દેવ દિવાળી પર કરો શિવ પૂજા અને દીપદાન, જાણો મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ
Image Source: Freepik
અમદાવાદ, તા. 25 નવેમ્બર 2023 શનિવાર
કારતક મહિનાની પૂનમે દેવ દિવાળી મનાવવામાં આવે છે. આ પર્વ દિવાળીના ઠીક 15 દિવસ બાદ મનાવવામાં આવે છે. આ દિવસે દિવાળીની જેમ દીવા પ્રગટાવવાની પરંપરા છે. માનવામાં આવે છે કે દેવ દિવાળીના દિવસે કાશીમાં દેવી-દેવતા આવે છે અને દિવાળીનો પર્વ મનાવે છે. આજના દિવસે સ્નાન, દાનની સાથે દીપદાનનું વિશેષ મહત્વ છે.
દેવ દિવાળી ક્યારે છે
હિંદુ પંચાંગ અનુસાર દેવ દિવાળી કારતક પૂનમ 26 નવેમ્બરે બપોરે 3.53 મિનિટથી શરૂ થઈ રહી છે. જે 27 નવેમ્બરે બપોરે 2.46 મિનિટે પૂર્ણ થશે. તેથી સમગ્ર દેશમાં દેવ દિવાળીનો પર્વ 26 નવેમ્બર 2023એ મનાવવામાં આવશે.
દેવ દિવાળીનું શુભ મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર દેવ દિવાળીના દિવસે પ્રદોષ કાળ સાંજે 05.08 મિનિટથી 07.47 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન દીપદાન કરવુ શુભ માનવામાં આવે છે.
દેવ દિવાળીએ આ રીતે કરો દીપદાન
દેવ દિવાળીની સાંજે પ્રદોષ કાળમાં 5, 11, 21, 51 કે પછી 108 દીવામાં ઘી કે પછી સરસવનું તેલ ભરો. જે બાદ નદીના ઘાટમાં જઈને દેવી-દેવતાઓનું સ્મરણ કરો. પછી દીવામાં સિંદૂર, કંકુ, ચોખા, હળદર, ફૂલ, મિઠાઈ વગેરે ચઢાવ્યા બાદ દીવો પ્રગટાવી દો. જે બાદ તમે ઈચ્છો તો નદીમાં પણ પ્રવાહિત કરી શકો છો.
દેવ દિવાળીની પૂજા વિધિ
દેવ દિવાળીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન કરો. ગંગા સ્નાન કરો. જો તમે ગંગા સ્નાન માટે જઈ રહ્યા નથી તો સ્નાનના પાણીમાં થોડુ ગંગાજળ નાખો.
આવુ કરવાથી ગંગા સ્નાન કર્યા બરાબર ફળની પ્રાપ્તિ થશે. જે બાદ સૂર્ય દેવને તાંબાના લોટામાં જળ, સિંદૂર, ચોખા, લાલ ફૂલ નાખીને અર્ધ્ય આપો, પછી ભગવાન શિવની સાથે અન્ય દેવી દેવતાની પૂજા કરો. ભગવાન શિવને ફૂલ, માળા, સફેદ ચંદન, ધતૂરો, આંકડાના ફૂલ, બિલિપત્ર ચઢાવવાની સાથે ભોગ લગાવો. અંતમાં ઘી નો દીવો અને ધૂપ કરીને ચાલીસા, સ્તુતિ, મંત્રનો પાઠ કરીને વિધિસર આરતી કરી લો.
કારતક પૂનમે કેમ મનાવવામાં આવે છે દેવ દિવાળી
શાસ્ત્રો અનુસાર એક ત્રિપુરાસુર નામના રાક્ષસે આતંક મચાવી રાખ્યો હતો, જેનાથી ઋષિ-મુનિઓની સાથે દેવતા પણ ખૂબ પરેશાન થઈ ગયા હતા. દરમિયાન તમામ દેવતાગણ ભગવાન શિવના શરણમાં પહોંચ્યા અને તેમને આ સમસ્યાનો ઉકેલ કાઢવા માટે કહ્યુ. જે બાદ ભગવાન શિવે કારતક પૂનમના દિવસે જ ત્રિપુરાસુરનો વધ કરી દીધો હતો અને પછી તમામ દેવી-દેવતા ખુશ થઈને કાશી પહોંચ્યા હતા. જ્યાં જઈને તેમણે દીપ પ્રગટાવીને ખુશી મનાવી હતી. આ જ કારણસર દર વર્ષે કારતક પૂનમના દિવસે આ પર્વને મનાવવામાં આવે છે.