મહાકુંભમાં અખાડાઓ માટેનું અંતિમ શાહી સ્નાન પૂર્ણ, સાધુ-સંતો વિદાય લેશે, જાણો ક્યારે પાછા આવશે?
Shahi Snan ends in Prayagraj: પ્રયાગરાજ મહાકુંભનું ચોથું અને અખાડા માટે ત્રીજું અને અંતિમ સ્નાન રવિવારે 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ સોમવારે 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થયું છે. હિન્દુ પંચાગ અનુસાર, વસંત પંચમીનો પર્વ બે દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં શ્રદ્ધાળુઓએ બે દિવસ સંગમમાં સ્નાન કર્યું હતું. આ ત્રીજા શાહી સ્નાન સાથે અખાડાના સાધુ-સંતો મહાકુંભમાંથી પ્રયાણ કરી રહ્યા છે. હવે તેઓ છ વર્ષ બાદ (2031માં) પ્રયાગરાજમાં કુંભ મેળામાં આવશે. જો કે, શ્રદ્ધાળુઓ માટે આગામી પાંચમું અમૃત સ્નાન 12 ફેબ્રુઆરીએ મહા માસની પુનમના દિવસે યોજાશે. 144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભનો મેળો હવે સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના પર્વે છેલ્લાં છઠ્ઠા અમૃત સ્નાન સાથે મહાકુંભ પૂર્ણ થશે.
વિવિધ અખાડાના સાધુ-સંતોએ સોમવારે વહેલી પરોઢે શાહી સ્નાન કર્યું હતું. તેઓ રથ, હાથી-ઊંટ અને ઘોડા ગાડીમાં સવાર થઈ સંગમ તટ પહોંચ્યા હતા. સ્નાન બાદ સાધુ-સંતોએ પોતાની શિબિરોમાં પૂજા-અર્ચના કરી પ્રયાગરાજ મહાકુંભમાંથી પ્રસ્થાન કરવાની તૈયારીઓ શરૂ કરી હતી.
35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું
મહાકુંભમાં વસંત પંચમીના પર્વે 62 લાખથી વધુ લોકોએ અમૃત સ્નાન કર્યું હતું. અત્યારસુધી મહાકુંભમાં 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. જેમાં આઠ કરોડ શ્રદ્ધાળુઓએ મૌની અમાસના દિવસે સ્નાન કર્યું હતું. જ્યારે 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ મકર સંક્રાતિના પર્વ પર અમૃત સ્નાન કર્યું હતું.
અખાડા હવે વારાણસી જશે
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, વસંત પંચમીના પર્વ પર આ અંતિમ શાહી સ્નાન હતું. હવે અમે વારાણસી તરફ પ્રયાણ કરીશું. હું શ્રદ્ધાળુઓને આગ્રહ કરુ છુ કે, તેઓ સંગમ ઘાટ પર અનાવશ્યક ભીડ ન કરે. આ અમારા અંતિમ શાહી સ્નાનમાં લગભગ પાંચથી છ હજાર નાગા સાધુઓ સંગમ તટ પહોંચ્યા હતા. શાહી સ્નાન દરમિયાન અખાડામાં પોતાના દેવતાઓની મૂર્તિઓ અને પ્રતિક ચિન્હ લઈ સંગમ પહોંચ્યા હતા. જૂના અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિએ જણાવ્યું હતું કે, આજના વિશેષ પવિત્ર પર્વ નિમિત્તે અમે સવારે 4.30 વાગ્યે સંગમ પહોંચ્યા હતા. માં સરસ્વતીના દિવસ વસંત પંચમીનું આધ્યાત્મિક મહત્ત્વ છે.
મહાશિવરાત્રિ સુધી ચાલશે મહાકુંભ
વસંત પંચમીના દિવસે અમૃત સ્નાન કર્યા બાદ અખાડાના સાધુ-સંતો પરત ફરી રહ્યા છે. વિવિધ અખાડાના મહામંડલેશ્વર, સંત, અને નાના સંન્યાસી પ્રયાગરાજથી રવાના થઈ રહ્યા છે. જો કે, મેળામાં શ્રદ્ધાળુઓની અવરજવર ચાલુ રહેશે. મહાકુંભ 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના અંતિમ સ્નાન સાથે પૂર્ણ થશે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
ત્રીજા અમૃત સ્નાન દરમિયાન સર્જાયેલી નાસભાગની દુર્ઘટના બાદ પ્રશાસન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ખડેપગ ઉભુ છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં વિવિધ વયજૂથના લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અસુવિધા ન સર્જાય. ઉલ્લેખનીય છે, વસંતપંચમી બે ફેબ્રુઆરીના રોજ સવારે 9.14 વાગ્યે શરૂ થઈ હતી. જે 3 ફેબ્રુઆરીના રોજ સવારે 6.52 વાગ્યે પૂર્ણ થઈ હતી. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની વિશેષ પૂજા-આરાધના થાય છે. મહા માસની સુદ પાંચમના દિવસે દેવી સરસ્વતીનું પ્રાગ્ટય થયુ હતું. જેથી તેને વિદ્યા અને જ્ઞાનના પર્વ તરીકે ઉજવવામાં આવે છે.