગમ તરીકે અને ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું લિંગ શ્રીરામલિંગમ્ તરીકે ઓળખાયું. રામેશ્વરમ્ | જ્યોતિર્લિંગ એટલે શ્રીરામલિંગમું. આજે પણ શ્રી રામેશ્વરના મુખ્ય મંદિરમાં પ્રથમ પૂજા વિશ્વલિંગમન થાય છે. રાવણના ભાઈ અને શ્રીરામના મિત્ર બનેલા વિભીષણ દ્વારા પણ શ્રીરામલિંગમની બાજુમાં જે લિંગની સ્થાપના કરવામાં આવી હતી, તે સ્ફટિકલિંગમ્ તરીકે ઓળખાય છે.
વિવિધતામાં એકતાનાં દર્શન કરવાં હોય તો રામેશ્વરની યાત્રાએ જવું
તો આ હતી કથા શ્રી રામેશ્વરમની. રામેશ્વરમ્ તે માત્ર શિવ અને વૈષ્ણવ સંપ્રદાયોના શ્રદ્ધાળુઓની આસ્થાનું જ પ્રતીક નથી, પરંતુ વિવિધતાસભર સંસ્કૃતિ ધરાવતા ભારતને એકતાંતણે બાંધતી કડી પણ છે. કહે છે કે વિવિધતામાં એકતાનાં દર્શન કરવાં હોય તો રામેશ્વરની યાત્રાએ જવું પડે. રામેશ્વરનો સેતુ શ્રદ્ધાળુઓ કાશીમાં ગંગાજીને અર્પણ કરે છે. તામિલનાડુના દક્ષિણ ભાગમાં આવેલો રામેશ્વરમ્ એક નાનો ટાપુ છે જેનો આકાર ભગવાન વિષ્ણુએ હાથમાં ધારણ કરેલા શંખ જેવો છે. વર્તમાન સમયમાં રામેશ્વરની અન્ય ઓળખાણ આપવી હોય તો કહી શકાય કે ભારતને મિસાઇલના યુગમાં લઈ જનારા લોકપ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું ગામ શ્રી રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ એટલે રામેશ્વરમ્. રામેશ્વરનું નું ધામ હોય કે નામ હોય શ્રધાળુઓને મનની શાંતિ પ્રાપ્ત કરાવે છે.