Get The App

ધન : ધંધામાં આયોજનપૂર્વક સાહસ કરશો તો સફળતાની સીડી ચડી શકશો

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
ધન : ધંધામાં આયોજનપૂર્વક સાહસ કરશો તો સફળતાની સીડી ચડી શકશો 1 - image


- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર 

ક્રાંતિવૃત્તના ૨૪૦થી ૨૭૦ અંશ સુધીના ભાગમાં ધન રાશિ આવે છે. મૂળ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર ધન રાશિમાં સ્થાન પામે છે. અગ્નિ તત્ત્વની આ દ્વિ-સ્વભાવ રાશિ છે. તે પૂર્વ દિશામાં બળવાન બને છે. તેનું ચિહ્ન ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ છે. અર્ધમાનવના હાથમાં તીર-કમાન છે. આ ક્ષત્રિય વર્ણની રાશિના સ્વામી ગુરુ છે. ધન રાશિના જાતકો મોટે ભાગે ધામક હોય છે. સ્વભાવે ગરમ હોય છે. પિત્ત પ્રકૃતિ ધરાવે છે. તેમનામાં આળસ જોવા મળે છે, પરંતુ અગ્નિ તત્ત્વની રાશિ હોવાના કારણે આ જાતકો પૂરી મહેનતથી કામ કરે છે અને હાથમાં લીધેલું કામ પૂરું કરીને જંપે છે. શરત એટલી જ છે કે કામ તેમને ગમવું જોઈએ. જ્યાં સુધી મનપસંદ કામ ન મળે ત્યાં સુધી તેઓ આળસ કર્યા કરશે. ધ્યેયપ્રાપ્તિ તેઓ પૂરી તાકાત લગાવી દે છે. તેમના જીવનનું ધ્યેય નક્કી જ હોય છે. જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેમનો શારીરિક રીતે સામાન્યપણે મજબૂત હોય છે. વફાદારી અને પરગજુપણું એમનાં શુભ ગુણો છે. તેમને ચેલેન્જ ઉપાડવી ખૂબ ગમે છે. ધર્મ પ્રત્યે રુચિ હોવાને કારણે તેઓ પૂજાપાઠ અને મંત્ર આરાધના કરે છે. પરિણામે તેઓ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અલબત્ત, સિદ્ધિ મેળવ્યા પછી જો તેઓ ફરી સાંસારિક મોહમાયામાં પડી જાય તો ધીરે-ધીરે આ સિદ્ધિઓ નષ્ટ પણ પામી શકે છે. 

તબિયતના મામલામાં કાળજી રાખવી પડશે. તબિયતની ગરબડના કારણે માનસિક અશાંતિનો ભોગ બનવું પડે

યુવરાજ સિંહ 12 ડિસેમ્બર

રજનીકાંત 12 ડિસેમ્બર

તમન્ના ભાટીયા 21 ડિસેમ્બર

શરીર - મન - સ્વાસ્થ્ય 

ચોથા સ્થાનમાંથી મીન રાશિનો ભ્રમણ કરતો શનિ દસમી દ્રષ્ટિથી દેહભુવન પર દ્રષ્ટિ કરશે. તેથી ધન રાશિના જાતકોએ તબિયતના મામલામાં થોડીઘણી કાળજી રાખવી પડશે. તબિયતની ગરબડના કારણે માનસિક અશાંતિનો ભોગ બનવું પડે. કર્ક રાશિનું ગુરુ ઓક્ટોબર- નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન આયુષ્ય સ્થાનમાંથી પસાર થાય છે. આ સમય દરમિયાન શારીરિક અને માનસિક સ્તરે બેધ્યાન રહેવું જોઈએ નહીં. જો થોડી ઘણી શારીરિક કે માનસિક અશાંતિનો અહેસાસ થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી આપના માટે હિતાવહ રહેશે. ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર આ ત્રણ મહિના દરમિયાન મેડિકલ ચેકઅપ કરાવીને યોગ્ય દવા કરવામાં આવશે તો સુડીનો ઘા સોયથી જશે.

મારું ઘર મારો પરિવાર 

ચોથા સ્થાન એટલે કે સુખસ્થાનનો અધિપતિ ગ્રહ ગુરુ મહારાજ મેં-૨૦૨૫થી સાતમા સ્થાનમાં એટલે કે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન કોઈ પ્રકરાની પારિવારિક નુકસાનીના યોગ બનતા નથી. કર્ક રાશિનો ગુરૂ પરિવાર સ્થાનને જોતો હોવાથી પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થાય આવું બને. પરિવાર સાથે પરદેશ જવાના, લાંબી મુસાફરીના તેમજ ધામક મુસાફરીના પ્રબળ યોગ છે. 

પ્રેમ - લગ્ન - સંતતિ 

લગ્ન કરવા ઈચ્છુક ધન રાશિની વ્યક્તિઓ માટે સાતમો ગુરૂ ખૂબ સારી સફળતા અપાવે તેવા યોગ બને છે. ત્રીજા સ્થાનમાંથી કુંભ રાશિનો રાહુ તમને નવું સાહસ કરવા પ્રેરશે. તમે પ્રેમલગ્ન માટે આયોજન કરી શકો છો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતાં દંપતીઓને આ સમય શુભ ફળ આપી શકે તેમ છે. 

ભણતર અને ગણતર 

ધન રાશિના જાતકોને વિદ્યાભ્યાસ દરમિયાન કોઈ ખાસ વિઘ્નો આવે એવું લાગતું નથી. જેવી મહેનત કરશો એવું ફળ તમને મળશે. ડિગ્રી કોર્સમાં જો અભ્યાસ કરતા હશો ને તમારો પરિશ્રમ પણ પૂરતો હશે તો ગુરૂ મહારાજ વધારે સારી સફળતા અપાવશે. શનિનું કામ મહેનત કરાવવાનું છે. ચોથા સ્થાનમાંથી શનિ મહારાજ દસમા સ્થાન પર સાતમી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, તેથી જે-તે કાર્ય મહેનત તો માગી જ લેશે.

નોકરી - ધંધો - કરીઅર 

શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિથી નોકરીના સ્થાનને જોઈ રહ્યા છે, તેથી આ રાશિના જાતકોએ સહકર્મચારીઓ કે ઉપરી અધિકારીઓ સાથે જીભાજોડી યા તો વાદવિવાદ કરવા નહીં. નોકરી સિવાય બીજા કોઈ વિકલ્પ ન હોય તો શાંતિથી ફરજ બજાવવી. જે જાતકો ધંધા સાથે સંકળાયેલા છે તેમને આ શનિ મહારાજ મહેનત તો કરાવશે જ, પરંતુ ત્રીજા સ્થાનમાંથી રાહુનું ભ્રમણ નવા સાહસ કરવા માટેના યોગ ઊભા કરે છે. તેથી ધન રાશિના જાતકો જો ધંધામાં નવું સાહસ કરીને નવાં આયોજન કરશે તો સફળતાની સીડી ચડી શકશે. 

પૈસા યે પૈસા 

મિથુન રાશિનો ગુરુ સાતમા સ્થાનમાંથી પસાર થતો હોવાથી પબ્લિક રિલેશનમાં વૃદ્ધિ થાય. તમે નવાં નવાં આયોજનો કરી શકો અને તેના થકી તમને આથક લાભ થાય. ફરે તે ચરે આ નિયમને ધ્યાનમાં રાખીને જેટલા વધારે લોકોને મળવાનું રાખશો તેટલું વધારે સારૃં આયોજન કરી શકશો ને આ રીતે તમારૃં આથક પાસું પણ મજબૂત બનતું જશે. ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર આ ત્રણ મહિના દરમિયાન આથક લાભો વિશેષ પ્રમાણમાં મળશે તેવું જણાય છે.  

વાહન અને જમીન  

વાહન લેવા ઇચ્છતા ધન રાશિના જાતકો માટે આ સમયે ખૂબ સારો છે. તમારી કાર ખરીદવાની ઇચ્છા પૂરી થઈ શકે છે. ઘર, ઓફિસ કે જમીનની બાબતોમાં પણ ખરીદીની ઇચ્છા રાખતા હશો તો ગ્રહ બળના આધારે આ વર્ષે તમારી આ ઇચ્છા પણ પૂરી થઈ શકે છે. જૂનું મકાન ખરીદનારાઓને પણ ખૂબ ફાયદો થાય.

નારી તું નારાયણી 

ધન રાશિની બહેનોમાં સાહસની પ્રકૃતિ પહેલેથી જ રહેલી હોય છે. પરાક્રમ ભુવનમાંથી પસાર થતા રાહુ મહારાજ કંઇકના કંઈક નવાં સાહસ કરાવે તેવા યોગ આ રાશિની બહેનોના બને છે. લગ્ન કરવા ઇચ્છતી બહેનો માટે સમય સારો છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખવાવાળી બહેનો માટે આ સમય વધારે અનુકૂળ છે. નોકરી કરતી બહેનોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી હિતાવહ રહેશે. બોલીને બગાડવું નહીં. બસ, આ એક વાતનું ધ્યાન રાખજો. 

વિશેષ ઉપાય 

મિથુન રાશિનો ગુરૂ સાતમા સ્થાનમાંથી શત્રુક્ષેત્રી થઈને પસાર થતો હોવાથી ૨૦૨૫માં ગુરુની ઉપાસના ધન રાશિના જાતકો માટે ખૂબ સારું પરિણામ આપશે. કર્ક રાશિનો ગુરૂ આઠમા સ્થાનમાંથી પસાર થતો હોવાથી પણ ગુરૂની ઉપાસના-પૂજા-અર્ચના કરવાથી સુડીનો ઘા સોયથી ટળશે. ગુરૂની ઉપાસના માટે મંદિરોમાં દર્શને જવું, દાન પણ આપવું. 


Google NewsGoogle News