મહાશિવરાત્રિ અને શિવરાત્રિ વચ્ચે શું છે અંતર? પાવનપર્વનું જાણો મહત્વ
Image:Freepik
નવી દિલ્હી,તા. 23 ફેબ્રુઆરી 2024, શુક્રવાર
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી સૌથી શુભ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દરવર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે.
આ વખતે મહાશિવરાત્રી 8 માર્ચ 2024ના રોજ આવી રહી છે. આ દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે, મહાશિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને સારો જીવનસાથી મળે છે, વહેલા લગ્નની શક્યતાઓ રહે છે અને દાંપત્ય જીવનમાં સુખ આવે છે.
આ વ્રત સ્ત્રી કે પુરુષ કોઈપણ કરી શકે છે. જો કે દર મહિને માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રીનું વ્રત અચૂક ફળ આપનારું માનવામાં આવે છે. તો આજના આ લેખમાં આપણે જાણીશું મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચેનો તફાવત અને તેમનુ મહત્વ.
फाल्गुनकृष्णचतुर्दश्यामादिदेवो महानिशि । शिवलिङ्गतयोद्भूतः कोटिसूर्यसमप्रभ
મહાશિવરાત્રી શું છે?
- ભોલેનાથના નિરાકારથી ભૌતિક સ્વરૂપમાં અવતારની રાત્રિને મહાશિવરાત્રિ કહેવાય છે. મહાશિવરાત્રીનો તહેવાર એ ભગવાન શિવના દિવ્ય અવતારનો શુભ સંકેત છે.
- શિવરાત્રી સમાન પાપ અને ભય દૂર કરનાર બીજું કોઈ વ્રત નથી. આમ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે.
- આ દિવસે મહાદેવ શિવની ઉપાસના કરનારાઓને વાસના, ક્રોધ, લોભ, આસક્તિ વગેરે દુર્ગુણોથી મુક્ત કરીને પરમ સુખ અને શાંતિ પ્રદાન કરે છે.
- આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા, તેથી આ દિવસે રાત્રે ભોલેનાથની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે.
શિવરાત્રી શું છે?
શિવપુરાણ અનુસાર ચતુર્દશી તિથિને શિવલિંગ અને લગ્ન ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે, તેથી આ તિથિ શિવને પ્રિય છે. આ જ કારણ છે કે, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે જે લોકો શિવની આરાધના, ભક્તિ કરે છે તેમના લગ્ન જીવનમાં સુખ-શાંતિનું વરદાન મળે છે અને લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળે છે.