Get The App

મહાકુંભમાં 6 કરોડનું સોનું પહેરીને ફરે છે 'ગોલ્ડન બાબા', દરેક આભૂષણ સાથે જોડાયેલી છે સાધનાની કહાની!

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં 6 કરોડનું સોનું પહેરીને ફરે છે 'ગોલ્ડન બાબા', દરેક આભૂષણ સાથે જોડાયેલી છે સાધનાની કહાની! 1 - image


Image Source: Twitter

Mahakumbh 2025 Golden Baba: પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 45 દિવસ ચાલનારા આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે. આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. ત્યારે આ દરમિયાન સંગમ નગરી પ્રયાગરાજના મહાકુંભમાં સાધુ-સંતોના ઘણા અદ્ભુત સ્વરૂપો જોવા મળી રહ્યા છે. આ વચ્ચે જે બાબા ભક્તોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે તે 'ગોલ્ડન બાબા' છે. તેમનું નામ એસકે નારાયણ ગિરીજી મહારાજ છે, જેઓ મૂળ કેરળના છે. હાલમાં તેઓ દિલ્હીમાં રહે છે. નિરંજની અખાડા સાથે સંકળાયેલા આ બાબા પોતાના અનોખા અંદાજ અને સોનાથી સજ્જ પોતાના વ્યક્તિત્વને કારણે કુંભમાં ચર્ચાનો વિષય બન્યા છે.

6 કરોડનું સોનું પહેરીને ફરે છે ગોલ્ડન બાબા

ગોલ્ડન બાબા લગભગ 4 કિલો સોનું પહેરીને ફરે છે, જેની કિંમત આશરે 6 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. બાબાના દરેક આભૂષણમાં અલગ જ ચમક છે. સોનાની વીંટી, કંગન, ઘડિયાળ અને તેમના હાથમાં સોનાની 'છડી' પણ છે. છડી પર દેવી-દેવતાઓના લોકેટ લગાવવામાં આવેલા છે, જે તેમની સાધનાનું પ્રતીક છે. બાબાનું કહેવું છે કે આ સોનું સાધના સાથે જોડાયેલું છે, અને દરેક આભૂષણમાં આધ્યાત્મિક શક્તિ છે.

ગોલ્ડન બાબા શિક્ષણ ક્ષેત્રે પણ કામ કરી રહ્યા છે

67 વર્ષના ગોલ્ડન બાબાએ અખાડાના અધ્યક્ષ રવિન્દ્ર પુરી મહારાજ પાસેથી દીક્ષા લીધી અને નિરંજની અખાડામાં સામેલ થયા હતા. બાબા શિક્ષણ ક્ષેત્રે પણ કામ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ધર્મ અને શિક્ષણ બંનેને સાથે લઈને ચાલવાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.

આ પણ વાંચો: મહાકુંભમાં 6 જ દિવસમાં સાત કરોડ શ્રદ્ધાળુઓએ પુણ્યની ડૂબકી લગાવી સર્જ્યો રૅકોર્ડ

બાબા પાસે 6 સોનાના લોકેટ 

બાબા જ્યાં પણ જાય છે ત્યાં તેમનામાં શ્રદ્ધા રાખનારા લોકોની ભીડ ઉમટી પડે છે. ભક્તો તેમને ગોલ્ડન બાબા કહે છે. બાબા કહે છે કે મને આમાં કોઈ વાંધો નથી. બાબા પાસે 6 સોનાના લોકેટ છે, જેમાંથી લગભગ 20 માળા બની શકે છે. તેમનો મોબાઈલ પણ સોનાની પરતથી ઢંકાયેલો છે.

બાબાનું કહેવું છે કે મારી દરેક વસ્તુ સાધના સાથે જોડાયેલી છે. તેમનું આ સોનાથી સજ્જ રૂપ દેખાડો કરવા માટે નથી, પરંતુ આ તેમના આધ્યાત્મિક જીવન અને તેમના ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. કુંભ મેળામાં બાબાનું વ્યક્તિત્વ એક અનોખી છબી ધરાવતું છે, જે લોકોને મુગ્ધ કરી દે છે. ગોલ્ડન બાબા આધ્યાત્મિકતા અને ભક્તિનો સંદેશ આપે છે.


Google NewsGoogle News