Get The App

આ તારીખે યોજાશે રુપાલની પલ્લી, અહીંથી રામને મળ્યું હતું રાવણને મારવાનું અસ્ત્ર, પાંડવોએ છુપાવ્યા હતા શસ્ત્રો

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
આ તારીખે યોજાશે રુપાલની પલ્લી, અહીંથી રામને મળ્યું હતું રાવણને મારવાનું અસ્ત્ર, પાંડવોએ છુપાવ્યા હતા શસ્ત્રો 1 - image


Rupal Palli - Vardayini Mataji : શારદીય નવરાત્રિમાં માતાજીના વિવિધ સ્વરૂપોની વિવિધ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. આદ્યશક્તિ મા અંબાના નવ સ્વરૂપો પૈકી બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચારીણી હંસવાહિની, જે ગાંધીનગરના રુપાલ ખાતે માતા વરદાયીના સ્વરુપે બિરાજમાન છે. રુપાલમાં યોજાતી માતાજીની પલ્લી વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે આગામી 11 ઑક્ટોમ્બરે આસો સુદ નોમના દિવસે માતાજીની પલ્લી યોજાશે. જેનો ઇતિહાસ રામાયણ અને મહાભારત સાથે પણ જોડાયેલો છે.

નોમની રાત્રે 12 વાગ્યા પછી માતાજીનો રથ નીકળશે

આસો સુદ નોમ(નવરાત્રિ)ની રાત્રે 12 વાગ્યા પછી વરદાયીના માતાજીનો રથ નીકળતો હોય છે. માતાજીની આ પલ્લી પર ઘીનો અભિષેક કરવાની પરંપરા છે. જે પાંડવોના વખતથી ચાલી આવતી હોવાનું કહેવાય છે. ગામમાં પલ્લી નીકળે એટલે લોકો તેમની શક્તિ અને બાધા પ્રમાણે ઘીનો અભિષેક કરે છે. જેના કારણે સમગ્ર ગામમાં ઘીની નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાય છે. માતાજીની અનોખી રીતે આરાધના કરવા દૂર દૂરથી લાખો લોકો રુપાલ ઉમટે છે.

આ તારીખે યોજાશે રુપાલની પલ્લી, અહીંથી રામને મળ્યું હતું રાવણને મારવાનું અસ્ત્ર, પાંડવોએ છુપાવ્યા હતા શસ્ત્રો 2 - image

અહીંથી ભગવાન રામને મળ્યું હતું રાવણને મારવાનું દિવ્ય અસ્ત્ર

વરદાયીની માતા ટ્રસ્ટ જણાવ્યા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ તેમના પિતાની આજ્ઞા મુજબ 14 વર્ષના વનવાસે નીકળ્યા હતા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી ભાઈ લક્ષ્મણ તથા સીતામાતા સાથે શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારે શ્રી વરદાયીની માતાજીએ પ્રસન્ન થઈ ભગવાન રામને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યું હતું. ભગવાન શ્રીરામે એ જ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો.

મહાભારત સાથે પણ જોડાયેલો છે રુપાલની પલ્લીનો ઇતિહાસ

કહેવાય છે કે, ગુપ્તવાસ દરમિયાન જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે જંગલની વચ્ચે ઘેરાયેલા રુપાલ પંથકમાં ખીજડાની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી અહીં રુપાલમાં મૂકેલા શસ્ત્રો લેવા આવ્યા હતા, અને ત્યારે તેમણે શસ્ત્રોની પૂજા કરીને પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજીને અર્પણ કરી હતી. ત્યારથી અહીં માતાજીની પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવામાં આવે છે.

અહીં રાજા સિદ્ધરાજ જયસિંહે પૂરી કરી હતી પ્રતિજ્ઞા

સોલંકી યુગની દંત કથા પણ રુપાલની પલ્લી સાથે જોડાયેલી છે. ગુજરાતના સુવર્ણકાળ કહેવાતા સોલંકી યુગના પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણના કરી હતી. જેના કારણે તેમની વચ્ચે વેર બંધાયું હતું. તેથી તેઓએ યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞા લીધી હતી. સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા જતાં સમયે તેમણે રુપાલમાં માતાજીના મંદિર પાસે પડાવ નાખ્યો હતો. માતાજીએ સ્વપ્નમાં આવી અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત રાજા સિદ્ધરાજને દર્શન આપ્યા અને યુદ્ધ જીતવા માટેનો રસ્તો બતાવ્યો હતો. માતાજીના હુકમનું પાલન કરી આખરે રાજા સિદ્ધરાજે યુદ્ધમાં યશોવર્માનો વધ કર્યો હતો. ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહે રુપાલ આવી માતાજીની પૂજા કરી નવું મંદિર બનાવી, માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી.

માતાજીનું અનોખું સત

અહીં માતાજીનું સત છે કે, જે ટ્રેક્ટરમાં ઘી લાવવામાં આવે છે, તેને કીડી કે કૂતરું પણ સૂંઘી નથી શકતું. આ ઘીને કોઈ ઘરે પણ લઈ જઈ  શકતા નથી, તેમજ અહીં ઘીને ખુલ્લામાં જ મૂકવામાં આવે છે. તેમજ અહીંથી કોઈ એક લોટો પણ ઘી લઈ જઈ નથી શકતું. ફક્ત અમુક સમાજના લોકો જ ઘી લઈ જઈ શકે છે. કહેવાય છે કે પલ્લીમાં જોડાયેલા લોકો કે ભક્તો અને તેના કપડાં ઘી વાળા થઈ જાય છે પરંતુ તે કપડાં ધોતાં જ તેની ચિકાશ દૂર થઈ જાય છે અને કોઈ ડાઘ પણ રહેતો નથી.

આ વર્ષે 10 લાખ લોકો ઉમટવાનો અંદાજ

નવરાત્રિના નવ દિવસ અને પલ્લીનો દિવસ મળી કુલ 10 લાખથી વધુ લોકો માતાના દર્શન કરવા રુપાલ ઉમટશે તેવો અંદાજ છે. પલ્લીના મેળાને લઈને મંદિર વહીવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ગત વર્ષે કુલ 32 કરોડ રૂપિયાનું ઘી પલ્લી ઉપર ચડાવવામાં આવ્યું હતું. 


Google NewsGoogle News