વૃશ્ચિક (ન.ય.) : આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષના પ્રારંભમાં બીમારીથી સંભાળવું પડે

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
વૃશ્ચિક (ન.ય.) : આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષના પ્રારંભમાં બીમારીથી સંભાળવું પડે 1 - image


- પત્ની સંતાનનો સાથ-સહકાર મળી રહે. સંતાનની પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થતી જાય 

વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ આપના માટે મધ્યમ રહે. ગુરૂ-રાહુનું પરિભ્રમણ મધ્યમ છે પરંતુ શનિનું પરિભ્રમણ પ્રતિકૂળ છે. અઢી વર્ષની નાની પનોતી સોનાના પાયે પસાર થઈ રહી છે જે આપને ઉચાટ-ઉદ્વેગ રખાવ્યાં કરે. હૃદય-મન વ્યગ્રતા-બેચેનીમાં રહે. તેમ છતાં કેટલાક કાર્યોનો ઉકેલ આવતાં આપને રાહત જણાય.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ ઠીક રહે. બીમારી સ્થાનમાંથી ગુરૂનું પરિભ્રમણ તેમજ હૃદય સ્થાનમાંથી શનિનું સોનાના પાયે ચાલી રહેલું પરિભ્રમણ આપને સ્વાસ્થ્ય સંબંધી કોઈને કોઈ તકલીફ આપ્યા કરે. વાયરલ-સીઝનલ બીમારીની સાથે બહારનું ખાવા-પીવામાં આપે ધ્યાન રાખવું પડે.છાતીમાં દર્દ-પીડા જણાય. શ્વાસ લેવામાં તકલીફ થાય, ગભરામણ થાય તો તરત જ દાકતરી સલાહ લઈ લેવી. બી.પી., ડાયાબીટીસની તકલીફ હોય તેમણે સાયલન્ટ હૃદય રોગના હુમલાથી સંભાળવું પડે. હૃદયમાં એક કે એકથી વધુ નળીઓમાં બ્લોકેજ આવવાથી આપે એન્જીયોગ્રાફી, એન્જીયો પ્લાસ્ટી કરાવવી પડે.મહા સુદ- ચોથ થી ચૈત્ર સુદ પૂનમ સુધીનો સમય આપે આરોગ્યની બાબતમાં વધુ ધ્યાન આપવું પડે. આ સમય દરમ્યાન જ બી.પી., ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલની તકલીફના લીધે હૃદય રોગની તકલીફ ઉભી થાય. આપની બેદરકારી-બેકાળજી આપની આપના રોગમાં વધારો કરશે અને આપની મુશ્કેલી વધારશે. જેમને પહેલેથી જ હૃદયને સંબંધીત કોઈપણ સમસ્યા હોય તેમણે આ સમય દરમ્યાન વધુ સાચવવું પડે.

 આર્થિક સુખ-સંપત્તિ

વર્ષના પ્રારંભે આપને કોઈને કોઈ ખર્ચાઓ આવ્યા કરે. સાસરીપક્ષ- મોસાળપક્ષ બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. નાની-મોટી કોઈને કોઈ બીમારીમાં અટવાયા કરો અને તેના લીધે આપને ખર્ચ જણાય. રાજકીય સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપના ખર્ચમાં વધારો જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપને ખર્ચ જણાય. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ આપને રાહત થતી જાય. આકસ્મિક ખર્ચાઓ અટકતા, ખોટા ખર્ચાઓ બંધ થતાં આપને હળવાશ અનુભવાય. ધંધામાં પણ ઘરાકી આવતા આવક થતી જાય. આપના નાંણાકીય આયોજન મુજબ થઈ શકે. બચત થતી જાય. જૂના ઉઘરાણીના નાંણા છૂટા થાય.

નોકરીની સાથે અન્ય કામ કરવાથી આવકમાં વધારો જણાય. નોકરીમાં બઢતી થવાથી પણ આવક વધતાં આપને રાહત અનુભવાય. ૧૩ ફેબુ્રઆરીથી ૨૩ એપ્રિલ દરમ્યાન માતૃ-પિતૃના આરોગ્ય-આયુષ્ય બાબતે ચિંતા-ખર્ચ જણાય. કોઈ વડીલ હોય તો તેમની પાછળ પણ ખર્ચ રહે.

૨૬/૮ થી ૨૦/૧૦ દરમ્યાન આપને આકસ્મિક કોઈ બીમારી આવી જવાને લીધે ખર્ચ રહે. સાસરીપક્ષમાં- મોસાળપક્ષમાં બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ આ સમય દરમ્યાન આવી જાય.ટૂંકમાં આર્થિક સુખ-સંપતિની દ્રષ્ટિએ આપનું આ વર્ષ મધ્યમ રહેશે. તેથી આપે નાંણાકીય આયોજન સમજી-વિચારીને કરવું. આપના આયોજનમાં આકસ્મિક ખર્ચાઓની જોગવાઈ રાખવી.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય !

નોકરીમાં વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ મધ્યમ રહે. આપને સહકાર્યકર વર્ગ- નોકર-ચાકરવર્ગની તકલીફ અનુભવાય. હરીફવર્ગ આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ આપના કામમાં રૂકાવટ-મુશ્કેલી ઊભી કરવાના પ્રયત્નો કરે. અન્ય કોઈની ભૂલના ભોગ તમારે બનવું પડે. વર્ષ દરમ્યાન વાણીની સંયમતા રાખીને ચૂપચાપ પોતાનું કામ કરી લેવું. કોઈની સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહિં.વર્ષની મધ્યથી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપને થોડી રાહત થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જાય. તેમ છતાં સોનાના પાયે ચાલી રહેલો શનિ આપને મુશ્કેલીમાં મૂકે. આપ હરોફરો કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ રાહત જણાય નહિં. ઉપરીવર્ગ આપના કામથી નાખૂશ રહે. જેના લીધે વારંવાર આપે તેમના ઠપકાનો ભોગ બનવું પડે. 

મહા સુદ ચોથથી ચૈત્ર સુદ પૂનમ સુધીનો સમય વધુ મુશ્કેલીવાળો રહે. આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થાય નહિ. મહત્વના નિર્ણયો લેવામાં અગત્યના કાગળો પર સહી કરવામાં આપે ઉતાવળ કરવી નહિં. શાંતિથી વિચાર-વિમર્શ કર્યા બાદ કોઈ નિર્ણય લેવો અને યોગ્ય રીતે જોઈ તપાસીને કાગળો ઉપર સહી કરવી. ઘર-પરિવારની, માતાની ચિંતાને લીધે કામમાં મન લાગે નહિં. નોકરી પર જાવ તો ઘરના વિચારો આવ્યા કરે અને ઘરે રહો તો નોકરીના વિચારો આવ્યા કરે.

 ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વર્ષના પ્રારંભથી ધંધામાં આપને કોઈને કોઈ મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં આપના હરીફવર્ગ, આપના ગ્રાહકને તોડવાના પ્રયાસ કરે અને તેમાં સફળ પણ થાય. જૂની ઉઘરાણીનાં નાણાં ફસાઈ જવાથી નાણાંભીડનો અનુભવ થાય. ખાણીપીણીના ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહિ. સરકારી ખાતાકીય કાર્યવાહીમાં ફસાઈ જાય નહિ તેની તકેદારી રાખવી. શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ આપના હરીફવર્ગને બળ પૂરું પાડે. આપના યશ-પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું બને.

તા. ૧/૫/૨૪ થી ગુરૂનું પરિભ્રમણ થોડું સુધરતા આપને રાહત થતી જાય. કેટલાક મહત્વના ઓર્ડરો પૂરાં થતાં નાણાં છૂટા થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. પરંતુ સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં આપે વાદ-વિવાદ, મનદુ:ખથી સંભાળવું પડે. ધંધાકીય કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આપે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યા વગર  જેમની પર વિશ્વાસ હોય તેવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણા કરીને આગળ વધવું.

૧૩ ફેબુ્રઆરીથી ૨૩ એપ્રિલના સમયગાળા દરમ્યાન ધંધાકીય રીતે કોઈને કોઈ મુશ્કેલીઓ આવ્યા કરે. એક મુશ્કેલીમાંથી બહાર આવો ના આવો ત્યાં બીજી મુશ્કેલી આવી ચઢે. ઘરાકી બંધ થઈ જતાં કોઈએ ધંધો બાંધી દીધો છે તેવાં વિચારો આવ્યા કરે. આવકનું પ્રમાણ નહિવત થઈ જતાં ઘરખર્ચ કેવી રીતે કાઢવો તેની મૂંઝવણ સતાવ્યા કરે. હરીફવર્ગ, ઈર્ષ્યા કરનાર વર્ગ સાથે વાદવિવાદથી દૂર રહેવું. રાજકીય સરકારી રીતે કોઈ નેતા, અધિકારીના દ્વેષના ભોગ ના બનવું પડે તેની તકેદારી રાખવી પડે.

જેઠ સુદ આઠમની અષાઢ સુદ દસમ સુધીના સમયગાળામાં કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોના લીધે ધંધામાં ધ્યાન આપી શકો નહિ. કામના તણાવ દબાણની અસર આપના સ્વાસ્થ્ય પર પડે અને આપે ફરજિયાત આરામ કરવો પડે. આ સમયગાળા દરમ્યાન નાણાંકીય જોખમો વધારવા નહિં.શ્રાવણ વદ આઠમથી વર્ષના અંત સુધીના સમયમાં આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહિ. વિચારોની દ્વિધા અસમંજસતાને લીધે યોગ્ય નિર્ણય લેવામાં તકલીફ અનુભવાય. વાત કરતાં-કરતાં કે વાહન ચલાવતાં વિચારે ચઢી જાવ એવું બને.

સ્ત્રીવર્ગ

વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ આરોહ-અવરોહમાં પસાર થાય. વર્ષના પ્રારંભથી જ આપને સંતાનની બાબતમાં કોઈને કોઈ ચિંતા રહ્યા કરે. તેના આરોગ્ય, અભ્યાસ, કારકીર્દી, વિવાહ-લગ્ન બાબતે બેચેની-વ્યગ્રતા રહ્યા કરે. વર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ-તેમ થોડી રાહત થતી જાય. પતિ-સંતાનનો સાથ-સહકાર મળતો થાય. અવિવાહિત- વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. પતિ સાથે વાદ-વિવાદ, ગેરસમજ, મનદુ:ખ થયું હોય તો તે દૂર થાય. સમાધાનના સંજોગો ઉભા થાય. પરદેશના કામમાં સરળતા રહે. વ્યવસાયી મહિલાઓને ઘર-પરિવારની જવાબદારીના લીધે નોકરી-ધંધામાં એકધારું ધ્યાન આપવામાં તકલીફ અનુભવાય.

વર્ષ દરમ્યાન માતાના આરોગ્ય, આયુષ્યની ચિંતા રહ્યા કરે. આપે પણ આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે. શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ જેવું લાગે તો તરત જ દાકતરી સલાહ લઈ લેવી. વધુ પડતો તણાવ, બી.પી., ડાયાબીટીસની તકલીફના લીધે હૃદય સંબંધિત મુશ્કેલી ઊભી થાય. 

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ વર્ષના પ્રારંભથી અભ્યાસ અંગેનો યોગ્ય આયોજન કરી મહેનતની શરૂઆત કરવી. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહિં. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં, મોજમજા કરવામાં વર્ષ બગડે નહિં તેનું ધ્યાન રાખવું. વ્યસની ખરાબ સંગતવાળા મિત્રોથી દૂર રહેવું. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહિં. પરીક્ષા સમયે બિમારી અકસ્માતથી સંભાળવું પડે. તેથી છેલ્લી ઘડીની મહેનત પર આધાર રાખવો નહિં. મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે તેથી વર્ષના પ્રારંભથી જ એક ચોક્કસ ધ્યેય નક્કી કરી તે પ્રમાણે મહેનત કરવી. કારકીર્દીનું વર્ષ હોય તેમને આગલા વર્ષોની મહેનત પર પાણી ના ફરી વળે તેની તકેદારી રાખવી પડે.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વર્ષ આરોહ-અવરોહનું જાય. વરસાદી ખેતી પર આધારિત રહેનારે વરસાદ ના પડે તો શું કરવું તેની પૂર્વતૈયારી કરી રાખવી. ખેતમજૂરો પાસે કામ કરાવનારે મજૂરવર્ગની સમસ્યા રહ્યા કરે. ભાગમાં ખેતી કરનારે વાદ-વિવાદથી સંભાળવું પડે. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરનારે ખાતરના ઉપયોગમાં ધ્યાન રાખવું પડે. કેમીકલની આડઅસર ન થાય તેનું ધ્યાન રાખવું. રાજકીય, સરકારી લાભ સમયસર ન મળતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. વર્ષ પસાર થતું જાય તેમ થોડી રાહત થતી જાય. પત્ની-સંતાન આપને મદદરૂપ થવાના પ્રયત્નો કરે. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નનું નક્કી થાય. ખેતીની સાથે નોકરી-ધંધો કરી આવક વધારવાનું વિચારનારને કોઈ તક પ્રાપ્ત થાય. પરંતુ લોભ-લાલચમાં આવી જઈને ઉતાવળમાં ક્યાંય ફસાઈ ના જાવ તેનું ધ્યાન રાખવું પડે. શ્રાવણથી ભાદરવા માસ દરમ્યાન ખેતરમાં કામ કરતાં ઝેરી જીવાત, જીવજંતુ કરડી ના જાય તેની તકેદારી રાખવી. 

ઉપસંહાર

ટૂંકમાં સંવત ૨૦૮૦ નું વર્ષ આરોહ-અવરોહમાં પસાર થાય. આપે સમય-સંજોગો, પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈને આગળ વધવું. ક્યારેક કામમાં સાનુકૂળતા જણાય તો ક્યારેક પ્રતિકૂળતા અનુભવાય. વર્ષના પ્રારંભમાં મોસાળપક્ષ, સાસરીપક્ષની ચિંતા રહે. ખર્ચ અનુભવાય. શનિના પ્રતિકૂળ પરિભ્રમણના લીધે સમગ્ર વર્ષ દરમ્યાન માતાના આરોગ્ય આયુષ્યની ચિંતા રહ્યા કરે. આર્થિક સુખસંપતિની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ ઠીક રહે. આકસ્મિક ખર્ચાઓ જણાય. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં રાહત થતી જાય.   આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષના પ્રારંભમાં વાયરલ, સીઝનલ, બીમારીથી સંભાળવું પડે. પરંતુ હૃદય સંબંધિત કોઈપણ સમસ્યા જણાય તો સહેજ પણ બેદરકારી રાખવી નહિં.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષેનો પ્રારંભ મધ્યમ રહે. સંતાનના અભ્યાસ-આરોગ્ય-કારકિર્દીની ચિંતા આપને સતાવ્યા કરે. માતા-પિતાના આરોગ્ય-આયુષ્ય અંગે આપને ચિંતા-વ્યગ્રતા રહ્યા કરે.

 ઘરમાં, મોસાળપક્ષ- સાસરીપક્ષે કોઈ વડીલ હોય તો તેમના મૃત્યુથી આપને દર્દ-પીડા રહે.

પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થતું જાય તેમ-તેમ આપને રાહત થતી જાય. પત્ની સંતાનનો સાથ-સહકાર મળી રહે. સંતાનની પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થતી જાય અવિવાહીત સંતાનના વિવાહ-લગ્નનું ગોઠવાઈ જતાં આપને આનંદ-ઉત્સાહ અનુભવાય. 

પત્ની સાથેના વાદ-વિવાદ- ગેરસમજ- મનદુ:ખનો અંત આવે. સમાધાન થાય.

Scorpio

Google NewsGoogle News