આ દિવસે છે શ્રાવણ મહિના પૂર્ણાહુતિ અને સોમવતી અમાવસ, જાણો પૂજાની વિધિ
Somvati Amavasya 2024 : આ વર્ષે સોમવતી અમાસનો પવિત્ર તહેવાર 2 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસ આ વખતે સોમવારે આવી રહી છે. હિંદુ ધર્મમાં સોમવતી અમાવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે, જ્યારે સોમવાર અને અમાવસ્યાનો યોગ બને છે.
આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. વિવાહિત મહિલાઓ આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે. આવો આજે શ્રાવણની પૂર્ણાહૂતિ અને સોમવતી અમાસ ક્યારે છે અને સોમવતી અમાવસ્યાનો શુભ સમય શું છે.
આ પણ વાંચો: વધુ ચિત્તા ભારત લવાશે પણ આ વખતે કૂનો નહીં અહીં બનશે તેમનું નવું ઠેકાણું, તૈયારીઓ શરૂ
સોમવતી અમાસનું મુહૂર્ત
પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાની અમાસ તિથિ 2 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 5:21 વાગ્યે શરૂ થશે. તે બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 7:24 કલાકે સમાપ્ત થશે.
સોમવતી અમાસનું વ્રત અને પૂજા વિધિ
આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરે છે અને વ્રતનો સંકલ્પ કરે છે. સૌ પ્રથમ ભગવાન ગણેશને વંદન કરો. પંચામૃત સાથે ગંગા જળથી ભગવાનનો અભિષેક કરો. હવે ભગવાનને ચંદન, અક્ષત અને ફૂલ ચઢાવો. મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. પૂજા દરમિયાન ફળ, ફૂલ અને મીઠાઈનો ભોગ ધરાવો. ત્યાર બાદ મહિલાઓ વ્રત કથા સાંભળે છે. તેઓ ભગવાન શિવ, પાર્વતી અને વિષ્ણુની પૂજા કરે છે. અંતમાં આરતી અને ભોગ લગાવીને ક્ષમા- પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સોમવતી અમાવસ્યાનો તહેવાર મહિલાઓ માટે ખાસ મહત્ત્વનો કહેવાય છે.
પૂજા માટેનો શુભ સમય
બ્રહ્મ મુહૂર્ત - 04:29 AM થી 05:14 AM
સવારની સંધ્યા - 04:51 AM થી 05:59 AM
અભિજિત મુહૂર્ત - 11:56 AM થી 12:47 PM
વિજય મુહૂર્ત - બપોરે 02:29 થી 03:19 સુધી
સંધિકાળ મુહૂર્ત - સાંજે 06:43 થી 07:06 સુધી
સાંજની સંધ્યા - 06:43 PM થી 07:51 PM
અમૃત કાલ - બપોરે 12:48 PM થી 02:31 PM
નિશિતા મુહૂર્ત - 11:59 PM થી 12:44 AM, સપ્ટેમ્બર 01
સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ
પવિત્ર સોમવતી અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય આપો. લોટના ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવો અને કીડીયારું પુરો. પીપળો, વડ, કેળા, તુલસી જેવા વૃક્ષો વાવવા જોઈએ. તેમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સોમવતી અમાસ પર કરવામાં આવેલ આ કાર્યો પિતૃઓને પ્રસન્ન કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે, સોમવતી અમાસના દિવસે મહિલાઓ ખાસ કરીને પીપળાની પૂજા કરે છે. આ એક શુભ અને ધાર્મિક પરંપરા માનવામાં આવે છે. મહિલાઓ પીપળના ઝાડની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરે છે, તેમના પરિવારની સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે.
પીપળને ભગવાન વિષ્ણુનું પ્રતીક પણ માનવામાં આવે છે
હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તેને ભગવાન વિષ્ણુનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પીપળના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરીને પૂજા કરશે અને ઝાડની આસપાસ કાચા સુતરનો દોરો વીંટાળશે. આ પ્રક્રિયાને સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે.