ચૈત્ર નવરાત્રીનો આ દિવસ શ્રેષ્ઠ, જમીન-મકાન કે કારની ખરીદી કરવા માટે છે શુભ
Chaitra navratri special : આજથી ચૈત્રી નવરાત્રી પર્વની શરુઆત થઈ ગઈ છે. આ તહેવારમાં લોકો જપ અનુષ્ઠાન, ઉપવાસ કરતાં હોય છે, અને ખૂબ જ ધામધૂમથી દેવી દુર્ગા તેમજ અંબાની પૂજા કરે છે. નવરાત્રિના આ પર્વના 9 દિવસ દરમિયાન દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક નવા કાર્યોની શરુઆત કરવા માટે પણ નવરાત્રિનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી થઈ રહી છે જ્યારે 17 એપ્રિલે પૂરી થશે. આ દિવસો દરમિયાન કોઈપણ નવી વસ્તુની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. જેમ કે જમીન, મકાન, વાહન, ઝવેરાત વગેરે ખરીદવા શુભ માનવામાં આવે છે. આવો આજે જ્યોતિષી પાસેથી જાણીએ કે નવરાત્રિના કયા દિવસે ખરીદી કરવી જોઈએ, જેથી શુભ ફળ મળે?
13મી એપ્રિલે સમાપ્ત થશે ખરમાસ
આ બાબતે જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે, નવરાત્રિમાં દરેક તિથિ પર અલગ-અલગ દેવીઓની પૂજા કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી આથવા તો નવા વ્યાપારની શરુઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ એક વાતનું ધ્યાનમાં રહે કે, નવરાત્રિની શરુઆત ખરમાસના દિવસોમાં થઈ છે અને ખરમાસ દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. અને ખરમાસ 13મી એપ્રિલે સમાપ્ત થશે. એટલે તે પછી તમે ખરીદી કરી શકો છો.
આ દિવસે કરો ખરીદી
જ્યોતિષાચાર્યના કહેવા પ્રમાણે આમ તો નવરાત્રિના દરેક દિવસો ખૂબ જ શુભ હોય છે. પરંતુ નવરાત્રિની સાતમ તિથિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે દેવી દુર્ગાનું પૃથ્વી પર આગમન થયુ હતું. તેથી જો તમે કોઈ નવી વસ્તુ એટલે કે જમીન, મકાન અથવા વાહન ખરીદવા માંગતા હોવ અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો નવરાત્રિની સાતમ તિથિના રોજ ખરીદો.
કેવું રહેશે શુભ મુહૂર્ત
સાતમ તિથિના રોજ જો તમે કોઈ પણ વસ્તુઓ ખરીદવા માંગતા હોવ અથવા નવા વ્યાપારની શરુઆત કરવા માંગતાં હોવ તો, સર્વાર્થ સિદ્ધિ યોગ માટેનો શુભ સમય સવારે 06.25 થી 11 વાગ્યા સુધીનો છે.