Get The App

Shravan Special: 12 જ્યોતિર્લિંગમાં ગુજરાતમાં આવેલું બીજું જ્યોતિર્લિંગ નાગેશ્વર, શિવ-પાર્વતી અહીં બિરાજે છે નાગેશ્વર-નાગેશ્વરીના રૂપમાં

દારુકા રાક્ષસીનો નાશ અને સુપ્રિયને અભયદાનની કથા

Updated: Aug 27th, 2023


Google NewsGoogle News
Shravan Special: 12 જ્યોતિર્લિંગમાં ગુજરાતમાં આવેલું બીજું જ્યોતિર્લિંગ નાગેશ્વર, શિવ-પાર્વતી અહીં બિરાજે છે નાગેશ્વર-નાગેશ્વરીના રૂપમાં 1 - image


હિંદુ ગ્રંથોમાં જેમને સર્વોચ્ચ ગણવામાં આવ્યા છે અને જેમના ચમત્કારોથી કંઇક કેટલીએ સૃષ્ટિઓનું સર્જન થયું હશે. આ પૃથ્વી, આ પ્રકૃતિ આ આપણી અંદર રહેલો જીવ એ મહાદયાળુંનું પ્રતિબિંબ જ છે. આ મહાદયાળું સહુના પિતા છે અને દેવોના પણ દેવ છે. આ પ્રચંડ ઉર્જાનું નામ મહાદેવ છે. 12 જ્યોતિર્લિંગમાં 2 પાવન જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે ત્યારે કેવી લાગણીની અનુભૂતિ થાય? કદાચ છાતી ગદગદ થઇ જાય મન પ્રફ્ફુલિત થઇ જાય છે અને ભાગ્યની મહેર આપણા પર જ હોય એનું પરિમાણ મળી જાય. 12 જ્યોતિર્લિંગમાંના એ 2 જ્યોતિર્લિંગ એટલે સોમનાથ અને શ્રી નાગેશ્વર. શ્રી નાગેશ્વરની કથા એ વાત સિદ્ધ કરે છે કે ભોળા શંભુને પૂજતા અઘરામાં અઘરી સ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે. 12 જ્યોતિર્લિંગમાંનું આ એક જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુના વચ્ચેના માર્ગ પર આવેલું છે. શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ અહિયાં ઉમટી પડે છે. શ્રી નાગેશ્વરની કથા તમને શ્રદ્ધાવાન કરી મુકે એવી છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. અહીં શ્રીદ્વારકાધીશ ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા. 

Shravan Special: 12 જ્યોતિર્લિંગમાં ગુજરાતમાં આવેલું બીજું જ્યોતિર્લિંગ નાગેશ્વર, શિવ-પાર્વતી અહીં બિરાજે છે નાગેશ્વર-નાગેશ્વરીના રૂપમાં 2 - image

દારુકા રાક્ષસીનો નાશ અને સુપ્રિયને અભયદાનની કથા 

પ્રાચીનકાળમાં પશ્ચિમ સમુદ્રના કિનારે દારુક નામનું એક વન હતું, જેમાં દારુકા નામની રાક્ષસી તેના પતિ સાથે રહેતી હતી. દારુકાએ દેવી પાર્વતીને પ્રસન્ન કરીને તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું. વરદાન મેળવીને દારુકાને ઘણું જ અભિમાન આવી ગયું. દારુકા રાક્ષસી સોળ યોજન વનમાં રહેતી હતી. સમુદ્રના રસ્તે જતા વટેમાર્ગુઓ કે પ્રવાસીઓને દારુકા પકડીને લૂંટી લેતી અથવા મારી નાખતી. એક વખત દારુકા રાક્ષસીએ નૌકાઓની એક મોટી ટોળકીને પકડીને તમામને કેદી બનાવ્યા. આ કાફલામાં સુપ્રિય નામનો એક વણિક પણ હતો, સુપ્રિય ભગવાન શિવનો પરમભક્ત હતો અને જેલમાં પણ શિવજીના પાર્થિવ લિંગની પૂજા કરતો હતો. સુપ્રિયે બીજા કેદીઓને પણ મંત્રોનો ઉપયોગ કરી શિવજીની પૂજા કેમ કરીને કરાય તે શીખવ્યું. પરિણામ સ્વરૂપ તમામ કેદીઓ શિવપૂજન કરવા લાગ્યા. સુપ્રિયને શિવજી પર અપાર શ્રદ્ધા હતી. સુપ્રિય હંમેશાં તેના સાથીઓને કહેતો કે જેલમાં રહેવાનું થયું તેમાં શિવજીની કૃપા છે. આથી પ્રેમથી શિવજીનું ભજન અને પૂજન કરો. શિવજીની લીલાથી આમ કરવાથી સારું જ પરિણામ આવશે. દારુકા રાક્ષસીએ બંદીવાન બનાવેલા લોકો કેદખાનામાં સુખેથી રહેવા લાગ્યા. એક સમયે એક ઘટના બની. સુપ્રિય જ્યારે શિવજીનું પૂજન કરી રહ્યો હતો, ત્યારે તેને શિવજીનું સુંદર રૂપ દેખાયું. જેલની ચોકી કરી રહેલા એક રાક્ષસે પણ આ જોયું અને તેણે દારુકાને વાત કરી. તમામ રાક્ષસ સૈનિકો કેદખાનામાં એકત્ર થઈ ગયા અને સુપ્રિયને પૂછ્યું કે ‘તું સાચેસાચું બતાવ કે તું કોની પૂજા કરે છે? જો તું સાચું નહિ બોલે તો તને મારી નાખીશું.' સુપ્રિયએ  આથી ઉત્તર આપ્યો કે, હું કશું જ જાણતો નથી. આથી દારુકા વધારે ક્રોધિત થઈ અને તેણે સૈનિકોને સુપ્રિયને મારી નાખવાનો આદેશ આપ્યો આથી સુપ્રિયએ શિવજીને આ સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરી. સુપ્રિયની પ્રાર્થના શિવજીએ સાંભળી, જમીનમાંથી અચાનક જ એક સુંદર મંદિર નીકળ્યું, જેમાં જ્યોતિસ્વરૂપે ભગવાન શંકર તેમના શરીર પર સર્પ પહેરીને તેમના પરિવાર સાથે બિરાજમાન હતા . સુપ્રિયએ શિવજીને પ્રણામ કર્યા અને પછી તેમનું પૂજન કર્યું. શિવજીએ પ્રસન્ન થઈને સુપ્રિયને અભયદાન આપ્યું અને રાક્ષસોનો નાશ કર્યો. આમ, નાગભૂમિમાંથી શિવજી પ્રગટ થયા હોવાને લીધે તથા તે નાગોના ઈશ્વર હોવાને લીધે તેઓ નાગેશ્વરના નામથી પ્રસિદ્ધ થયા.

Shravan Special: 12 જ્યોતિર્લિંગમાં ગુજરાતમાં આવેલું બીજું જ્યોતિર્લિંગ નાગેશ્વર, શિવ-પાર્વતી અહીં બિરાજે છે નાગેશ્વર-નાગેશ્વરીના રૂપમાં 3 - image

નાગેશ્વર જ્યોતિર્લિંગ નામ કેવી રીતે પડ્યું 

દ્વારકા પાસેના નાગેશ્વર જ્યોતિર્લિંગના ભૌગોલિક સ્થાન અંગે શાસ્ત્રોક્ત આધાર મળી રહે તેવા નક્કર પુરાવાઓ થોડા સમય પહેલાં બહાર આવ્યા છે. ઉદાહરણ તરીકે નાગેશ્વર નામ શા માટે પડ્યું હશે? વિદ્વાનોને એક પ્રમાણ એવું પણ મળ્યું છે કે દ્વારકા ક્ષેત્રમાં આર્યોના આગમન પૂર્વે નાગોનો વસવાટ હતો. પાતાળમાં વસતા નાગ સમુદ્રમાંથી આવીને આ ક્ષેત્રમાં વસવાટ કરતા હતા. વેદોમાં પણ આવો ઉલ્લેખ જોવા મળે છે. સ્કંદપુરાણના કુમારિકાખંડનાં વર્ણનોમાં પાતાળપુરીને અતિસમૃદ્ધ મહેલો તથા અલંકારો અને રૂપવાન નાગકન્યાઓથી સભર બતાવવામાં આવી છે. આ પ્રદેશમાં વસવાટ કરતી નાગ જાતિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. દ્વારકાને કુશસ્થળી તરીકે પણ ઓળખવામાં આવે છે. યદુવંશના સ્થાપક રાજા યદુનાં લગ્ન ચૌમ્રવર્ણની પાંચ નાગકન્યાઓ સાથે થયાં હતાં. કુશસ્થળીનો રાજા રેવત પણ મૂળ રૂપે તક્ષક નાગ જ હતો, પરંતુ બ્રાહ્મણના આશીર્વાદથી તે રાજા બન્યો હતો, તેવું વિવરણ સ્કંદપુરાણાના પ્રભાસખંડમાં જોવા મળે છે. શોધકર્તાઓને નાગોના અવશેષો આજે પણ મળી રહ્યા છે. શિવપુરાણની શતરુદ્રસંહિતા અનુસાર આ પ્રદેશનું એક પ્રસિદ્ધ નામ તુંવન હતું, ત્યાં નાગોનો વસવાટ હતો. આર્યોએ ત્યાં નાગેશ્વર જ્યોતિલિંગની સ્થાપના કરી હતી.જે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન આજે પણ આપણે મનભરીને કરી શકીએ છીએ. 


Google NewsGoogle News