‘રક્ષા બંધન’ જેવો તહેવાર ભારત સિવાય દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિમાં નથી, જાણો તેનું કારણ
Raksha Bandhan : ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. પ્રકૃતિ, ઈશ્વર અને માનવસંબધોની ઉજવણી કરતાં અનેક રસપ્રદ તહેવારો આપણી પાસે છે. દુનિયામાં ક્યાંય ન હોય એવું ઉત્સવ-વૈવિધ્ય ભારતમાં છે. એવો એક તહેવાર એટલે ‘રક્ષા બંધન’. ભાઈ-બહેનના સ્નેહનું પ્રતીક એવો આ તહેવાર વિશિષ્ટ છે અને સદીઓથી ઉજવાતો આવ્યો છે. ‘રક્ષાબંધન’ જેવો તહેવાર દુનિયાની બીજી કઈ સંસ્કૃતિમાં ઉજવાય છે ખરો? ચાલો જાણીએ.
ભારતીય તહેવારો જેવા વિશ્વમાં ઉજવાતાં અન્ય તહેવાર
દિવાળી, હોળી, મકરસંક્રાંતિ જેવા ભારતીય તહેવારોને સમાન હોય એવા તહેવાર અન્ય ઘણી સંસ્કૃતિઓમાં ઊજવાય છે. જેમ કે, નેપાળમાં ઊજવાતો ‘બાલા ચતુર્દશી’, થાઇલેન્ડનો ‘લોય ક્રેથોંગ ફેસ્ટિવલ’, ફ્રાન્સનો ‘ફેસ્ટિવલ ઑફ લાઇટ્સ’, ચીનનો ‘લેન્ટર્ન ફેસ્ટિવલ’ અને જાપાનનો ‘ઓબોન ફેસ્ટિવલ’ આપણા તહેવાર ‘દિવાળી’ જેવા હોય છે. ભારતના ‘હોળી’ જેવા તહેવારો પણ દુનિયામાં ઘણે સ્થળે ઊજવાય છે. જેમ કે, થાઈલેન્ડમાં મનાવાતો ‘સોંગક્રાન’, ગ્રીસનો ‘ફ્લૉર વૉર’ અને સ્પેનનો ‘હેરો વાઇન ફેસ્ટિવલ’.
ભારતમાં ઊજવાતા ‘મકરસંક્રાંતિ’ના તહેવારમાં ખાસ કરીને ગુજરાતમાં પતંગ ચગાવવાનું વિશેષ મહત્ત્વ છે. વૈશ્વિક સ્તરે પણ ‘મકરસંક્રાંતિ’ જેવા ઘણાં પતંગોત્સવ ઉજવાય છે. જેવા કે, ચીનનો ‘વેઇફાંગ કાઇટ ફેસ્ટિવલ’, ઇન્ડોનેશિયાનો ‘બાલી કાઇટ ફેસ્ટિવલ’, ઑસ્ટ્રેલિયાનો ‘સિડની કાઇટ ફેસ્ટિવલ’ અને અમેરિકાનો ‘વોશિંગ્ટન ડીસી કાઇટ ફેસ્ટિવલ’.
રક્ષા બંધન જેવો તહેવાર છે ક્યાંક?
ઉપરના સવાલનો જવાબ છે- નહીં. રક્ષાબંધન જેવો તહેવાર જગતમાં બીજે ક્યાંય નથી ઊજવાતો. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની આવી ઉજવણી દુનિયામાં બીજે કશે નથી થતી એનું કારણ કદાચ એ પણ છે કે ભાઈ-બહેનના સંબંધને જે આદર, જે સન્માન અને ઉચ્ચ દરજ્જો ભારતીય સંસ્કૃતિમાં આપવામાં આવ્યાં છે એવું બીજે ક્યાંય નથી જોવા મળતું. સ્ત્રી-સન્માન અને સ્ત્રી-રક્ષાની આવી ભાવના ભારત સિવાય બીજે ક્યાંય જોવા નથી મળતી.
આ છે રક્ષા બંધનની વિશેષતા
ભાઈના હાથે રાખડી બાંધીને બહેન ભાઈની લાંબી ઉંમરની કામના કરે અને ભાઈ બહેનની રક્ષાનો સંકલ્પ લે, એવી ઉમદા ભાવના વિશ્વની અન્ય કોઈ સંસ્કૃતિમાં જોવા નથી મળતી. હિન્દુ જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં રક્ષા બંધનની ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવે છે. નેપાળ જેવા પડોશી દેશમાં પણ બિલકુલ ભારતની જેમ જ આ તહેવાર ઊજવાય છે.
અલબત્ત, વિશ્વના બીજા દેશોમાં ‘બ્રધર્સ ડે’, ‘સિસ્ટર્સ ડે’ અને ‘સિબલિંગ્સ ડે’ જેવા આધુનિક તહેવારો ઊજવવામાં આવે છે ખરા, પણ એનું કોઈ ઐતિહાસિક મહત્ત્વ નથી. એવા તહેવારોમાં રક્ષા બંધનમાં છે એવો કોઈ ‘ભાવ’ પણ નથી હોતો. એમ તો ‘ફ્રેન્ડશિપ ડે’ના સેલિબ્રેશનમાં પણ કાંડા પર ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને મિત્રો એકમેક પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કરતાં હોય છે, પણ અગેઇન, એમાં પણ પેલી ‘રક્ષા બંધન’ વાળી પવિત્ર ભાવના નથી હોતી.
આ જ કારણસર ‘રક્ષા બંધન’ વિશ્વભરના તહેવારોમાં વિષિષ્ટ સ્થાન ધરાવતો રહેવાર બની જાય છે.