મીન (દ.ચ.ઝ.થ.) : ચાંદીના પાયા પરનું શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેશે....
- સ્ત્રીવર્ગ માટે આ વર્ષ સારું રહે. આવકમાં વધારો જણાય. શુભકાર્યમાં ખર્ચ-ખરીદી થઇ શકે.
સંવત ૨૦૮૦ના વર્ષમાં ગુરૂનું પરિભ્રમણ પ્રારંભે મધ્યમ પછી સારું રહે છેે. શનિની સાડાસાત વર્ષની પનોતિનો પ્રથમ તબક્કો ચાંદીના પાયેથી પસાર થઇ રહ્યો છે. ચાંદીના પાયા પરનું શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેશે. રાહુ આપની પોતાની રાશિમાંથી પસાર થઇ રહ્યો છે તેથી માનસિક પરિતાપ-વ્યગ્રતા રખાવડાવે. તેમ છતાં એકંદરે વર્ષ આપના માટે સારું પૂરવાર થાય.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સારું રહે. ગુરૂ શનિનું પરિભ્રમણ આપના આરોગ્યમાં સુધારો કરાવડાવે. જૂની અસાધ્ય બીમારીમાં રાહત રહે. સુધારો જણાય. સમયસર દાક્તરી સલાહ અને દવા લેવાને લીધે વારસાગત રોગોમાં આપને શાંતિ જણાય. વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂનું પરિભ્રમણ વધુ સારું થતું આપના સ્વાસ્થ્યની ચિંતા-પરેશાની દૂર થતી જાય. તેમ છતાં વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપની પોતાની રાશિમાં થઇ રહ્યું છે તેથી આપને કારણ વગરના ઉચાટ-ઉદ્વેગ, બેચેની વ્યગ્રતા રહ્યા કરે. માથામાં દર્દ-પીડાનો અનુભવ થયા કરે. વિચારોની દ્વિધા અસમંજસતા અનુભવાય.
૧૩ ફેબુ્રઆરીથી ૧૪ માર્ચના સમય દરમ્યાન આપ કોઇને કોઈ વાયરલ સીઝનલ બીમારીના ભોગ બનો. આંખોની કાળજી રાખવી પડે. આંખોમાં દર્દ પીડા જણાય. આંખો આવી જવી, આંકમાં આંજણી થવી, ઇન્ફેકશનની તકલીફ જણાય. ખાસ કરીને જમણી આંખમાં આપને વધુ તકલીફ રહે. શારીરિક માનસિક કોઈને કોઈ સમસ્યા, બીમારીમાં અટવાયા કરો. વર્ષની મધ્યથી આપે વિશેષ કરીને છાતી, હૃદયની સમસ્યાથી સંભાળવું પડે.
તે સિવાય વર્ષાન્તે ૨૬ ઓગસ્ટથી ૨૦ ઓક્ટોબર દરમ્યાન પણ આંખોની તકલીફ રહે. કમરની તકલીફ જણાય. છાતીમાં દર્દ-પીડા અનુભવાય. બીપીની તકલીફમાં આપે સંભાળવું પડે. કારણ વગરના તણાવ, હતાશા-નિરાશાને લીધે આ રોગ આપને લાગી ના જાય તેની આપે તકેદારી રાખવી પડે. ચામડીના રોગમાં આપે સંભાળવું પડે. હૃદય સંબંધીત કોઈપણ સમસ્યામાં જાતે ડૉક્ટર બન્યા વગર સમયસર દાકતરની સલાહ લઈ લેવી.
આર્થિક સુખ-સંપત્તિ
આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ સંવત ૨૦૮૦નું વર્ષ આપના માટે સારું રહે. ધંધામાં આવક થતી જાય. નવા કામ મળવાથી આવકમાં વધારો જણાય. જૂની ઉઘરાણીના નાણા છૂટા થવાથી આપને લાભ ફાયદો મળી રહે. કુટુંબ પરિવાર માટે ખર્ચ-ખરીદી જણાય પરંતુ આનંદ રહે.
શનિનું પરિભ્રમણ આપને ખર્ચ-ખરીદી રખાવે. પરંતુ સારા કાર્યમાં શુભકાર્યમાં, ધર્મકાર્યમાં ખર્ચ-ખરીદી થવાથી આપને હર્ષ લાભ રહે. એ જ શનિનું પરિભ્રમણ આપને નાણાંકીય લાભપણ કરાવડાવે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવકમાં વધારો કરાવે.
આમ બધા ગ્રહોનું પરિભ્રમણ સાનુકૂળ રહેતાં આર્થિક સુખ-સંપત્તિમાં વધારો જણાય. તેમ છતાં તા. ૧૩ ફેબુ્રઆરીથી તા. ૨૩ એપ્રીલ સુધીનો સમય આપના માટે થોડો પ્રતિકૂળતાવાળો રહે. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે કે અન્ય કારણોસર કોઇને કોઈ ખર્ચ જણાય. મોસાળ પક્ષે સાસરીપક્ષે બીમારી ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. આકસ્મિક ખોટા ખર્ચાઓને લીધે આપનું નાણાંકીય આયોજન ખોરવાઈ જાય.
૨૬/૮થી ૨૦/૧૦ દરમ્યાન આપને કુટુંબ પરિવાર માટે આકસ્મિક ખર્ચ જણાય. પરદેશના કામમાં રૂકાવટ રહેતાં આપનો ખર્ચ વધે. જમીન-મકાન-વાહનના પ્રશ્ને આપને આકસ્મિક ખર્ચ રહે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડનો અનુભવ થાય. રોકડ રકમના વ્યવહારોમાં સાવધાની રાખવી. તેમ છતાં વર્ષ દરમ્યાન મુખ્ય ગ્રહોની સાનુકુળતા રહેવાને લીધે રાહત રહેશે.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
સંવત ૨૦૮૦ના વર્ષમાં મુખ્ય ગ્રહોની સાનુકુળતાને લીધે નોકરીમાં વર્ષ સારું પસાર થાય. વર્ષનો પ્રારંભ થોડો મધ્યમ રહે. ક્યારેક કામમાં દોડધામ જણાય. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપની સાનુકુળતામાં વધારો થતો જાય. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થાય. ઉપરીવર્ગ દ્વારા આપના કામની કદર-પ્રશંસા થાય. સહકાર્યકર વર્ગને નોકર ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીનાયોગ ઉભા થાય. પરંતુ તેમ છતાં રાહુનું પરિભ્રમણ આપને માનસિક પરિતાપ રખાવડાવે.ઉપરીવર્ગ આપના કામથી નાખૂશ રહે. જેના લીધે વારંવાર આપે તેમના ઠપકાનો ભોગ બનવું પડે. ઉચાટ-ઉદ્વેગ રહે.
૧૪ જૂનથી ૧૬ જુલાઈ દરમ્યાન આપને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે કામ કરવામાં તકલીફ રહે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર વર્ગ, હરિફ વર્ગ આપના કામ બગડે, આપની યશ-પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પ્રયત્નો કરે. આપે ધીરજ અને શાંતિથી સમય પસાર કરી લેવો. મોસાળપક્ષ સાસરીપક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જતાં આપની એકાગ્રતામાં ભંગ થાય.
તે સિવાય ૨૬ ઓગસ્ટથી ૨૦ ઓક્ટોબર દરમ્યાન આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોને લીધે કામમાં મન લાગે નહીં. તે સિવાય નાણાંકીય જવાબદારીનું કામ સંભાળતા હોય તો આપે આ સમય દરમ્યાન સાવધાની રાખવી પડે. હિસાબમાં ભૂલ પડવાને લીધે કે અન્યની ભૂલના લીધે આપે ઠપકો સાંભળવો પડે. હિસાબમાં ભૂલ થવાને લીધે કે નાંણા ખોવાઈ કે ચોરાઈ જવાને લીધે આપે નાંણાની ભરપાઈ કરવાની આવે. કોર્ટ-કચેરીના મામલે આપની મુશ્કેલીમાં વધારો થાય. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ સાથે વાદ-વિવાદ - ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ ધંધાકીય રીતે આપના માટે હર્ષ લાભવાળું રહે. આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો એક પછી એક ઉકેલ આવતો જાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવકમાં વધારો જણાય. વર્ષ પસાર થતું જાય તેમ વધુ સાનુકુળતા થતી જાય. સહકાર્યકર વર્ગ નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. આયાત-નિકાસના ધંધામાં, પરદેશના કામમાં સફળતા મળી રહે. ધંધામાં આકસ્મિક કોઈ પૂછપરછ આવી જાય અને નવો ઓર્ડર મળી રહે.
આપના જૂના ગ્રાહકો નવા ગ્રાહકોને ખેચીલાવે. આમ નવી ઘરાકી બંધાતી જાય તેમ છતાં મહત્ત્વના નિર્ણયો લેતાં પહેલાં આપે શાંતિથી વિચારી લેવું. ચર્ચા વિચારણા કરી લેવા. અનુભવી વિશ્વાસુ વ્યક્તિના સલાહ-માર્ગદર્શન લઇને આગળ વધવું.
મહા સુદ ચોથથી ચૈત્ર સુદ પૂનમ સુધીનો સમય થોડો પ્રતિકૂળ રહે. આ સમય દરમ્યાન નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડે. ઉધારીમાં ધંધો કરવાનું રાખવું. નફામાં નુકસાની કરવી પડે. રાજકીય સરકારી કિન્નાખોરી દ્વેષના ભોગ નાબનો તેનું આપે ધ્યાન રાખવું પડે. કોઇના પર બહુ જલ્દી વિશ્વાસ મૂકી દેવો નહીં.
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગ માટે આ વર્ષ સારું રહે. વર્ષારંભથી જ કૌટુંબિક પારિવારીક, સામાજિક વ્યવહારિક જવાબદારીઓ, કામકાજ રહે. પરંતુ કુટુંબ પરિવારની મદદ સહકાર મળી રહેતાં રાહત રહે. વ્યવસાયી મહિલાઓની દોડધામ શ્રમ વધે. માનસિક ઉચાટ ઉદ્વેગ રહે. વર્ષ પસાર થતું જાય તેમ વધુ સારું થતું જાય. ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહેતાં આનંદ-ઉત્સાહ રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નના યોગ ઉભા થાય. પ્રિય પાત્ર સાથે વિવાહ-લગ્નનું નક્કી થઇ શકે. સંતાન પ્રાપ્તિના યોગ આવે. પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહેતાં આપના કામનો સરળતાથી ઉકેલ લાવી શકો.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગ માટે વર્ષ સાનુકુળતાવાળુ રહે. વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપની સાનુકુળતામાં વધારો થતો જાય. સફળતા મળી રહે. આપના ધ્યેયને પ્રાપ્ત કરવામાં સરળતા રહે. પરદેશ જવાનું સ્વપ્ન પુરું થાય. પરંતુ પરીક્ષા સમયે હતાશા-નિરાશાથી સંભાળવું પડે. તે સિવાય વર્ષના ઉત્તરાર્ધમાં લાગણી મિત્રતાના ચક્કરમાં આપનો અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. જેમને આ વર્ષ દરમ્યાન નવી લાઈન પસંદ કરવાની હોય તેમને મૂંઝવણ રહે. વિચારોની દ્વિધા અસમંજસતા રહે. વડીલવર્ગના માર્ગદર્શનથી યોગ્ય લાઈન પસંદ કરવી.
ખેડૂત વર્ગ
ખેડૂત વર્ગ માટે આ વર્ષ સારું રહે. આપની મહેનતનું યોગ્ય પરિણામ મળતાં કામ કરવાનો ઉત્સાહ વધે. ખેતી સાથે નોકરી-ધંધો કરી આવક વધારવાના પ્રયાસ કરનારને સફળતા મળી રહે. કામમાં કુટુંબ પરિવાર પત્ની સંતાનનો સાથ સહકાર મળી રહે. ધાન્યની ખેતીમાં આપને લાભ ફાયદો મળી રહે. જમીન મકાન વાહનની ખરીદી કરવાનું વિચારતા હોવ તો તે થઇ શકે. કોઇની ઉધારી હોય તો નાણા ચૂકવાઈ જતાં રાહત અનુભવો. સ્વાસ્થ્યમાં સુધારો જણાતાં વર્ષ દરમ્યાન કામ કરવામાં સરળતા રહે. પરિવારનો, સંતાનનો, સાથ-સહકાર મળી રહે. યોગ્ય પાક ઉતરતાં સારો ભાવ મળતાં આપને આનંદ-ઉત્સાહ જણાય.
ઉપસંહાર
વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ આપના માટે સાનુકુળતા સફળતાવાળું રહે. ગ્રહમંડળના મુખ્ય ગ્રહોનું પરિભ્રમણ આપના માટે સાનુકળ રહે. આવકમાં વધારો જણાય. શુભકાર્યમાં ધર્મકાર્યમાં ખર્ચ-ખરીદી થઇ શકે. કુટુંબ-પરિવાર મદદરૂપ બને. સૌથી મહત્ત્વનું વર્ષ દરમ્યાન આરોગ્ય સુખાકારી સારી રહે.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ આપના માટે મહત્ત્વનું રહે. કુટુંબપરિવાર સાથે આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. સંયુક્ત માલ-મિલ્કત, ધંધાના પ્રશ્ને કુટુંબ પરિવારમાં શાંતિ-સુમેળથી વહેંચણી થઇ જાય અને ભાઈઓ-ભાઈઓ વચ્ચે સંપ રહે. સુખ-શાંતિ રહે. અવિવાહીત વર્ગને વર્ષના ઉત્તરાર્ધમાં વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. ઘરના વડીલોનું આરોગ્ય સારું રહેતાં આપ હળવાશ અનુભવો. વર્ષાન્તે પરિવાર સાથે યાત્રા-પ્રવાસનું આયોજન થાય. જૂના સંબંધો તાજા થાય. સંતાનના ઘડતર- ભણતર- પરિવાર તેમજ નોકરી- ધંધાના કાર્યમાં સફળતા પ્રગતિથી આનંદ રહે. વડીલ વર્ગને પૌત્રાદિક સુખ મળી રહે પરંતુ રાહુના પરિભ્રમણના લીધે વર્ષના પ્રારંભથી જ વડીલ વર્ગની ચિંતા રહ્યા કરે.