Get The App

મકર (ખ.જ.) : અન્ય કોઈ પણ ભરોસો ભારે પડશે, મોટાં આર્થિક નુકસાનથી બચવા સાવચેત રહેવું જરૂરી

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
મકર (ખ.જ.) : અન્ય કોઈ પણ ભરોસો ભારે પડશે, મોટાં આર્થિક નુકસાનથી બચવા સાવચેત રહેવું જરૂરી 1 - image


- પનોતી પૂર્ણ થતાં શનિનું પરિભ્રમણ સારું રહેતાં આપના માટે લાભદાયી રહે. જોકે 18 મે થી ગુરૂ છઠ્ઠો થતાં આપના કાર્યમાં વિલંબ-રૂકાવટ અપાવે

- સાડા સાત વર્ષની શનિની પનોતી છેલ્લો ઉતરતો તબક્કો આપને ચિંતા-ઉચાટ અપાવડાવે તો ગુરૂનું પરિભ્રમણ આપને રાહત આપતું જાય. 

સંવત ૨૦૮૧ ના વર્ષમાં શનિ-ગુરૂનું પરિભ્રમણ મિશ્ર રહે. રાહનું પરિભ્રમણ સારું રહે. ફાગણ વદ અમાસ તા. ૨૯ માર્ચ સુધી શનિની સાડા સાત વર્ષની પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયેથી પસાર થઈ રહ્યો છે. જે આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા રખાવશે. ત્યાર બાદ શનિનું પરિવર્તન સાનુકૂળ રહેશે. આપના માટે લાભદાયી બની રહેશે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભથી ૨૯ માર્ચ સુધી શનિની પનોતીનો છેલ્લો અઢી વર્ષનો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થઈ રહ્યો છે. જે આપને શારીરિક-માનસિક કષ્ટ-પીડા રખાવે. માથામાં, આંખોમાં દર્દ-પીડા રહે. હતાશા-નિરાશાનો અનુભવ થાય. પરંતુ ગુરૂનું સાનુકૂળ પરિભ્રમણ આપને રાહત અપાવશે. જુની બીમારીમાં , વારસાગત બીમારીમાં રાહત રહે. વજનમાં વધારો જણાય. ૨૯ માર્ચથી શનિની પનોતી પૂરી થતાં અને શનિનું પરિભ્રમણ સારું થતાં તે આપના માટે લાભદાયી રહેશે. પરંતુ તા. ૧૪/૫ થી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ થાય છે. આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. વધતું વજન આપના માટે મુશ્કેલી ઉભી ના કરે તેની તકેદારી રાખવી. આંખોમાં, મોં-ગળામાં, દાંતમાં દર્દ-પીડા જણાય.

તા. ૬ જૂનથી ૨૮ જુલાઈ દરમ્યાન છાતીમાં દર્દ-પીડા રહે. બી.પી.ની તકલીફ હોય, કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમણે કાળજી રાખવી પડે. લોહીના વિકારથી થતાં રોગોમાં સંભાળવું પડે. પડવા-વાગવાથી મચકોડ-ફ્રેકચરથી ધ્યાન રાખવું. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. તા. ૧૬/૮ થી ૧૬/૯ દરમ્યાન ચામડીના રોગ, એલર્જીથી સંભાળવું પડે. પગની તકલીફ જણાય. તે સિવાય પાણીથી થતાં રોગોથી સંભાળવું પડે.

આર્થિક સુખ-સંપત્તિ

સંવત ૨૦૮૧ નું વર્ષ આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ મધ્યમ રહે. વર્ષાંરંભથી વર્ષની મધ્ય સુધી શનિની ઉતરતી સાડાસાતી પનોતી દરમ્યાન આપે સાવધાની રાખવી પડે. આંધળા નાંણાકીય સાહસો કરવા નહીં. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ખર્ચ જ આવરણ આવી જાય. આકસ્મિક ખર્ચ જણાય. ઉધારમાં આપેલ માલના નાંણા સમયસર છૂટા ન થવાથી નફામાં નુકસાન ભોગવવું પડે. જોકે આ સમય દરમ્યાન ગુરૂ સાનુકૂળ રહેતાં આપને રાહત રહે. આકસ્મિક ઘરાકીના લીધે આવક જણાય. જૂની ઉઘરાણીનાં નાંણા છૂટા થાય. આકસ્મિક કોઈ લાભ-ફાયદો મળી રહે. પરદેશના કામનો ઉકેલ આવવાથી નાંણા છૂટા થાય. આવક-જાવક ચાલુ રહે પરંતુ તેમ છતાં બચતનું આયોજન, બચત કરી શકો. સરકારમાં ફસાઈ ગયેલા નાંણા છૂટા થવાથી રાહત જણાય.

પરંતુ વૈશાખ વદ બીજ તા. ૧૪/૫/૨૦૨૫ થી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ થાય છે. તેથી આવક થાય ખરી પરંતુ આવકમાં વધારો જણાય નહીં. પુનઃ આકસ્મિક ખર્ચાઓ- ખોટા ખર્ચાઓ ચાલું થતાં આપે નાંણાકીય આયોજન સંભાળીને કરવું પડે. સરકારી કામકાજ કરવામાં નાંણા ફસાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે.

વર્ષના પ્રારંભથી ૨ ડિસેમ્બર દરમ્યાન સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. ધંધાકીય બાબતોમાં કોઈને કોઈ ખર્ચ રહે. સરકારી કાર્યવાહીના લીધે કે અન્ય કારણોસર નાંણા ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ખર્ચ જણાય. મોસાળ પક્ષ - સાસરી પક્ષના કામકાજના લીધે ખર્ચ રહે. જોકે આપે ખોટા ખર્ચાઓથી બચવું પડે. સીઝનલ ધંધામાં માલ બગડી જવાથી આપને નુકસાન જણાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય?

વિક્રમ સંવત ૨૦૮૧ નું વર્ષ નોકરીની દ્રષ્ટિએ મધ્યમ રહેશે. ૨૯ માર્ચ સુધી શનિની ઉતરતી પનોતી આપના માટે કષ્ટદાયી રહે. મહેનતના પ્રમાણમાં કામ થાય નહીં. કામકાજમાં કોઈને કોઈ કારણસર વિલંબ રહ્યા કરે. પારિવારીક પ્રશ્નોને લીધે કામમાં ધ્યાન આપવામાં તકલીફ જણાય. જોકે ગુરૂની સાનુકૂળતા આપને રાહત રખાવશે. આપના કેટલાક અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. નોકરીના કામકાજ અંગે પરદેશ જવાનું બને. પનોતી પૂર્ણ થતાં શનિનું પરિભ્રમણ સારું રહેતાં આપના માટે લાભદાયી રહે. જોકે ૧૮ મે થી ગુરૂ છઠ્ઠો થતાં આપના કાર્યમાં વિલંબ-રૂકાવટ અપાવે. આપની પ્રગતિથી ઈર્ષ્યા કરનાર વર્ગ, હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરો. નોકર-ચાકરની તકલીફના લીધે કામ અટકી પડે.

તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી સરકારી-રાજકીય-ખાતાકીય કાર્યવાહીમાં ફસાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. અન્ય કોઈની ભૂલના લીધે આપે ઠપકો સાંભળવો પડે. સરકારી નોકરીમાં ઉપરીવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. નાંણાકીય જવાબદારીવાળા કામમાં આપે અન્ય કોઈ પર ભરોસો રાખવો નહીં. આપના સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો લીધે કામમાં ધ્યાન આપવામાં મુશ્કેલી રહે કે કામમાં વિલંબ  જણાય. ૩૧ મે થી ૨૯ જુન સુધીના સમયમાં આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ આવ્યા કરે. મહત્વના નિર્ણયો લેવામાં આપે ધ્યાન રાખવું પડે. વાણીના સંયમતા રાખીને ચૂપચાપ પોતાનું કામ કરી લેવું. તા. ૧૪/૯ થી ૯/૧૦ દરમ્યાન કામકાજ સંબંધી દબાણ-તણાવના લીધે આપના સ્વાસ્થ્ય પર અસર જણાય. તેની અસર આપના કાર્ય પર પણ પડે. નાંણાકીય લેવડ-દેવડમાં ફસાઈ ન જાવ, નાંણા ભરેલી બેગ ખોવાઈ કે ચોરાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય?

ધંધાકીય દ્રષ્ટિએ સંવત ૨૦૮૧ નું વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે ગુરૂની સાનુકૂળતાને લીધે આપને ધંધામાં આકસ્મિક સરળતા મળી રહે. આપના કામનો ઝડપતી ઉકેલ આવતો જાય. ધંધાકીય નવું કોઈ આયોજન વિચારી રહ્યા હોય તો તે થઈ શકે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નીચો ઓર્ડર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. આપની બુદ્ધિ- અનુભવ- આવડત- મહેનતના આધારે પ્રગતિ કરી શકો. જોકે શનિની ઉતરતી પનોતીના લીધે આપે થોડું સંભાળીને ચાલવું. એકદમ આંધળુકીયા કરવા નહીં. કામમાં વિલંબ જણાશે. આપે ધીરજ રાખવી. નાંણાકીય જોખમ વધારતા પહેલા ચર્ચા-વિમર્શ કરી લેવા. સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ- ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે.

વર્ષની મધ્યમમાં તા. ૨૯ માર્ચે શનિની પનોતી પૂર્ણ થાય છે અને તેનું ભ્રમણ આપના માટે શરૂ થઈ રહ્યું છે. પરંતુ ૧૪/૫ થી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ થઈ રહ્યું છે. તેથી ધંધામાં આપે ધીરજ રાખીને કામ કરવું. ઉતાવળ કરવી નહીં. આપને હરિફ વર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સીઝનલ ધંધામાં આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ થાય. નોકર-ચાકર વર્ગ - સહકાર્યકર વર્ગની મુશ્કેલીને લીધે આપના કાર્યભાર-દોડધામ- શ્રમમાં વધારો થાય. તેમ છતાં આપના કેટલાક કાર્ય પાર પડતાં આપને રાહત રહે.

વર્ષારંભથી ૨ ડિસેમ્બર દરમ્યાન કોઈને કોઈ આકસ્મિત ખર્ચના લીધે નાંણાભીડ રહે. માલનો બગાડ થવાથી કે સમયસર માલ ન વેચાવાથી આપે નફામાં નુકસાન ભોગવવું પડે. શેરબજારના કામમાં આપે કોઈના દોરવાયા દોરવાઈ જઈ નાંણાકીય રોકાણ કરવું નહીં.

સ્ત્રી વર્ગ

સ્ત્રીવર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૧ નું વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભથી મધ્ય સુધી શનિની ઉતરતી પનોતીના લીધે કૌટુંબિક-પારિવારીક ચિંતા રખાવડાવે. સામાજિક-વ્યવહારિક કામમાં આપે સંભાળવું પડે. માનસિક- પરિતાપ- વ્યગ્રતા, વિચારોથી દ્વિધા જણાય. નાંણાકીય રીતે સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી રહે. જોકે ગુરૂની સાનુકૂળતા પતિ-સંતાનનો, ભાઈભાંડુ વર્ગનો સાથ-સહકાર રખાવડાવે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થાય. સંતાનના કામ થવાથી આનંદ રહે. પનોતી બાદ શનિનું પરિભ્રમણ સારું રહે છે તેથી કૌટુંબિક-પારિવારીક ચિંતા, માનસિક પરિતાપ દૂર થાય. પરંતુ ૧૪ મે થી ગુરૂનું પરિભ્રમણ આપને મોસાળપક્ષ - સાસરીપક્ષના કામકાજ અંગે દોડધામ-શ્રમ- વ્યસ્તતા રખાવશે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ જણાય. ભાઈભાંડુ વર્ગ સાથે વાદ-વિવાદ- ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગ માટે સંવત ૨૦૮૧ ના વર્ષનો પ્રારંભ સારો રહે. ગુરૂની સાનુકૂળતાને લીધે અભ્યાસમાં સરળતા રહે. આપના ખ્યાલ સ્પષ્ટ થતાં વિષયને સમજી શકો. જોકે અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. શનિની ઉતરતી પનોતી પરીક્ષા સમયે હતાશા-નિરાશા રખાવે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્નના લીધે અભ્યાસ બગડે નહીં તેની તકેદારી આપે રાખવી પડે. વર્ષ પસાર થતું જાય તેમ ગુરૂ પરિભ્રમણ બદલાતાં આપે અભ્યાસમાં વિશેષ સાવધાની રાખવી પડે. કોઈ અન્યની ભૂલના ભોગ આપે ન બનવું પડે. તેની તકેદારી રાખવી. પરીક્ષા સમયે બીમારી-અકસ્માતથી સંભાળવું પડે. હરિફવર્ગ આપને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરે. લાગણી-મિત્રતાના સંબંધથી દૂર રહેવું.

ખેડૂત વર્ગ

સંવત ૨૦૮૧ નું આ વર્ષ ખેડૂતવર્ગ માટે ઉતાર-ચઢાવવાનું રહે. વર્ષના પ્રારંભમાં ગુરૂનું ભ્રમણ આપને મદદરૂપ થાય. ખેતીમાં નવો પાક લઈ શકો. સમયસર બીજ-ખાતર-સાધનો મળી રહેતાં આપના કામ થતાં રહે. પરંતુ વરસાદના વિલંબના કારણે કે અન્ય કારણોસર વાવણીમાં વિલંબ અનુભવાય. રાસાયણિક ખાતર-બીયારણ કે દવાઓના ઉપયોગમાં સાવધાની રાખવી પડે. વર્ષની મધ્યમાં શનિની પનોતી પૂર્ણ થશે તેમજ તેનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપના માટે લાભદાયી રહે. પરંતુ ગુરૂનું મધ્યમ પરિભ્રમણ આપના કાર્યમાં ધારી સફળતા અપાવે નહીં. આપના દોડધામ-શ્રમમાં- કાર્યભારમાં વધારો થાય. નોકરી સાથે ખેતીકામ કરનારને બન્ને સાથે સંભાળવામાં મુશ્કેલી પડે. નોકરીની દોડધામને લીધે ખેતીના કામમાં પૂરતું ધ્યાન આપી શકો નહીં.

ઉપસંહાર

સંવત ૨૦૮૧ નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે. સાડા સાત વર્ષની શનિની પનોતી છેલ્લો ઉતરતો તબક્કો આપને ચિંતા-ઉચાટ અપાવડાવે તો ગુરૂનું પરિભ્રમણ આપને રાહત આપતું જાય. એક-બે કામનો સરળતાથી ઉકેલ આવે તો એક-બે કામમાં મુશ્કેલી અનુભવાય. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ઉચાટ-ઉદ્વેગ-ખર્ચ જણાય. વર્ષ પસાર થતું જાય તેમ શનિની પનોતી પૂર્ણ થતાં તેનું ભ્રમણ સારું થતું જાય. આપને સહાયરૂપ બને. આપના માનસિક પરિતાપ વ્યગ્રતા દૂર થતાં જાય. પરંતુ ગુરૂનું પરિભ્રમણ મધ્યમ થતાં તે આપના દોડધામ-શ્રમમાં વધારો કરે. નાંણાકીય ખર્ચમાં વધારો થતાં આપના નાંણાકીય આયોજનમાં ફેરફાર કરવા પડે. જોકે એકંદરે વર્ષ સારું રહે. નોકરી-ધંધામાં નવી તકો પ્રાપ્ત થાય.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષની મધ્ય સુધી શનિની ઉતરતી પનોતી કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રખાવડાવે. સંયુક્ત માલ-મિલ્કત-ધંધાના પ્રશ્ને ભાઈભાંડુ વર્ગ સાથે વાદ-વિવાદ- ગેરસમજ- મનદુઃખથી સંભાળવું પડે. કોર્ટમાં કેસ ચાલતો હોય તો આપે ઉતાવળ કરવી નહીં. જોકે ગુરુની સાનુકૂળતાને લીધે આપને થોડી રાહત રહેશે. પુખ્ત વયના સંતાનનો સાથ-સહકાર આપને મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થતાં જાય. વર્ષાન્તે ગુરૂનું ભ્રમણ મધ્યમ થતાં આપે સંભાળવું પડે. સામાજિક-વ્યવહારિક કામકાજમાં, સાસરી પક્ષ- મોસાળ પક્ષના કામમાં વ્યસ્તતા- દોડધામ- શ્રમ- ખર્ચ જણાય. આનંદ રહે. ભાઈભાંડુ વર્ગના સ્વાસ્થ્યની ચિંતા આપને રહે. ખર્ચ રખાવે.


Google NewsGoogle News