પૂજા ઘરમાં આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, આ ભૂલો કરવાથી નહીં મળે પૂજાનું ફળ
નવી મુંબઇ,તા. 21 ફેબ્રુઆરી 2024,બુધવાર
હિંદુ ધર્મમાં માનનારા મોટાભાગના લોકો પૂજા-પાઠ કરતા હોય છે. સવારે ઉઠતાની સાથે જ લોકો સૌ પ્રથમ નાહીને પોતાના ઇષ્ઠદેવની પૂજા અર્ચના કરતા હોય છે. ઘણા લોકો મંદિરે પણ જતા હોય છે. જો પૂજા સાચા મનથી કરવામાં આવે તો તેનું પરિણામ પણ મળે છે. એટલે જ કહેવાય છે કે, ભગવાન લાગણીઓના ભૂખ્યા છે. આ સાથે જ ઘરમાં પૂજા સ્થળ પણ યોગ્ય સ્થાન પર હોવું જોઈએ અને તેની પવિત્રતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.
વાસ્તુ પ્રમાણે ઘરમાં મંદિરની દિશા તો નક્કી કરી લીધી, પરંતૂ જો ત્યાં ઘોંઘાટ થતો હશે તો મન પ્રાર્થનામાં નહીં લાગે. તેથી એકાંતવાળી જગ્યાએ મંદિર હોવુ જોઇએ. પૂજા રૂમને લઇને પણ કેટલાક નિયમો છે જે તમારે જાણવા જરુરી છે.
પૂજા ઘરના નિયમો
- સૌથી પહેલા તો પૂજા રૂમમાં મૂર્તિઓની ઊંચાઈ એક ફૂટથી ઓછી હોવી જોઈએ.
- મંદિરોમાં ખૂબ જ ઊંચી અને વિશાળ મૂર્તિઓ રાખવામાં આવે છે. ઘરમાં આઠ આંગળીઓથી મોટી મૂર્તિ રાખવી સ્વીકાર્ય નથી.
- ભગવાન ગણેશ, દુર્ગા માતાની પ્રથમ તસવીરો અથવા મૂર્તિઓ નાની રાખવી જોઈએ અને દક્ષિણ તરફ મુખ કરીને ઉત્તર દિવાલ પર રાખવી જોઈએ. જો તમે સૂર્ય ભગવાનનો ફોટો રાખો છો તો તેને પૂર્વ દિશામાં રાખવું વધુ સારું છે, કોઈપણ રીતે સૂર્યોદય પૂર્વ દિશાથી જ થાય છે.
- અખંડ દીપ હંમેશા પૂજા રૂમના દક્ષિણ-પૂર્વ ખૂણામાં પ્રગટાવવો જોઈએ. સામાન્ય રીતે ઘરોમાં સવાર-સાંજ દીવા પ્રગટાવવાની પરંપરા છે અને નવરાત્રિના નવ દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, અગ્નિને સાક્ષી માનીને કરવામાં આવેલું કાર્ય હંમેશા સફળ થાય છે, આ સાથે જ દીવો પ્રગટાવવાથી જીવજંતુઓથી પણ રક્ષણ મળે છે.
- જ્યોત માત્ર એક નિશ્ચિત સમયે પ્રગટાવવી જોઈએ અને ઓછામાં ઓછું તેલ અને ઘી ઉમેરવું જોઈએ જેથી પૂજા કરવામાં આવે ત્યાં સુધી તે પ્રજ્વલિત રહે.
- પૂજા રૂમમાં ઝાડુ અને કચરો ક્યારેય ન રાખવો જોઈએ. ત્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.