જાણો શ્રીરામ અને માતા સીતા વચ્ચે કેટલા વર્ષનું હતું અંતર, રામાયણમાં છે આ ઉલ્લેખ
અમદાવાદ, 29 જાન્યુઆરી 2019, મંગળવાર
ભગવાન શ્રીરામ અને માતા સીતાના કરોડો ભક્તો છે. આદર્શ દંપતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સીતા માતા અને ભગવાન શ્રીરામ. પરંતુ આજ સુધી તમે ક્યારેય વિચાર્યું છે કે શ્રીરામ અને માતા સીતા વચ્ચે ઉંમરનું તફાવત કેટલો હશે ? આ પ્રશ્નનો જવાબ રામાયણમાં આપવામાં આવ્યો છે. રામાયણમાં એક દોહો છે જે નીચે દર્શાવ્યાનુસાર છે.
વર્ષ અઠારહ કી સિયા, સત્તાઈસ કે રામ
કીન્હો મન અભિલાષ તબ, કરનૌ હૈ સુર કામ
એટલે કે રામ અને સીતા વચ્ચે 9 વર્ષનો તફાવત હતો. જ્યારે વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન રામ માતા સીતા કરતાં 7 વર્ષ અને 1 માસ મોટા હતા. રામ જન્મના સાત વર્ષ અને એક માસ બાદ મિથિલામાં સીતાનું પ્રાગટ્ય થયું હતું.
માતા સીતાનું જીવન ચરિત્ર સ્ત્રીઓ માટે માર્ગદર્શક છે. ભગવાન રામને પ્રસન્ન કરવા માટે દેવી જાનકીનું વ્રત કરવામાં આવે છે. વૈષ્ણવ ધર્મ મત અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની નવમીની તિથિ પર જાનકી નવમીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત વૈશાખ માસના શુક્લ પક્ષની નોમની તિથિ પર પણ કરવામાં આવે છે. પતિના લાંબા આયુષ્યની કામના અને સંતાન પ્રાપ્તિ માટે જાનકી નવમીનું વ્રત કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી શ્રીરામ પણ પ્રસન્ન થાય છે.