18 જૂને નિર્જળા અગિયારસ: આ એક ઉપાય કરવાથી પ્રસન્ન થશે મા લક્ષ્મી, નહીં થાય ધનની અછત
Nirjala Ekadashi 2024: હિન્દુ ધર્મમાં અગિયારસ તિથિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ તિથિ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. એક વર્ષમાં કુલ 24 અગિયારસ આવે છે. જેમાં દર મહિનામાં 2 એકાદશી તિથિઓ મનાવવામાં આવે છે. જેઠ માસની શુક્લ પક્ષની નિર્જળા એકાદશી તિથિએ આવે છે. આ એકાદશી પર અન્ન ગ્રહણ કર્યા વિના અને એક પણ પાણીનું ટીપું પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે, તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. નિર્જળા એકાદશીને વર્ષની સૌથી શક્તિશાળી અને સૌથી મોટી એકાદશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વર્ષની 24 એકાદશીઓનું પુણ્ય મળે છે.
આ સાથે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા- ઉપાસનાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. નિર્જળા એકાદશીનું વ્રત વિધિ-વિધાનપુર્વક કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે, આખા વર્ષ દરમિયાન જેટલી અગિયારસના ઉપવાસ કરવાથી જેટલું પુણ્ય મળે છે, એટલું જ પુણ્ય નિર્જળા એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી મળે છે. આ વખતે નિર્જળા એકાદશી વ્રત 18 જૂનના રોજ રાખવામાં આવશે. આવો આજે જાણીએ કે, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન કરવા માટે ક્યાં ક્યાં ઉપાય કરવા જોઈએ.
નિર્જળા એકાદશી પર કરો આ વિશેષ ઉપાય
1. નિર્જળા એકાદશીના દિવસે વિધિ- વિધાનપુર્વક ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તેમને ચંદનનું તિલક કરવું જોઈએ. આ સાથે ‘ઓમ અહં અનિરુદ્ધાય નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા છે કે, આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ સાથે ખુશહાલી આવે છે.
2. વિવાહિત જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં તુલસીના છોડ પાસે શુદ્ધ ગાયના ઘીના 11 દીવા પ્રગટાવીને રાખવા જોઈએ. આ સાથે તુલસીની 11 વાર પરિક્રમા કરવી જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
3. જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે નિર્જળા એકાદશી સૌથી ઉત્તમ માર્ગ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંજીરીનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, પંજીરીમાં તુલસીના પાન નાખીને ભગવાનને અર્પણ કરવાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે.
4. આ સાથે જો કોઈની કુંડળીમાં કોઈ પ્રકારનો દોષ બનતો હોય તો, તેનાથી છુટકારો મેળવવા માટે નિર્જળા એકાદશીના દિવસે પાણી, શરબત, પીળા ફળ, કપડાં, કેરી, તરબૂચ કે ખાંડ વગેરે વસ્તુઓ કોઈપણ જરૂરિયાતમંદને આપવી જોઈએ, અથવા ગરીબ બ્રાહ્મણને આપવી જોઈએ. આમ કરવાથી ખૂબ જ શુભ અને પુણ્ય પ્રાપ્ત થાય છે.
5. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ પુર્વક પૂજા- પાઠ દરમિયાન તેમજ આખો દિવસ ઉપવાસ કરતી વખતે 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. એવી માન્યતા છે કે, આમ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે.