મેષ (અ.લ.ઇ.) .
- યશ-પદ અને ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી આનંદ-ઉત્સાહ રહે
- તમારી નિરાશા દૂર થાય. હળવાશ અનુભવો. પરદેશ માટે પ્રયત્ન કરતા સંતાનને તેમાં સફળતા મળે
- ધંધામાં ધ્યાન આપી શકો અને ધંધાને આગળ વધારી શકવામાં સાનુકુળતા થતી જાય
લે.- પ્રિ. પદ્મનાભ અગ્નિહોત્રી પ્રાધ્યાપક અગ્નિદત્ત અગ્નિહોત્રી
પ રમકૃપાળુ મા નવદુર્ગા અને યજ્ઞાનારાયણ ભગવાનની અસીમકૃપાથી વિક્રમ સંવત ૨૦૭૯ કારતક સુદ એકમ તા. ૨૬/૧૦/૨૦૨૨ બુધવારથી શરૂ થાય છે. જૈનવીર સંવત ૨૫૪૯નો પ્રારંભ થાય છે. નવા વર્ષના ગ્રહયોગ અનુસાર રાશિ ફલાદેશ વિગતવાર જોતાં વિક્રમ સંવત ૨૦૭૯, જૈન વીર સંવત ૨૫૪૯ કારતક સુદ એકમ તા. ૨૬-૧૦-૨૦૨૨ બુધવારથી શરૂ થાય છે તે મા નવદુર્ગાની અસીમ કૃપાથી પુત્ર પૌત્રાદિક માટે પ્રગતિકારક રહેશે. સંતાન માટે વધારાનો ખર્ચ થાય પરંતુ આપ આનંદમાં રહી શકો. વર્ષારંભે ગુરૂની પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં સાનુકુળતા રહે. વિશેષમાં...
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભથી જ આપે આરોગ્યની કાળજી રાખવી પડે. વજનની વધઘટ ઉપર આપે ધ્યાન રાખવું પડે. વ્યસની વ્યક્તિઓએ ગળામાં, મોમાં, પેટમાં ઘાતક બિમારીની અસરનો સામનો કરવો પડે. ખર્ચા કરવા પડે. પાન-મસાલા ગુટકા, દારૂ કે નશીલી દવાઓના વ્યસન ફરજીયાત પણે છોડવા પડે. વિજાતીય શારિરીક સંબંધમાં ગંભીર બિમારીના ભોગ બનવું પડે. વધુ પડતો ઉશ્કેરાટ ગુસ્સો કરનારે બ્રેઇન સ્ટ્રોકથી સાચવવું પડે. પડવા વાગવાથી લપસી પડવાથી કે વાહનની ટક્કરથી માથામાં - પગમાં ઇજા-પીડા અનુભવાય. કારતક-માગશર મહિનામાં નાની મોટી શસ્ત્રક્રિયા થાય. કમરમાં ગુદામાં પેશાબના ભાગમાં દર્દ પીડાથી અસ્વસ્થતા અનુભવાય. જીભ સુકાઈ જવી, ચીરા પડવા કે ચાંદા પડવાની તકલીફમાં લાપરવાહી બેદરકારી રાખવી નહીં. સ્ત્રી વર્ગે લીપસ્ટીક, આઈશેડ, આઈ બ્રો કરવામાં, હેરડાઈ કરવામાં ધ્યાન રાખવું પડે. ચહેરાની શરીરની સુંદરતા દેખાવમાં બદલાય આવે. જાતીય સંબંધ સમાગમમાં, ઓરલ સેક્સમાં ધ્યાન રાખવુંપડે. વર્ષના મધ્યભાગ પછી આરોગ્ય સુખાકારી માટે વર્ષ સારૂં રહે.
આર્થિક સુખ સંપત્તિ
વિક્રમ સંવત ૨૦૭૯માં પ્રારંભથી ચૈત્ર મહિના સુધીનો સમય ખર્ચ-ચિંતા નાણાભીડ મુંઝવણમાં પસાર થાય. મકાન જમીન મીલ્કતના વેચાણમાં, ખરીદીમાં ફેરબદલીમાં રીડેવલપમેન્ટના કામમાં લાપરવાહી બેદરકારી રાખવી નહીં. આવક સ્થગિત થઇ ગઇ છે. આવકમાં ઘટાડો થયો છે તેવું અનુભવાય. પરિવારના ખર્ચ વ્યવહારમાં મુંઝવણ મુશ્કેલી અનુભવાય. નાણાંકીય જવાબદારીવાળા કામમાં, બેંકના કામમાં, શેરોની કામગીરીમાં, બેંક લોન કે અન્ય લોન લેવામાં તકલીફ અનુભવાય. લોભ લાલચમાં વ્યાજે પૈસા ફેરવનારે ધ્યાન રાખવું પડે. બિમારીના કારણે ખર્ચા વધી જાય. અને ખોટી રીતે લીધેલા નાણાં બિમારીમાં સમાઈ ગયાનો અનુભવ થાય. પરંતુ વર્ષના મધ્યભાગ પછીનો સમય ધીમે ધીમે સાનુકળ થતો જાય. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી આનંદ-ઉત્સાહ રહે. કાર્યસફળતા પ્રગતિથી, સમય સ્થાનની ફેરફારીથી તમારી આવકમાં, સુખ-સંપત્તિમાં વધારો થાય. બચતમાં નાણાનું રોકાણ થઇ શકે. ફસાયેલા નાણા છૂટા થવાથી રાહત જણાય. સંયુક્ત મિલ્કતનો પ્રશ્ન ઉકેલાય. વડીલ વર્ગના સહકારથી આપને હળવાશ રાહતની લાગણી અનુભવાય. હિંમત રહે. સગા સંબંધી મિત્રવર્ગના સંબંધો, વ્યવહાર સાનુકુળ થતાં જાય. જૂના નવા સંસ્મરણો સંબંધો તાજા થાય. નવી ઓળખાણ મિત્રતાથી લાભ ફાયદો થાય.
પત્ની-સંતાન-પરિવાર
વર્ષારંભે પારિવારીક કૌટુંબિક પ્રસંગમાં પ્રતિકૂળતા જણાય. જીદ્દ મુમત અહમના ટકરાવમાં વિવાદમાં સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડે. અન્યની કાન ભંભેરણીથી દોરવાયા દોરવાઈ જવાથી એકલા પડી જાવ. ભાગલા પડાવનાર પોતાના અંગત સ્વાર્થ સાધવાના પ્રયત્નો કરે. ભાગલા પડાવી ખુશ થાય. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ પત્ની સંતાન પરિવાર માટે વર્ષ સારું થતું જાય. અવિવાહિત સંતાનના વિવાહ-લગ્નની વાતચીત આવે, નક્કી થાય કે લગ્ન થવાથી આનંદ-ઉત્સાહ રહે. વિદ્યાભ્યાસ કરતાં સંતાન અભ્યાસના ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકે. સફળતા પ્રાપ્ત કરે. તે સિવાય નોકરી ધંધામાં સંતાનને યશ-પદ-ધનની પ્રાપ્તિ થવાથી પરિવારની સુખ સંપત્તિમાં વધારો થાય. તમારી ચિંતા-નિરાશા દૂર થાય. હળવાશ અનુભવો. પરદેશ માટે પ્રયત્ન કરતા સંતાનને તેમાં સફળતા મળી રહે.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીમાં વર્ષ આરોહ અવરોહનું રહે. સતત કામની દોડધામ ચિંતામાં આરોગ્યની અસ્વસ્થતા અનુભવાય. પૈસા મળે પરંતુ ખર્ચામાં આવક સમાતી જાય. તા. ૨૧-૪-૨૦૨૩ સુધીનો સમય પ્રતિકૂળ રહે. તમને શાંતિ રાહત જણાય નહીં. કામ કરો છતાં જશ મળે નહીં. તમારી મહેનત બુધ્ધિ અનુભવ આવડતમાં લાભ બીજાને વધુ મળે છે તેવું અનુભવાય. તમારી પ્રગતિ અટકી ગઇ છે તેવું લાગ્યા કરે. પરંતુ આપે આવેશ-ઉશ્કેરાટમાં આવી જઇને નોકરી છોડવી નહીં. રાજીનામું આપવું નહીં. ૨૧ એપ્રીલ પછી કામમાં ફેરફારી થાય. સ્થળ-સ્થાનની ફેરફારી થાય. પરંતુ આપે તેનો સ્વીકાર કરી લેવો. તા. ૧૦-૫ થી ૨૩-૬ સુધી માનસિક પરિતાપ હૃદય મનની વ્યગ્રતા જણાય, નવી જગ્યાએ નવા ફેરફારોમાં તકલીફ અનુભવાય. આત્મવિશ્વાસમાં કમી જણાય. પરંતુ ત્યાર પછી કામમાં સાનુકુળતા થતી જાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. લાભ ફાયદો થતો જાય તેથી આનંદ-ઉત્સાહ અનુભવાય. તમને કલ્પના ના હોય, વિચાર્યું ન હોય કે ઇચ્છા દર્શાવી ન હોય છતાં તમારા નસીબ ભાગ્યમાં એક નવો વળાંક આવે, નવો તબક્કો શરૂ થાય.
જેમને નોકરી છૂટી ગઇ હોય, નોકરી ન હોય, આવક ન હોય તેમને નોકરી મળવાથી રાહત હળવાશ જણાય. આવક ચાલુ થવાથી હતાશા નિરાશા દૂર થતાં જાય. સરકારી નોકરી કરનારને બઢતી બદલી થાય. ખાનગી નોકરી હોય તેમને અન્ય સંસ્થામાં તક મળે પરંતુ ફેરફારીમાં ઉતાવળ કરવી નહીં. સમજી વિચારીને ચર્ચા વિચારણા બાદ જે તે નિર્ણય કરવો.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
ધંધાકીય દ્રષ્ટિએ સંવત ૨૦૭૯નો પ્રારંભ પ્રતિકૂળ રહે. આકસ્મિક ચિંતા ઉપાધી નુકસાન બંધનમાં અટવાઈ પડો નહીં તેની તકેદારી રાખવી પડે. દેવાની પરિસ્થિતીમાં કાનુની વિવાદમાં તેમજ ઇન્કમટેક્ષ સેલટેક્ષ, જી.એસ.ટી.ના ચક્કરમાં તમારી ઉંઘ હરામ થઇ જાય. પારિવારીક કૌટુંબિક સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં, વાદ-વિવાદ-સંઘર્ષ, મનદુઃખ, ગેરસમજ ઉભી થવાથી ધંધા માટે સમય મુશ્કેલ બની રહે તે સિવાય વડીલ હોય તેમને બિમારી આવવાથી કે મૃત્યુ થવાથી ધંધામાં મુશ્કેલી મુંઝવણ અનુભવાય. તા. ૧૦-૫ થી ૩૦-૬ સુધીનો સમય અગ્નિ પરીક્ષાનો રહે. પરંતુ ત્યાર પછી ધીમે ધીમે પરિસ્થિતિ સાનુકુળ થતી હોય તેવું લાગે.
આપની બુધ્ધિ ધીરજ સ્વસ્થતાના લીધે કામનો ઉકેલ આવતો જાય. નસીબ યારી આપતું થાય. ધંધો આવક ગોઠવાતાં જાય. નવી જગ્યા લઇ શકાય. ભાડાની જગ્યા હોય તો પોતાની સ્વતંત્ર માલિકીની જગ્યા લેવાના સંજોગો ઉભા થાય. નવા જૂના સંબંધો સંસ્મરણો ધંધા માટે, ધંધાની પ્રગતિ આવક માટે સાનુકુળ રહે.
પત્ની સંતાનના નામે ધંધો હોય તો વર્ષનો ઉત્તરાર્ધ વધુ સાનુકુળ રહે. પત્ની સંતાનનું નામ ધંધામાં સાથે રાખવાથી તેમના નસીબ ભાગ્યનો લાભ આપને મળી રહે. ધંધાનો વ્યાપ વિસ્તાર આવક વધે. કૌટુંબિક પારિવારીક સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં, મનદુઃખ ગેરસમજ દૂર થવાથી ધંધામાં ધ્યાન આપી શકો અને ધંધાને આગળ વધારી શકવામાં સાનુકુળતા થતી જાય.
સ્ત્રી વર્ગને ધર્મકાર્યમાં, આધ્યાત્મિકતામાં પુત્ર પૌત્રાદિકના શુભ કાર્યમાં ખર્ચ ખરીદી થાય. આનંદ રહે. આત્મવિશ્વાસમાં વધારો થાય. પરંતુ વર્ષના મધ્યભાગ સુધી પારિવારીક કલહ-કંકાસથી સંભાળવું પડે. જેમને છૂટાછેડાનોકેસ ચાલતો હોય તેમના માટે આ સમય પ્રતિકૂળ રહે. સાસરી પક્ષે મોસાળ પક્ષે બિમારી ચિંતા-ખર્ચ દોડધામનું આવરણ આવી જાય. તા. ૧૦-૫ થી ૧૬-૭ સુધીનો સમય વ્યવસાયિક અને પારિવારીક ચિંતા ઉચાટ અપાવે. તબિયતની કાળજી રાખવી પડે. પરંતુ ત્યાર પછીનો સમય આપના માટે રાહતનો રહે. પતિ-સંતાન-પરિવારનો સાથ સહકાર મળી રહે. આપના કામ થવાથી આનંદ ઉત્સાહ રહે. સંતાનના વિવાહ લગ્નનું નક્કી થાય. અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. તા. ૩૦-૧૦-૨૦૨૩થી નાણાંકીય બાબતોમાં ધ્યાન રાખવું.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી જ અભ્યાસનું વ્યવસ્થિત આયોજન કરી તે પ્રમાણે મહેનત કરવી પડે.
કારતક વદ એકમ તા. ૨૬-૧૦-૨૦૨૨થી તા. ૨૧-૪-૨૦૨૩ સુધીનો સમય અભ્યાસમાં પ્રતિકૂળતાવાળો રહે. ચિંતા-ઉચાટનો રહે. મિત્રવર્ગથી મુક્ત રહી અભ્યાસમાં ધ્યાન આપવું પડે. વિશેષ મહેનત કરવી પડે. આરોગ્યની કાળજી રાખવી પડે.
તા. ૧૦-૫થી ૧૬-૭ સુધીના સમયમાં પણ અભ્યાસમાં બેદરકારી રાખવી નહી. આળસ તેમજ વધુ પડતાં આત્મવિશ્વાસમાં રહેવું નહીં. ઉચ્ચ કારકિર્દીનું વર્ષ હોય તેમણે મિત્રતા લાગણીના સંબંધોથી દૂર રહેવું.
તા. ૨૧-૪-૨૦૨૩ પછીનો સમય અભ્યાસ માટે સાનુકુળ રહેશે. તમારી મહેનતનું પરિણામ પ્રાપ્ત થઇ રહ્યું છે તેવું અનુભવાય. વધુ અભ્યાસ માટે સ્થળાંતર કરવું પડે કે વિદેશ ગમનના યોગ ઉભા થાય. ખર્ચ કરવો પડે. પરંતુ પ્રગતિની શરૂઆત થાય.
ઉપસંહાર
વિક્રમ સંવત ૨૦૭૯ના પ્રારંભથી ફાગણ વદ અમાસ સુધીનો સમય પ્રતિકૂળ રહે. ચિંતા ઉચાટ દોડધામ ખર્ચ જણાય પરિવારની, નોકરી ધંધાની, આરોગ્યની ચિંતા રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ધીમે ધીમે સાનુકુળતા થતી જાય. આપના રૂકાવટ વિલંબમાં પડેલા કામ ઉકેલાતા જાય. પત્ની સંતાન પરિવાર માટે સાનુકુળ સમય રહે. આનંદ-ઉત્સાહ રહે.