આખા ગુજરાતમાં આજથી એક ગીત ફરજિયાત વાગશે! એ છે શિવાનંદ સ્વામી રચિત આરતી

ગુજરાતી સાહિત્ય કોષના પ્રથમ ખંડમાં નોંધાયેલ વિગતો પ્રમાણે શિવાનંદ સ્વામી સુરતના વડનગરા નાગર હતા

શિવાનંદ સ્વામીએ આરતી, થાળ, ધૂન, ભજન-કિર્તન સહિત વિવિધ પ્રકારના સવા બસ્સો પદોની રચના કરેલ છે

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
આખા ગુજરાતમાં આજથી એક ગીત ફરજિયાત વાગશે! એ છે શિવાનંદ સ્વામી રચિત આરતી 1 - image

તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર 

આખા ગુજરાતની અનેક નવરાત્રીઓ વચ્ચે એક સામ્ય જોવા મળશે. નવરાત્રીમાં દરેક જગ્યાએ એક ગીત ફરજિયાત ગવાશે. એ ગીત એટલે શિવાનંદ સ્વામી રચિત જગદંબાની આરતી..

ગુજરાતી સાહિત્ય કોષના પ્રથમ ખંડમાં નોંધાયેલ વિગતો પ્રમાણે શિવાનંદ સ્વામી સુરતના વડનગરા નાગર હતાં. 

આરતી તો ઠેર ઠેર ગવાય છે, પણ શિવાનંદ સ્વામી ખાસ જાણીતા નથી. ગુજરાતી સાહિત્ય કોષના પ્રથમ ખંડમાં નોંધાયેલ વિગતો પ્રમાણે તેઓ સુરતના વડનગરા નાગર હતાં. તેમના જન્મ અને મરણ અંગે ચોક્કસ તારીખો મળતી નથી. પરંતુ 1550થી લઈને 1650 વચ્ચેના ગાળામાં તેઓ થઈ ગયા હોવા જોઈએ.

અનેર રચનાઓમાં તેમની સૌથી જાણીતી રચના જગદંબાની આરતી 'જય આદ્યા શક્તિ' છે.

શિવભક્તિ એ શિવાનંદનની કવિતાનો મુખ્ય વિષય હતો. આરતી, થાળ, ધૂન, ભજન-કિર્તન સહિત વિવિધ પ્રકારના સવા બસ્સો પદોની રચના કરી હતી, જેમાંથી સૌથી જાણીતી રચના જગદંબાની આરતી 'જય આદ્યા શક્તિ' છે.

જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ

અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રગટ્યા મા … ઓમ

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું

બ્રહ્મા ગુણ તવ ગાયે, હરિ ગાયે હર મા … ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા

ત્રય થકી તરવેણી, તું તારિણી મા … ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા

ચાર ભૂજા ચૌ દિશ, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા

પંચ દેવ ત્યાં સોહે, પંચે તત્વોમાં … ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો

નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા … ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી-સંધ્યા

ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા

સુર નર મુની વર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા

નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી

રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ

એકાદશી અઘનાશિની, કાત્યાયની કામા

કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા

બટુક ભૈરવ સોહે, કાળ ભૈરવ સોહે, તારા છે તુજ મા … ઓમ

તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં … ઓમ

ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા

ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા

વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા … ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં

સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ

ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી

સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે

ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો

ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ

જગદંબા ઉપરાંત હનુમાન, ગણપતિ, ભૈરવ, દ્વાદશ જ્યોતિર્લિંગ વગેરેની આરતીઓ તૈયાર કરી હતી. વિવિધ દેવી-દેવતાઓની આરતીઓ પૈકી મોટા ભાગની આરતીઓ તેમની રચના છે. જગંદબાની તેમણે રચેલી મૂળ આરતીમાં 18 કડીઓ છે. તેમનું નામ શિવાનંદ પંડયા પણ 'ભણે શિવાનંદ સ્વામી' એવા ગાયનને કારણે શિવાનંદ સ્વામી તરીકે જ પ્રચલિત થયા હતાં અને આજે પણ છે.

શિવાનંદ સ્વામીએ 35 વર્ષ સુધી રેવા કાંઠે ભક્તિ આરાધના કરી હતી. એક માન્યતા પ્રમાણે માતાજીએ તેમને પ્રત્યક્ષ દર્શન દીધા હતાં. એ પછી જ તેમના મુખમાંથી સહજ રીતે જે શબ્દો સરી પડયા હતાં એ શબ્દો એટલે આદ્યાશક્તિની આરતી.

આરતીમાં એક પંક્તિ આવે છે, 'સંવત સોળ સત્તાવન સોળસે બાવીસમાં, સંવત સોળે પ્રગટ્યાં રેવાને તીરે, ઓમ જય હો જય હો મા જગદંબે.' જે કદાચ તેમને માતાજીએ દર્શન વિક્રમ સંવત 1657માં આપ્યા હોવાની વાતને સમર્થન આપે છે.


Google NewsGoogle News