છાયા ગ્રહ ગણાતા રાહુનું કાલે ગોચર, દેશ-દુનિયામાં જોવા મળશે આવી અસર
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર
રાહુ-કેતુ બંનેને છાયા ગ્રહ માનવામાં આવે છે અને આ હંમેશા વક્રી એટલે કે ઊંધી ચાલ ચાલે છે. 30 ઓક્ટોબરે રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. વર્તમાન સમયમાં રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં હાજર છે. 30 ઓક્ટોબર 2023એ રાહુ-કેતુ ગોચર કરવા જઈ રહ્યા છે. 30 ઓક્ટોબર 2023ની બપોરે 01.33 મિનિટે રાહુ મેષ રાશિથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. કેતુ તુલા રાશિથી નીકળીને કન્યા રાશિમાં ગોચર કરશે. હાલ રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં બિરાજમાન છે.
રાહુ-કેતુ છે માયાવી ગ્રહ
જ્યોતિષ અનુસાર શનિદેવ બાદ રાહુ-કેતુ સૌથી વધુ દિવસ સુધી કોઈ એક રાશિમાં બિરાજમાન રહે છે. શનિ અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે તો રાહુ-કેતુ 18 મહિના બાદ ઉલટી ચાલથી રાશિ બદલે છે. રાહુ-કેતુ એવા માયાવી ગ્રહ છે. જેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. જ્યોતિષમાં તેમને છાયા ગ્રહ કહેવામાં આવે છે. બંને ગ્રહોના કારણે કુંડલીમાં કાલસર્પ દોષ, પિતૃ દોષ, ગુરુ ચાંડાલ યોગ, અંગારક યોગ વગેરે બને છે. જેનો વ્યક્તિના જીવન પર ખૂબ અશુભ પ્રભાવ પડે છે. રાહુને પાપી ગ્રહ પણ કહેવામાં આવે છે.
દેશ-દુનિયા પર અસર
જ્યારે પણ રાહુ-કેતુનું રાશિ પરિવર્તન થાય છે, ત્યારે તેનો પ્રભાવ ન માત્ર તમામ જાતકો પર થાય છે પરંતુ દેશ-દુનિયા પર પણ તેનો પ્રભાવ જોવા મળે છે. રાહુ-કેતુના ગોચરથી ઘણા પ્રકારની પ્રાકૃતિક ઉથલ-પાથલ થવાની શક્યતા રહે છે. પૃથ્વી પર ગરમીનો પ્રકોપ વધી જાય છે અને વરસાદ પણ ઓછો પડે છે. દેશ-દુનિયામાં રાજકારણ પોતાના ચરમ પર હોય છે. એકબીજા દેશોમાં તણાવ ખૂબ વધી જાય છે. રાજકારણમાં ઉતાર-ચઢાવ રહે છે. રાહુના ગોચરથી રોગ વધી જાય છે. લોકોને ત્વચાના રોગોનો સામનો કરવો પડી શકે છે.
તેના પ્રભાવથી દુનિયાભરમાં ઘઉં અને અન્ય અનાજોની કિંમતોમાં વૃદ્ધિ થવાની શક્યા છે. અમુક દેશોમાં અન્નની અછતથી કાયદા-વ્યવસ્થાને લઈને પણ સંકટની સ્થિતિ પેદા થશે. ઊભા પાકને નુકસાન થઈ શકે છે. સ્ટોક માર્કેટમાં ઉથલ-પાથલ મચી શકે છે. મોટા નેતાઓના સંદર્ભમાં અમુક અપ્રિય ઘટનાઓ સામે આવી શકે છે. અમુક મોટી પ્રાકૃતિક મુશ્કેલી જેમ કે પૂર-ભૂસ્ખલનથી જન ધનને હાનિ પહોંચી શકે છે.