Navratri 2020 : સાતમા નોરતે માતા કાલરાત્રી સ્વરૂપની આ વિધિથી કરો પૂજા
- આજે નવદુર્ગાના સાતમાં સ્વરૂપ કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે
નવી દિલ્હી, તા. 23 ઑક્ટોબર 2020, શુક્રવાર
નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રી નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. માતાના આ રૂપને ખૂબ જ ભયંકર માનવામાં આવે છે. તેમનો રંગ કાળો છે અને આ ત્રણ નેત્રધારી છે.. માતા કાળરાત્રીના ગળામાં વિદ્યુતની અદ્દભુત માળા છે. તેમના હાથમાં ખડ્ગ અને કાંટો છે અને તેમનું વાહન ગધેડૉ છે. આ દેવી હંમેશા ભક્તોનું કલ્યાણ કરે છે એટલા માટે તેમને શુભંકરી પણ કહેવાય છે.
તેમની ઉપાસનાથી શું લાભ થાય છે?
શત્રુ અને વિરોધીઓને નિયંત્રિત કરવા માટે માતા કાલરાત્રીની ઉપાસના અત્યંત શુભ હોય છે. તેમની ઉપાસનાથી ભય, દુર્ઘટના તથા રોગનો નાશ થાય છે. તેમની ઉપાસનાથી નકારાત્મક ઊર્જાની અસર થતી નથી. જ્યોતિષમાં શનિ નામના ગ્રહને નિયંત્રણમાં રાખવા માટે તેમની પૂજાથી અદ્દભુત પરિણામ આપે છે.
માતા કાલરાત્રીનો સંબંધ કયા ચક્રથી છે?
માતા કાલરાત્રી વ્યક્તિનું સર્વોચ્ચ ચક્ર, સહસ્તારને નિયંત્રિત કરે છે. આ ચક્ર વ્યક્તિને અત્યંત સાત્વિક બનાવે છે અને દેવત્વ સુધી લઇ જાય છે. આ ચક્ર સુધી પહોંચી જવા પર વ્યક્તિ પોતે ઇશ્વરની અનુભૂતિ કરે છે. આ ચક્ર પર ગુરુનું ધ્યાન કરવામાં આવે છે. આ ચક્રનો કોઇ મંત્ર નથી હોતો. નવરાત્રીના સાતમા દિવસે આ ચક્ર પર પોતાના ગુરુનું ધ્યાન ચોક્કસપણે કરો.
શું છે માતા કાલરાત્રીની પૂજા વિધિ?
માતા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. માતાને લાલ ફૂલ અર્પણ કરો, આ સાથે જ ગોળનો ભોગ ચઢાઓ. માતાના મંત્રોનો જાપ કરો અથવા સપ્તશતીનો પાઠ કરો. કાળા વસ્ત્ર ધારણ કરીને અથવા કોઇને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી પૂજા ન કરો.
શત્રુ અને વિરોધીઓને શાંત કરવા માટે માતા કાલરાત્રીની પૂજા કેવી રીતે કરશો?
શ્વેત અથવા લાલ વસ્ત્ર ધારણ કરીને રાત્રે માતા કાલરાત્રીની પૂજા કરો. માતાની સમક્ષ દીવો પ્રગટાવો અને તેમને ગોળનો ભોગ ચઢાઓ. ત્યારબાદ 108 વખત નવાર્ણ મંત્ર વાંચતા જાઓ અને એક-એક લવિંગ ચઢાવતા જાઓ. નવાર્ણ મંત્ર : "ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे". આ 108 લવિંગને એકત્રિત કરીને અગ્નિમાં નાંખી દો. તમારા વિરોધી અને શત્રુ શાંત થશે.
માતા કાલરાત્રીને શું વિશેષ પ્રસાદ અર્પણ કરશો?
માતા કાલરાત્રીને ગોળનો ભોગ અર્પણ કરો. ત્યારબાદ બધા લોકોમાં ગોળના પ્રસાદનું વિતરણ કરો. તમારા બધાનું સ્વાસ્થ્ય અત્યંત ઉત્તમ થશે.