Putrada Ekadashi 2024 : 21 જાન્યુઆરીએ પોષ પુત્રદા એકાદશી, જાણો આ વ્રતની પૌરાણિક કથા અને તેનું મુહૂર્ત
Image Source: Twitter
અમદાવાદ, તા. 16 જાન્યુઆરી 2024 મંગળવાર
અત્યારે પોષ મહિનો ચાલી રહ્યો છે. પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ હોય છે. દર મહિનામાં બે વખત એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. એકાદશીનો પાવન દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વિધિસર ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામના પૂરી થઈ જાય છે.
પુત્રદા એકાદશી મુહૂર્ત
એકાદશી તિથિ પ્રારંભ- 20 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
એકાદશી તિથિ સમાપન - 21 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
પારણા (વ્રત ખોલવાનો) સમય- 22 જાન્યુઆરીએ સવારે 07:14 થી 09:21 વાગ્યા સુધી
પારણા તિથિના દિવસે બારસ સમાપન થવાનો સમય- સાંજે 07:51
એકાદશી વ્રતના પારણા પહેલા વ્રત કરનારે એકાદશી વ્રતની કથાનો પાઠ જરૂર કરવો જોઈએ. એવુ માનવામાં આવે છે કે વ્રત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ મનોકામના પૂરી થઈ જાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પોષ પુત્રદા એકાદશી વ્રત કથા
પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર મહિષ્મતી નામના રાજ્ય પર મહાજિત નામના એક રાજા શાસન કરતા હતા. આ રાજાની પાસે વૈભવની કોઈ અછત નહોતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતુ. જે કારણે રાજા પરેશાન રહેતા હતા. રાજા પોતાની પ્રજાનું પણ પૂરતુ ધ્યાન રાખતા હતા. સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી. ત્યારે રાજાએ ઋષિ મુનિઓનું શરણ લીધુ. જે બાદ રાજાને એકાદશી વ્રત વિશે જણાવવામાં આવ્યુ હતુ. રાજાએ વિધિસર એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણા કર્યા. થોડો સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો.