શું સ્ત્રીઓ પિંડદાન કરી શકે છે? જ્યોતિષાચાર્યએ જણાવ્યા શ્રાદ્ધના નિયમ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
શું સ્ત્રીઓ પિંડદાન કરી શકે છે? જ્યોતિષાચાર્યએ જણાવ્યા શ્રાદ્ધના નિયમ 1 - image

image:Twitter 

નવી દિલ્હી,તા. 3 ઓક્ટોબર 2023, મંગળવાર 

હિંદુ ધર્મમાં શ્રાદ્ધ અને પિંડ દાનનું ઘણું મહત્વ છે. શ્રાદ્ધ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસથી લઈને અશ્વિન મહિનાની અમાવાસ્યા સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, પિંડ દાન પૂર્વજોની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો મૃત્યુ પછી શ્રાદ્ધ અને પિંડ દાન નથી કરતા, તેમને અન્ય લોકમાં ઘણી પીડા અને દુઃખનો સામનો કરવો પડે છે.

માન્યતાઓ અનુસાર, માતા સીતાએ રાજા દશરથનું પિંડ દાન કર્યું હતું. વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે કે, વનવાસ દરમિયાન પિતૃ પક્ષના સમયે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા ગયાજી પહોંચ્યા હતા. તે દરમિયાન ભગવાન રામ અને લક્ષ્મણ શ્રાદ્ધ માટે સામગ્રી લેવા ગયા હતા અને તેમને સામગ્રી લાવવામાં મોડું થઈ રહ્યું હતું. આ દરમિયાન માતા સીતાએ રાજા દશરથને જોયા. રાજા દશરથે માતા સીતા પાસેથી પિંડ દાનની વિનંતી કરી હતી.

આ પછી, માતાએ  વટ વૃક્ષ, કેતકી ફૂલ અને ફલ્ગુ નદીને સાક્ષી તરીકે લઈને રેતીનો એક બોલ બનાવ્યો અને તેના દ્વારા રાજા દશરથને પિંડ દાન આપ્યું હતું. માતા સીતા દ્વારા કરવામાં આવેલા આ પિંડ દાનથી રાજા દશરથ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા.

શ્રાદ્ધ પક્ષનો સંબંધ મૃત્યુથી છે. તેથી તેને અશુભ માનવામાં આવ્યો છે.આ સમય દરમિયાન કંઇ પણ નવુ ખરીદવુ કે પહેરવાની મનાઇ હોય છે.

આ સિવાય ધાર્મિક ગ્રંથો અનુસાર જે ઘરમાં પુત્ર નથી તે ઘરની મહિલાઓ શ્રાદ્ધ અને પિંડ દાન કરી શકે છે. ગરુડ પુરાણમાં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો આવી સ્થિતિમાં દીકરીઓ પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ અને પિંડ દાન કરે છે.

એવું માનવામાં આવે છે કે જો મહિલાઓ તેમના પૂર્વજો માટે ભક્તિ સાથે શ્રાદ્ધ અને પિંડ દાન કરે છે, તો પૂર્વજો તેનો સ્વીકાર કરે છે અને કન્યાને આશીર્વાદ આપે છે. છોકરી સિવાય પુત્રવધૂ કે પત્ની પણ શ્રાદ્ધ અને પિંડદાન કરી શકે છે.

ગરુડ પુરાણના અનુસાર, જો શ્રાદ્ધ પક્ષમાં પિતાની તિથી આવવા પર પણ તેમને ભોજન ન મળે તો, તે ક્રોધિત થઇને પોતાના જ વંશજોને શ્રાપ આપે છે.જેના કારણે તેમના જ વંશને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  


Google NewsGoogle News