Get The App

નવકાર મંત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ માટે થાય છે, જાણો તેની નવ અદભૂત વિશેષતા

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
નવકાર મંત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ માટે થાય છે, જાણો તેની નવ અદભૂત વિશેષતા 1 - image


Navkar Mahamantra: 1. નવકાર મંત્રની પહેલી વિશેષતા એ છે કે એ લોકોત્તર મંત્ર છે. જે મંત્રનો ઉપયોગ સામાન્ય રીતે વશીકરણ, આકર્ષણ, મારણ, રોગનિવારણ કે ધનપ્રાપ્તિ માટે થાય, તે બધા જ લૌકિક મંત્રો કહી શકાય. જો કે, નવકાર મંત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ માટે થાય છે. એટલે જ તે લોકોત્તર મંત્ર ગણાય. નવકાર મંત્રને લોકોત્તર મંત્ર કહેવાનું કારણ એ જ છે કે આ મંત્ર અરિહંત જેવા લોકોત્તર મહાપુરુષ વડે કહેવાયો છે અને ગણધર જેવા મહાપુરુષો વડે સંકલના પામેલો છે. તેથી જ નવકાર મંત્રની લોકોત્તરતા વિશે જરા પણ સંદેહ નથી.

2. નવકાર મંત્રની બીજી વિશેષતા એ છે કે અન્ય મંત્રોચ્ચારથી ઘણાં પ્રયાસે ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ નવકાર મંત્ર તો નિષ્કામ ભાવે મંત્રજાપ કરવાનો સંદેશ આપે છે, જે અલ્પ પ્રયાસે ફળદાયી નીવડે છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે.

3. નવકાર મંત્રની ત્રીજી વિશેષતા એ છે કે અન્ય મંત્રોમાં જેમની સાધના કરાય છે, તે દેવી-દેવતાઓ વિશિષ્ટ રીતે શક્તિશાળી હોવા છતાં આખરે તો સંસારી આત્મા જ છે. તેઓ રાગ, દ્વેષ, સ્પૃહા વગેરેથી મુક્ત જરૂર છે, પરંતુ નવકાર મંત્રમાં જેની આરાધના થાય છે, તે પંચપરમેષ્ઠી, વિતરાગી, નિ:સ્પૃહી પુણ્યાત્માઓ છે. તેમની કલ્પના પણ ના થઈ શકે એવી શક્તિ આગળ બધા જ દેવી-દેવતાની શક્તિની કોઈ વિસાત નથી. નવકાર મંત્ર શક્તિશાળી હોવાનાં અનેક કારણ છે, પરંતુ એક ખાસ કારણ એ છે કે એના અધિષ્ઠાતાઓની પરમ વિશુદ્ધિને કારણે કે આત્માઓની ગમે તેટલી શક્તિ હોય, તો પણ પંચપરમેષ્ઠી ભગવંતોની અચિંત્ય શક્તિમાં તેઓ માત્ર બિંદુ સમાન ગણી શકાય.

4. નવકાર મંત્રની ચોથી વિશેષતા એ છે કે અન્ય મંત્રોમાં કોઈ ને કોઈ દેવ એનો અધિષ્ઠાયક હોય છે અને તે વશ કે પ્રસન્ન થાય ત્યારે જ એ મંત્ર સિદ્ધ થયો ગણાય. જો કે, નવકાર મંત્રનો કોઈ અધિષ્ઠાયક દેવ નથી. ઊલટું અનેક સમ્યક્ત્વધારી (ચોક્કસ પ્રકારની શ્રદ્ધાવાળી વિવેકદૃષ્ટિ) દેવીદેવતા તેમના સેવક થઈને રહે છે અને અનન્ય ભાવે સેવા કરનારા આરાધકોના મનોરથ પૂર્ણ કરે છે. આમ, કોઈ દેવી-દેવતાઓની શક્તિના કારણે નવકાર મંત્ર શક્તિશાળી કે પ્રભાવસંપન્ન નથી, પરંતુ મહામંત્ર નવકારની શક્તિ અને પ્રભાવ જ એટલા વ્યાપક છે કે, દેવોને પણ તેમના સેવક બનીને રહેવું પડે છે.

5. નવકાર મંત્રની પાંચમી વિશેષતા એ છે કે અન્ય મંત્રોનો જાપ અનુગ્રહ-નિગ્રહ, લાભ-હાનિ ઉભય માટે કરાય છે, પરંતુ નવકાર મંત્રથી કોઈને હાનિ ના થઈ શકે. આ મહામંત્રથી ફક્ત લાભ જ મળે. એ અસામાન્યપણું જ મહામંત્રની પાંચમી વિશેષતા છે.

6. નવકાર મંત્રની છઠ્ઠી વિશેષતા એ છે કે અન્ય મંત્રો ઉચ્ચારણમાં કઠિન, ક્લિષ્ટ અને ગૂઢાર્થવાળા હોય છે, જ્યારે નવકાર મંત્રના ઉચ્ચારો સરળ છે. તેના અર્થ પણ સરળ રીતે સમજાય એવા અને સ્પષ્ટ છે. એટલે જ બાળકોથી લઈને વૃદ્ધો તે સરળતાથી બોલી શકે છે. 

7. નવકાર મંત્રની સાતમી વિશેષતા એ છે કે નવકાર મંત્રમાં ઓમકાર, હીંકાર, અર્હં વગેરે શક્તિશાળી બીજ મંત્રો પણ છે. નવકાર મંત્ર જ સર્વ મંત્રોનું ઉત્પત્તિ સ્થાન છે એવું પણ શાસ્ત્રકારોનું કથન છે. ‘પ્રવચન સારોદ્ધાર’ વૃત્તિમાં પણ ‘સર્વમંત્રરત્નાનામુત્પત્યાકરસ્ય’ એમ કહીને આ વસ્તુને સાધકો સમક્ષ સૂચિત કરાઈ છે.

8. નવકાર મંત્રની આઠમી વિશેષતા એ છે કે અન્ય મંત્રોમાં ‘નમો’ કે ‘નમ:’ પદ આગળ કે પાછળ એક અથવા બે વાર આવતું હોય છે, પણ નવકાર મંત્રમાં ‘નમો’ પદ પાંચ વાર આવે છે. આ આઠમી વિશેષતા છે. ‘નમો’ પદ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ વિનયનું અને મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ મન-આત્માની શુદ્ધિ કરનારું તેમજ તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ શાંતિક પૌષ્ટિક ક્રિયાનો સંકેત આપનારું છે. તેનાથી સર્વ ઉપદ્રવો શમી જાય છે, ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.

9. નવકાર મંત્રની નવમી વિશેષતા એ છે કે આ મહામંત્રનું ભાવપૂર્ણ ઉચ્ચારણ કરતાં જ જૈનોના 68 તીર્થની યાત્રા થઈ જાય છે. આ મહામંત્રનો એક-એક અક્ષર એક-એક તીર્થ બરાબર છે. એ રીતે આ નવકાર મંત્રની આરાધના કરવાની સાથે છ તીર્થની યાત્રાનો પણ લાભ મળી શકે છે. 

નવકાર મંત્રની આ નવ વિશેષતા છે. આ મહામંત્ર અધમમાં અધધમ જીવોના કાનમાં પડે તો તેની દુર્ગતિ અટકી શકે છે. તેના શ્રવણમાત્રથી દુર્જનો પણ ભવસાગર તરી જાય છે. આમ નવકાર મંત્રનો આપણા સૌ પર મહા-ઉપકાર છે. તેથી એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખી એનું નિત્ય સ્મરણ કરવું એ પ્રત્યેક જીવ માટે પરમ હિતકારી છે.

નવકાર મંત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ માટે થાય છે, જાણો તેની નવ અદભૂત વિશેષતા 2 - image

Tags :