Karva Chauth 2023: કરવા ચોથ પર સૌભાગ્યવતી મહિલાઓ ન કરે આ ભૂલ, આ રીતે તૈયાર કરો પૂજાની થાળી
Image Source: Freepik & Twitter
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર
વર્ષ 2023માં કરવા ચોથ 1 નવેમ્બર 2023ના દિવસે છે. કરવા ચોથનો પર્વ કારતક મહિનાની ચતુર્થી તિથિના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સારા આરોગ્ય માટે આખો દિવસ વ્રત કરે છે અને રાત્રે ચંદ્ર નીકળ્યા બાદ પોતાનુ વ્રત ખોલે છે. કરવા ચોથના દિવસે આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. આ નિયમોનું પાલન ન કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
કરવા ચોથમાં આ વાતોનું ધ્યાન રાખો
કરવા ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સફેદ અને કાળા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ નહીં. એવુ માનવામાં આવે છે કે કરવા ચોથના દિવસે આ રંગના વસ્ત્ર પહેરવા અશુભ હોય છે.
કરવા ચોથના દિવસે પ્રયત્ન કરો કે લાલ અને ગુલાબી રંગના વસ્ત્ર પહેરો, આ રંગ સૌભાગ્યનું પ્રતીક હોય છે.
કરવા ચોથના દિવસે મહિલાઓએ તેજ ધારવાળી વસ્તુઓને હાથ લગાવવો જોઈએ નહીં જેમ કે સોય, ચાકુ વગેરે, કરવા ચોથના દિવસે ઈજા પહોંચવી પણ અશુભ માનવામાં આવે છે.
કરવા ચોથના દિવસે વડીલોનું અપમાન બિલકુલ ના કરો, વડીલો સાથે કંકાશ કે ઝઘડો કરવો જોઈએ નહીં, વડીલોનું સન્માન કરો અને તેમના આશીર્વાદ લો.
કરવા ચોથના દિવસે સોળ શણગાર કરો, આ દિવસે સજવુ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.
કરવા ચોથના દિવસે શણગારનો સામાન દાન ન કરો, આ દિવસે શણગારનો સામાન દાન કરવો અશુભ હોય છે. તેથી આવુ કરવાથી બચવુ જોઈએ.
આ રીતે સજાવો કરવા ચોથની પૂજાની થાળી
કરવા ચોથની થાળી કરવા ચોથની પૂજામાં એક મુખ્ય સામગ્રી હોય છે. દરેક સૌભાગ્યવતી મહિલા આને ઉત્સાહભેર ખરીદે છે અને તેને સજાવે છે.
કરવા ચોથની થાળીમાં લોટમાંથી બનેલો દીવો હોવો જોઈએ. તે દીવામાં રૂ ની દિવેટ પણ હોવી જરૂરી છે.
માટીનો કરવા પૂજાની થાળીમાં હોવો જોઈએ.
એક જળનો કળશ હોવો ખૂબ જરૂરી છે જેનાથી તમારે ચંદ્રને જળ અર્પણ કરવાનું હોય છે.
ચાળણી હોવી પણ જરૂરી છે, જેનાથી તમે ચંદ્રના દર્શન કરો.
પાણીનો ગ્લાસ પૂજાની થાળીમાં હોવો ખૂબ જરૂરી છે, જે લોટાથી તમે ચંદ્રને જળ અર્પણ કરો તે લોટાથી પાણી ન પીવો પરંતુ પાણી ગ્લાસથી પીવો.
કરવા ચોથની થાળીમાં ફૂલ, ચોખા, મિઠાઈ, ઘી, કંકુ આ તમામ વસ્તુઓનું હોવુ જરૂરી છે. ચંદ્રદેવ દર્શન બાદ તેમની સૌથી પહેલા પૂજા કરો, તેમને કંકુ, ચોખા ચઢાવો, તેમની આરતી ઉતારો, મિઠાઈનો ભોગ લગાવો, તે બાદ પોતાના પતિની પૂજા કરો.