ધાર્મિક પરંપરા: તમારે રોજિંદા જીવનમાં 6 નિયમોનું કરવું જોઈએ પાલન, સુખ-સમૃદ્ધિ વધશે!
Image:Free Pik
નવી મુંબઇ,તા. 26 ફેબ્રુઆરી 2024, સોમવાર
વૈદિક કાળથી સનાતન ધર્મમાં ઘણી ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓ પ્રચલિત છે, જેને લોકો આજે પણ અનુસરે છે. આ માન્યતાઓ માત્ર ધર્મ સાથે જોડાયેલી નથી પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. આ નિયમોનું પાલન કરવાથી તમારું સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથે સાથે તમને માનસિક શાંતિ પણ મળે છે. આ સાથે જ તેમને અનુસરવાથી ધાર્મિક લાભ પણ મળે છે.
કપાળ પર તિલક કરવું
હિંદુ ધર્મમાં પ્રાચીન સમયથી કપાળ પર તિલક લગાવવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીમાં હાજર અશુભ ગ્રહો શાંત થાય છે. આ કારણથી કોઈ પણ ધાર્મિક શુભ કાર્ય તિલક વિના પૂર્ણ થતું નથી. શાસ્ત્રો અનુસાર ચંદનનું તિલક લગાવનારનું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે અને સૌભાગ્ય વધે છે. તિલક લગાવવાથી જીવનમાં કીર્તિ વધે છે અને પાપોનો નાશ થાય છે. જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો બે આંખોની વચ્ચે આજ્ઞા ચક્ર છે. આ આજ્ઞા ચક્ર પર તિલક લગાવવાથી આપણી એકાગ્રતા વધે છે.
જમીન પર જમવા બેસવુ
ભારતીય પરંપરામાં આજે પણ મોટાભાગના ઘરોમાં જમીન પર બેસીને ભોજન કરવાની પરંપરા છે. ભલે ડાઇનિંગ ટેબલ ઘરે ઘરે આવી ગયા હશે પણ ઘણા પરિવારો આજે પણ જમીન પર પલાઠીવાળીને જમવા બેસે છે જેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આ સિવાય જમીન પર બેસીને ભોજન કરવાથી મન શાંત રહે છે, આપણું શરીર લચીલું અને આપણું મન શાંત રહે છે. આ સિવાય તણાવ દૂર થાય છે. એક ધાર્મિક માન્યતા છે કે જમીન પર પગ રાખીને બેસવાથી પૃથ્વી માતાના આશીર્વાદ મળે છે.
હાથ જોડી સલામ
ભારતીય પરંપરામાં, એકબીજાને અભિવાદન કરતી વખતે, નમસ્કાર હાથની બંને હથેળીઓને જોડીને કરવામાં આવે છે. આની પાછળનું વૈજ્ઞાનિક તર્ક એ છે કે, જ્યારે આપણે એકબીજાને અભિવાદન કરીએ છીએ, ત્યારે બધી આંગળીઓ એકબીજાના સંપર્કમાં આવે છે, જેનાથી તેમના પર દબાણ આવે છે. આંગળીઓની ચેતા શરીરના તમામ મુખ્ય અંગો સાથે જોડાયેલી હોય છે. આના કારણે આંગળીઓ પર દબાણ આવે છે, જેની સીધી હકારાત્મક અસર આપણી આંખો, કાન અને મગજ પર પડે છે.
તુલસીના છોડનું મહત્વ
ઘરમાં તુલસીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીનો સંપર્ક આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો ઘરમાં તુલસી હોય તો તેના પાનનો પણ ઉપયોગ થાય છે અને તેનાથી ઘણી બીમારીઓ દૂર રહે છે.
સૂર્યની પૂજા કરો
આપણા શાસ્ત્રોમાં સૂર્યનું આગવું સ્થાન છે. શાસ્ત્રો અનુસાર સૂર્યને જળ અર્પણ કરવાથી પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે છે, કુંડળીમાં સૂર્યની અશુભ અસર સમાપ્ત થાય છે. સવારે સૂર્યને જળ આપવાના વૈજ્ઞાનિક કારણો પણ છે. જ્યારે પાણી અર્પણ કરતી વખતે પાણીમાંથી આવતા સૂર્યના કિરણો આપણી આંખો સુધી પહોંચે છે, ત્યારે આંખોની રોશની સુધરે છે. આ ઉપરાંત વહેલી સવારનો સૂર્યપ્રકાશ પણ આપણી ત્વચા માટે ફાયદાકારક છે.
રસોડું સાફ રાખો
જો ઘરનું રસોડું સાફ ન હોય અને વસ્તુઓ અહીં-ત્યાં વિખરાયેલી જોવા મળે તો તેનાથી મંગળનો અશુભ પ્રભાવ વધે છે. મંગળના અશુભ પ્રભાવથી જમીન સંબંધિત કામમાં નુકસાન થઈ શકે છે અને અપરિણીત લોકોના લગ્નમાં વિલંબ થઈ શકે છે. મંગળના પ્રભાવને દૂર કરવા માટે રસોડાને હંમેશા સાફ રાખો અને તમામ વસ્તુઓને યોગ્ય રીતે સંગ્રહિત કરવી જોઈએ. રસોડાને સાફ રાખીને તમે હાનિકારક કીટાણુઓથી બચી શકો છો.