શનિ અમાસ અને સૂર્યગ્રહણ: પનોતીના કારણે આજથી આ 5 રાશિના જાતકો થશે પરેશાન
Saturn Transit In Pisces Effect: 29 માર્ચે શનિ અમાવસ્યા છે અને ત્યારે જ શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે શનિના આ બદલાવથી ગંભીર અસરો થવાની છે . શનિ અને સૂર્ય ગ્રહ એક રાશિમાં ટકરાશે . કેમકે, શનિના મીન રાશિ પ્રવેશ સમયે મીન રાશિમાં સૂર્ય સહિત ચાર ગ્રહો ભ્રમણ કરી રહ્યા છે, તેની સાથે પંચગ્રહી યુતિ યોગ કરશે. આ પ્રકારના યોગ જ્યોતિષ ગણના અનુસાર 57 વર્ષ પછી મીન રાશિમાં થશે.
શનિ ગ્રહની બદલાતી ચાલની દેશ પર પણ શુભાશુભ અસર જોવા મળશે. આઝાદ ભારતની વૃષભ લગ્ન કુંડળીમાં આ શનિ અગિયારમા સ્થાનમાં ભ્રમણ કરશે, જે દેશ માટે અનેક સંકેતો આપે છે . જેના ભાગરૂપે મિત્ર દેશો સાથેના સબંધમાં ચઢાવ-ઉતાર આવે તેમજ પડોશી દેશ દ્વારા પણ કોઈ વિશ્વાસઘાતનો સામનો કરવો પડી શકે છે. આ યોગમાં સૂર્ય અને ચંદ્ર જેવા શનિના શત્રુ ગ્રહો છે, જે સત્તા અને રાજકારણ માટે મોટી ઉથલપાથલના યોગ બતાવે છે તેમજ સત્તાધીશો માટે સૂર્ય શનિનો આ યોગ વિશ્વાસઘાતના યોગ બનાવે છે.
શનિની પંચગ્રહી યુતિ અગાઉ 1968માં થઈ હતી. તેની અસર સામાજિક, રાજકીય, આર્થિક અને કુદરતી સ્વરૂપોમાં દેખાશે. આ સમય વિવિધ રાશિના લોકો માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. ખાસ વાત એ છે કે, આ દિવસે શનિનો ઉદય પણ થઈ રહ્યો છે. શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં ગોચર કરે છે. આ દિવસોમાં શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, તે 29 માર્ચે શનિ અમાવસ્યાના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે.
શનિના મીન રાશિના પ્રવેશ સાથે જ અનેક રાશિની પનોતીના પાયા બદલાશે. કોઈ જાતકની પનોતી ઉતરશે કોઈની પનોતી શરુ થશે, કોઈના પાયા બદલાશે તો કોઈકને શુભ કોઈને અશુભ અસરો થશે. આ બધી અસર ગાઢ રહેવાની છે. કેમકે, શનિ રાશિ પરિભ્રમણનો આ યોગ અમાસના દિવસે થાય છે એટલે આને વધુ પ્રબળ મનાય છે સાથે આ જ સમયે શનિ તેના શત્રુ ગ્રહ એવા સૂર્ય ચંદ્ર સાથે પણ અશુભ યોગ રચવાનો છે.
કઈ રાશિ પર શું અસર થઈ શકે..
મેષઃ સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે માથા પરથી પસાર થશે, જે શારીરિક-માનસિક-આર્થિક તકલીફો લાવે, કષ્ટદાયી સમય ગણાય. મોટા નિર્ણયો ન લેવા શાંતિથી કાર્ય કરવું, ઉતાવળ ન કરવી. વધુ મોટા સાહસોથી બચવું.
વૃષભ: ખૂબ મોટા લાભ અપાવશે. વેપાર ધંધા નોકરી અને કાર્યોમાં પ્રગતિ થશે, સારા આર્થિક લાભ થશે સમાજમાં ઉન્નતિ થશે નામ બનશે.
મિથુન: સ્વાસ્થ્યમાં સુધારો થશે, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે, નાણાકીય સ્થિતિ સારી રહેશે.
કર્ક: શનિની અઢી વર્ષની પનોતી ઉતરે છે. રોકાયેલા કાર્યો પૂરા થશે. મિત્રો દ્વારા નફાકારક પરિસ્થિતિ બનશે, વ્યવસાયમાં આગળ વધી શકશો.
સિંહ: અઢી વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરુ થશે. જે કષ્ટદાયક ગણાય. વધુ પરિશ્રમ કરાવે. આંતરિક-શારીરિક-આર્થિક તકલીફો આવે. ઉતાવળે કરેલા કાર્યો નુકસાન કરાવે.
કન્યા: મિત્રો અને સંબંધીઓ મદદ માટે આગળ આવશે, નોકરી- વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ સારી થશે.
તુલાઃ વેપાર-ધંધા-નોકરી અને કોર્ટ કચેરીમાં સફળતા. રોગમાં ઉપચાર થાય, સમાજમાં ઉચ્ચ પદનો લાભ મળશે.
વૃશ્ચિક: સહાયક ક્ષેત્રોમાંથી નફા અને કાર્યના રસ્તા ખુલશે, નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે.
ધન: અઢી વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરુ થશે. જે કષ્ટદાયક ગણાય. શારીરિક-માનસિક તેમજ આર્થિક રીતે નાની મોટી તકલીફો આપે. મોટા સાહસથી બચવું. આર્થિક આયોજન કરવું.
મકર: આકસ્મિક લાભ, નોકરી-ધંધામાં લાભ, મિત્ર તેમજ ભાઈ ભાડુંનો સાથ સહકાર મળે, ધન લાભના યોગ બને.
કુંભ: સાડાસાતી પનોતીનો ત્રીજો અને છેલ્લે તબક્કો રૂપાના પાયે પગ પરથી પસાર થાય. જે માનસિક-શારીરિક તકલીફો રાખે. ધનલાભના યોગ ઊભા થાય.
મીન: સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થાય. જે ચિંતા ઉપજાવે. આંતરિક માનસિક અશાંતિ આપે. મોટા સાહસોથી બચવું.
શનિની પનોતીમાં એક નેતા બે વાર મુખ્યમંત્રી બનેલા
જ્યોતિષીઓના મતે શનિની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે. શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન, સારી ફેર બદલી, કામમાં પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે. જેના કારણે પનોતીના કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે.
કેમકે, આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છે, જે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે. ગુજરાતના એક મુખ્યમંત્રી શનિની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા હતા.
કઈ રાશિને કયા તબક્કાની પનોતી...
- કર્ક અને વૃશ્ચિક રાશિને નાની પનોતી અઢી વર્ષની અને મકર રાશિની સાડાસાતી પૂર્ણ થશે.
- સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની પનોતી શરુ થશે.
- કુંભ રાશિને સાડાસાતીનો ત્રીજો તબક્કો, મીન રાશિને સાડાસાતીનો બીજો તબક્કો, મેષ રાશિને સાડાસાતીનો પ્રથમ તબક્કો શરુ થશે.
શનિનું ભ્રમણ દરેક રાશિને પાયાના આધારે પણ ફલાદેશમાં ગણતરીમાં લેવાતું હોય છે, જે મુજબ મીન રાશિના શનિના ભ્રમણ મુજબ છે...
- વૃષભ, તુલા, મીન રાશિને સોનાનો પાયો.
- મિથુન, કન્યા, મકર રાશિને તાંબાનો પાયો.
- કર્ક, વૃશ્ચિક, કુંભ રાશિને ચાંદીનો પાયો.
- મેષ, સિંહ, ધન રાશિને લોઢાનો પાયો ગણતરીમા આવશે. કુંડળીમા ગ્રહોની સ્થિતિ, દશા વગેરે પણ ઘ્યાનમાં લેવા હિતાવહ ગણાતા હોય છે.
પનોતીથી સારી કે ખરાબ અસર અચૂક થાય
શનિદેવ માટે ખાસ તો એવું કહેવાય છે કે પનોતી થાય એટલે તેની સારી કે ખરાબ અસર અચૂક થાય એમ જણાવતા જ્યોતિષી ચેતન પટેલે ઉમેર્યું કે ઘણીવાર તાંબા કે ચાંદીના પાયાના હિસાબે આર્થિક રીતે લાભ થાય છે પણ માનસિક ચિંતા અને બેચેની તો અચૂક રહ્યા કરે. આ જ શનિનો પ્રભાવ છે. જેના કારણે જો પાયા પણ શુભ હોય તો પણ નિવારણ કરવું અનિવાર્ય છે, જેથી અશુભતાથી બચાવ થાય છે અને શુભમાં વૃદ્ધિ થાય છે.
જે લોકો શનિની મોટી પનોતી સાડાસાતી કે અઢી વર્ષની નાની પનોતીના પ્રભાવમાંથી પસાર થઈ રહ્યા છે, તેમણે સતત શનિદેવની પૂજા કરવી જોઈએ.
સોના-ચાંદીના ભાવ તેજી તરફી...
જ્યોતિષશાસ્ત્રમાં શનિ + રાહુની યુતિને અશુભ શ્રાપિત યોગ કહેવાય છે, જે ઉતાર ચઢાવ વધુ આપે છે. શેરબજારમાં ઉતાર-ચઢાવ દરમિયાન થોડીક તેજી દર્શાવે છે. સોના-ચાંદીમાં પણ વધ-ઘટ દરમિયાન ભાવ તેજી તરફી કહી શકાય, એગ્રો કોમોડિટીમાં એરંડા, તલ, સરસવ, મરચાં, મરી, ધાણા જેવી ચીજમાં ભાવ થોડો વધે તેવું બની શકે છે.