શ્રાવણ સોમવાર 2020 : જાણો, શિવ પૂજાના મહત્ત્વ વિશે...
- શ્રાવણ સોમવારે શિવ પૂજા કરવી, જ્યોર્તિલિંગના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે
નવી દિલ્હી, તા. 27 જુલાઇ 2020, સોમવાર
શ્રાવણ માસ આવતા જ પૃથ્વી લીલા રંગની ચાદર ઓઢી લે છે અને ભક્તો શિવમય બની જાય છે. શ્રાવણ જ એક એવો મહિનો છે જ્યારે કૃષ્ણ ગોપીઓ સાથે તથા શિવ તમામ દેવતાઓ સાથે પૃથ્વી પર હોય છે. દેવરાજ ઇન્દ્ર શિવ પર નિરંતર રિમઝિમ વર્ષાથી શીતળતા પ્રદાન કરે છે. શ્રાવણમાં શિવપૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક, શિવ નામનો જાપ, શિવ પુરાણનો પાઠ કરવો અથવા શિવ કથા સાંભળવી, દાન-પુણ્ય કરવું તથા જ્યોર્તિલિંગના દર્શન કરવા અતિશુભ માનવામાં આવે છે.
શ્રાવણ માસનું મહત્ત્વ
શ્રાવણ મહિનાના દરેક પ્રહર ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા સતીએ જ્યારે બીજા જન્મમાં પર્વતરાજ હિમાલયની પુત્રીના રૂપમાં જન્મ લીધો ત્યારે ફરીથી મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે શ્રાવણ માસનું વ્રત કર્યુ અને શિવને પતિ સ્વરૂપે મેળવ્યા હતા. કુંવારી કન્યાઓ દ્વારા શ્રાવણ માસમાં વ્રત કરવાથી ઇચ્છિત વર પ્રાપ્ત થાય છે અને પરણિત મહિલાઓનું સુહાગ સુખ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે.
શ્રાવણમાં શિવલિંગની પૂજાનું મહત્ત્વ
શ્રાવણમાં શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના નવગ્રહ દોષ તો શાંત થાય છે વિશેષ કરીને ચંદ્રજનિત દોષ જેવા કે માનસિક અશાંતિ, માતાનું સુખ અને સ્વાસ્થ્યમાં કોઇ તકલીફ, મિત્રો સાથેના સંબંધ, મકાન-વાહનના સુખમાં વિલંબ, હૃદયરોગ, નેત્ર વિકાર, ચામડીનો રોગ, શ્વાસનો રોગ, કફ, શરદી, નિમોનિયા સંબંધિત રોગથી મુક્તિ મળે છે અને સમાજમાં માન પ્રતિષ્ઠા વધે છે.
પરણિત મહિલાઓ આ રીતે કરે શિવ પૂજા
પરણિત મહિલાઓએ શ્રાવણ સોમવારે માતા પાર્વતીને શ્રૃંગાર માટે મહેંદી ચઢાવવી જોઇએ. પુરુષોએ પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી સ્નાન કરાવીને બીલી પત્ર પર અષ્ટગંધ, કુમકુમ અથવા ચંદનથી રામ-રામ લખીને ૐ નમ: શિવાયનો જાપ કરતા શિવલિંગ પર અર્પણ કરવું જોઇએ. આ ઉપરાંત ભાંગ, ધતૂર બીલી પત્ર, મંદાર પુષ્ય તથા ગંગાજળ પણ અર્પણ કરી શકો છો, 'કાળ હરો હર, કષ્ટ હરો હર, દુખ હરો, દરિદ્ર હરો, નમામિ શંકર ભજામિ શંકર શંકર શંભો તવ શરણં.' મંત્રથી પ્રાર્થના કરવી જોઇએ.
શિવલિંગ પર ભાંગ, મંદાર, બીલી પત્ર, ધતૂરા અને શમી પત્ર ચઢાવવાના ફાયદા
દરરોજ શિવલિંગ પર બીલી પત્ર ચઢાવવાથી બિઝનેસ અને સામાજિક પ્રતિષ્ઠા વધે છે. ભાંગ અર્પણ કરવાથી પ્રેત તથા ચિંતા દૂર થાય છે. મંદાર પુષ્પથી નેત્ર અને હૃદયનો વિકાર દૂર થાય છે. શિવલિંગ પર ધતૂરાના ફૂલ અથવા ફળ અર્પણ કરવાથી ઝેરી જીવોનું જોખમ સમાપ્ત થાય છે. શમી પત્ર ચઢાવવાથી શનિના સાડાસાતી, મારકેશ તથા અશુભ ગ્રહ-ગોચરથી હાનિ પહોંચતી નથી. એટલા માટે શ્રાવણના એક-એક ક્ષણનો સદુપયોગ કરો. અને ત્રિવિધ તાપથી મુક્તિ મેળવો.